તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તંત્રને રાહત:કોવિડ-19ના 89 દર્દીઓને સાજા કર્યા બાદ 65 દિવસથી કાર્યરત કોવિડ સેન્ટરને વિરામ અપાયો

બીલીમોરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરામાં સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોરોના કાળમાં સરાહનીય કામગીરી

બીલીમોરામાં કોરોના કાળમાં જ્યારે હોસ્પિટલમાં સારવાર માટે લોકો ઝૂરી રહ્યાં હતા ત્યારે બીલીમોરા સદભાવના ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત કોવિડ કેર સેન્ટરે લોકોને પ્રાણવાયુ પૂર્યો હતો. 65 દિવસ કાર્યરત આ કોવિડ સેન્ટરની સેવામાં રૂ. 30.50 લાખના ખર્ચે 128 દર્દીને વિનામૂલ્યે તબીબી સારવાર આપવામાં આવી હતી. જેમાંથી 89 દર્દી સારા થઈ ઘરે પરત ફર્યા હતા. જેમાં સેવા આપનારા 35 કોરોના વોરિયર્સ અને સહયોગી સંસ્થાઓનું સન્માન કરાયું હતું.

બીલીમોરા કોરોના કાળમાં 65 દિવસ અવિરત સેવાની કોવિડ કેર સેન્ટરની ધુણી ધખાવ્યાં બાદ હાલ સ્થિતિ કાબુમાં આવતા દર્દીઓના અભાવે આ કોવિડ કેર સેન્ટરની સેવાને વિરામ અપાયો હતો. સદ્દભાવના ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા કોળી પટેલ સમાજ વાડીમાં મંગળવારે કોરોના વોરિયર્સ અને સહયોગી દાતાઓનાં સન્માન સાથે તેમના વહીવટનાં લેખાજોખા જાહેર કર્યા હતા. બીલીમોરામાં કોવિડ કેર હોસ્પિટલના અભાવે ઘણા લોકોએ જીવ ગુમાવવાનો વારો આવ્યો હતો. બીજી તરફ દર્દીઓની લાંબી લાઈનો હતી ત્યારે સદભાવના ટ્રસ્ટે મેંગુષી હોસ્પિટલમાં તાબડતોબ કોવિડ કેર સેન્ટર સુવિધા ઉભી કરી કોરોનાનો ભય દૂર કરવામાં સફળતા મેળવી હતી. સદભાવના ટ્રસ્ટ અને સહયોગી ઉંડાચ રામાલક્ષ્મી માનવ કલ્યાણ ટ્રસ્ટ, આંતલિયા સહાય ટ્રસ્ટ અને દાતાઓ પ્રજાપતિ સમાજ, કોળી પટેલ, સિંધી, મુસ્લિમ, પારસી સમાજ, ધીરુભાઈ પટેલ, કિરણ પ્રજાપતિ, બિપીન આહીર સહિત અનેક સહયોગીઓએ દેશ-વિદેશથી 44.80 લાખ દાનની સરવાણી વહેવડાવી હતી, જે પૈકી 30.50 લાખનાં ખર્ચે 89 દર્દીને નવજીવન મળ્યું હતું. કુલ 128 દર્દી પૈકી 10 કોરોના સામે જંગ હારી ગયા હતા. આ કોરોનાના કાળમાં મદદે આવેલા 7 તબીબ, 12 નર્સ, સફાઈ કર્મી સહિત 35 કોરોના વોરિયર્સ અને કોવિડ કેર સેન્ટર મદદે સામાજીક સેવાકીય સંસ્થા અને ડો. પ્રશાંત પટેલ, ડો. હિતેન્દ્ર પટેલનું સન્માન કરાયું હતું.

આ પ્રસંગે સદભાવના ટ્રસ્ટે 5.5 લાખનાં ખર્ચે એકતા ગ્રુપને એમ્બ્યુલન્સ લોકાર્પણ કરી હતી. આ કાર્યક્રમમાં ટ્રસ્ટના સભ્યો વિજય પટેલ, દિનેશ માલી, કીર્તિ મિસ્ત્રી, પંકજ મોદી, જોગેન્દ્ર વ્યાસ, કિરણ પ્રજાપતિ સહિત અગ્રણીઓ, સહયોગીઓ હાજર રહ્યા હતા. તેમણે કોઈ મદદની જરૂર પડે ટ્રસ્ટ તુરંત કોવિડ કેર સેન્ટર ફરી કાર્યરત કરશે એમ પણ જણાવ્યું હતું. બીલીમોરા શહેરમા પ્રથમ મલ્ટીસ્પેશિયાલીટી હોસ્પિટલ શરૂ કરવાની તજવીજ હાથ ધરી છે. જેના માટે ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ પટેલ અને ટ્રસ્ટી હ્રદયનાથ પટેલ (પપ્પુભાઈ)એ પ્રયત્નો શરૂ કરી દીધા છે. આ તકે બીલીમોરાનુ ગૌરવ એવા અમેરિકા નિવાસી ડો. સુમુલ રાવલ (ન્યુરોફિઝીશિયન)ની સરાહના સાથે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો.

અન્ય સમાચારો પણ છે...