પ્રતિબંધિત જથ્થો:પીકઅપમાંથી જ્વલનશીલ પદાર્થ સાથે 1ની અટક, 1 ફરાર

બીલીમોરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા પોલીસે કુલ 5.54 લાખનો મુદ્દામાલ કબજે કર્યો

બીલીમોરા પોલીસને બાતમી મળી હતી કે સુરતથી પ્રતિબંધિત જ્વલનશીલ પદાર્થ સફેદ પીકઅપ ગાડીમાં વિના પાસ-પરમીટનો જથ્થો ધોલાઇ બંદર તરફ પસાર થવાનો છે. આ બાતમી આધારે પોલીસે સ્ટેશન મસ્જિદ પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી પીકઅપ (નં GJ-05-BZ- 1616) આવતા તેને ઉભી રખાવી તપાસ કરી હતી. તેમાં કોઈપણ જાતના પાસ પરમિટ કે ફાયર સેફ્ટીના સાધનો વગર લઈ જવાતો પ્લાસ્ટિકના 10 ડ્રમમાં સંગ્રહ કરાયેલો 2 હજાર લિટર જેટલો જ્વલનશીલ પદાર્થ કિંમત રૂ. 1.50 લાખનો જથ્થો મળી આવ્યો હતો.

પોલીસે ચાલક પેથાભાઈ નાનુભાઈ બોળીયાં (41, રહે. વાળીનાથ સોસાયટી, છાપરાભાઠા રોડ, સુરત, મૂળ રહે. ભાવનગર, ગઢડા)ની ધરપકડ કરી હતી. પોલીસે કરેલી તેની પૂછપરછમાં ઉપરોક્ત પ્રતિબંધિત જથ્થો કામરેજ સુરતના નીરૂભાઈ પટેલનો હોવાનું જણાવ્યું હતું અને તે બીલીમોરા પહોંચીને તે ક્યા પહોંચાડવાનો હતો તેની તેને ફોન ઉપર માહિતી મળવાની હતી. તે પહેલા જ પોલીસે તેને ઝડપી પાડ્યો હતો. પોલીસે જવલનશીલ પદાર્થ સહિત 4 લાખની પીકઅપ વાન અને ચાલક પાસેથી 4 હજારની કિંમતનો મોબાઇલ મળી કુલ રૂ. 5.54 લાખનો મુદ્દામાલ કબજે કરી માલ ભરાવનારને ફરાર જાહેર કર્યો હતો.

અન્ય સમાચારો પણ છે...