બીલીમોરા નગરપાલિકાના બની રહેલા પાર્ટી પ્લોટના માટી પુરાણમાં દલિત સમાજના સ્મશાનમાંથી માટી ખોદવાના પ્રકરણમાં આત્મદાહનો પ્રયાસ કરનાર આગેવાનની અટકાયત કરાઇ હતી. જયારે પાલિકા દ્વારા વિધિપૂર્વક અસ્થિઓની ફરી દફનવિધિ કરાઈ હતી. જ્યાં ખાણ ખનીજ વિભાગની તપાસમાં માટી ખોદકામમાં કૃણાલ મારુનું નામ બહાર આવ્યું હતું. હરીશ ઓડને પુછતા આ માટી પુરાણનો કોઇ પેટા કોન્ટ્રાકટ રાખ્યો નહીં હોવાનું જણાવ્યું હતું.
બીલીમોરા નગરપાલિકા દ્વારા બની રહેલા પાર્ટી પ્લોટમાં અંબિકા નદી કિનારે આવેલી દલિત સમાજની સ્મશાનભૂમિમાંથી માટી ખોદી પુરાણ કરાતા આ માટીમાં વર્ષો અગાઉ દફન કરાયેલા દલિત સમાજના મૃત વડીલોના અસ્થિ બહાર નીકળી આવતા દલિત સમાજમાં ભારે રોષ વ્યાપ્યો હતો. આ પ્રકરણમાં દલિત સમાજે ન્યાયની માંગણી સાથે આવેદનપત્ર આપ્યું હતું. આ અંગે પાલિકામાં ચીફ ઓફિસરની કેબિનમાં ચાલતી ચર્ચામાં દલિત સમાજના આગેવાન હરીશભાઈ ભાદરકાએ આવેશમાં આવી પોતાના પર પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કર્યો હતો. જેને પીએસઆઇ પઢેરીયા અને ઉપસ્થિત સૌએ અટકાવી નિષ્ફળ બનાવ્યો હતો.
આત્મવિલોપનનો પ્રયાસ કરનાર હરીશભાઈની બીલીમોરા પોલીસે અટક કરી હતી. દરમિયાન પાલિકા દ્વારા સોમવાર રાત્રિથી જ ખોદી કઢાયેલ સ્મશાનભૂમિની માટીનું ફરી પાછુ પુરાણ શરૂ કરી દેવાયું હતું, જે મંગળવારે પણ ચાલુ રહ્યું હતું. માટી ખોદકામ દરમિયાન બહાર આવેલ દલિત સમાજના મૃત સ્વજનોના અસ્થિઓને વિધિવિધાનપૂર્વક માનભેર સમાજજનો દ્વારા દફન ક્રિયા કરાઇ હતી.
આ પ્રકરણમાં અપાયેલ આવેદનપત્રમાં પાલિકાના ઇજારદાર દ્વારા પાલિકાના શાસક પક્ષના નેતા હરીશભાઈ ઓડને પેટા કોન્ટ્રાક્ટ આપ્યો હોવાનો આક્ષેપ કરાયો હતો, આ બાબતે ખાણખનીજ વિભાગના કમલેશભાઈ આલને પૂછતા તેમણે આ માટી ખોદકામ કૃણાલ મારું નામના વ્યક્તિએ કરી હોવાનું જણાવ્યું હતું તેમજ હરીશભાઈ ઓડે જણાવ્યું હતું કે તેમણે કોઈ પેટા કોન્ટ્રાકટ રાખ્યો નથી અને કૃણાલ મારુએ તેમની પાસેથી જેસીબી અને વાહનો ભાડે રાખ્યા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.