અનરાધાર વરસાદ:કરોડોના ખર્ચે પુલ બનાવ્યો પણ ઘોલ ફળિયામાં જવા માટે મંત્રીએ પણ હોડીનો સહારો લેવો પડ્યો

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરામાં અનરાધાર વરસાદ યથાવત, છેલ્લા 24 કલાકમાં વધુ 2.28 ઇંચ સાથે મોસમનો 33.64 ઇંચ નોંધાયો

બીલીમોરામાં પંથકમાં અવિરત મેઘ તાંડવ યથાવત રહ્યું હતું. મંગળવારે વીતેલા 24 કલાકમાં વધુ 2.28 ઇંચ (57 મિમી) વરસાદ વરસ્યો હતો. અંબિકા અને કાવેરી નદી ભાયજનક સપાટીથી હજુ ઉપર વહી રહી છે, જેના કારણે નિચાણવાળા વિસ્તારમાં પાણી ભરાયું હતું. પુલ બન્યા બાદ પણ ભાઠાના ઘોલ ફળિયા પુલ એપ્રોચ પાણીમાં ગરક થતા સંપર્કવિહોણુ બન્યું હતું.

બીલીમોરા પંથકમાં અનરાધાર મેઘમહેર યથાવત રહેતા જનજીવન અસ્તવ્યસ્ત બન્યું છે. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે કાવેરી અને અંબિકા ભયજનક સપાટી વટાવી વહી રહી છે. જેને પગલે કાંઠા અને નિચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાયા છે. બીલીમોરા અંબિકા નદી કિનારે આવેલ ભાઠા ગામના ઘોલ ફળિયામાં 300 કરતા વધુ પરિવારો વસવાટ કરે છે.

ઘોલ જવાના માર્ગ પર દર વર્ષે પૂરના પાણી ભરાતા હોય તે સંપર્કવિહોણું બનતું હતું. આ સમસ્યા નિવારવા ઘોલ જવાના માર્ગ પર એક વર્ષ અગાઉ 4.37 કરોડના ખર્ચે સબમર્સીબલ પુલ બનાવાયો હતો છતાં દર વર્ષની માફક આ વર્ષે પણ ઘોલ ફળિયુ સંપર્કવિહોણું બન્યું હતું. અસરગ્રસ્ત વિસ્તારોનો તાગ મેળવવા રાજ્યના કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, ભૂરાભાઇ શાહે, સનમભાઇ પટેલ, શાંતિલાલ પટેલે સંપર્કવિહોણા બનેલા અંબિકા નદી કિનારાના ભાઠાના ઘોલ ફળિયાની બોટમાં બેસી ગામમાં જઇ મુલાકાત કરી સ્થિતિનો તાગ મેળવ્યો હતો.

જ્યાં સ્થિતિની સમીક્ષા કરી જરૂરી સુચન અધિકારીને આપ્યા હતા. તે સાથે અસરગ્રસ્ત વિસ્તારની મુલાકાતે આવેલ કેબિનેટ મંત્રી જીતુભાઇ ચૌધરી, પિયુષભાઈ પટેલે આરોગ્ય અધિકારીને લોકો સુધી જરૂરી આરોગ્યની સુવિધા ઉપલબ્ધ બને તે માટે સૂચન કર્યા હતા. જ્યારે બીલીમોરા નગરપાલિકા પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી, ભાજપ પ્રમુખ વિજયભાઈ તેમજ ચીફ ઓફિસર વિજયભાઈ સાને અસરગ્રસ્તોની યોગ્ય વ્યવસ્થા માટે કામગીરી કરી રહ્યા છે.

1277 લોકોનું સ્થળાંતર કરાયું
2.28 ઇંચ વરસાદ પડવા સાથે મોસમનો કુલ્લે 33.64 ઇંચ વરસાદ હાલ સુધી નોંધાયો છે. મંગળવારે સાંજે અંબિકા નદીની સપાટી 30.50 ફૂટ તેમજ કાવેરી નદીની સપાટી 18 ફૂટ નોંધાઇ હતી. ગણદેવી તાલુકામાં ગ્રામ્ય વિસ્તારોમાં 1277 લોકોનું આજે સ્થળાંતર કરવામાં આવ્યું હતું. પૂરની તારાજીના કારણે ગણદેવી તાલુકાને છેલ્લા 3 દિવસમાં 22 કરોડનું નુકસાન પહોંચ્યું હોવાનો અંદાજ લગાવાયો છે.

ટ્રેકટરમાં ભોજન લઈ જવાની વ્યવસ્થા કરાઇ
અંબિકા નદી કિનારે આવેલા દેવધા ગામ કે નદીના પુરપ્રકોપ નો સામનો કરી રહ્યું છે. જ્યાં સતત બીજા દિવસે પરિસ્થિતિ યથાવત રહી ગામમાં પાણી ભરાયેલા રહેતા ગ્રામજનો માટે ટ્રેક્ટરમાં ભોજન લઇ જવાની વ્યવસ્થા કરવામાં આવી હતી. બીલીમોરાના નિચાણવાળા વિસ્તારમાં પણ પરિસ્થિતિ યથાવત રહી હતી.

અન્ય સમાચારો પણ છે...