વિવાદ:મોરલીમાં ઘર સામે ખાડો ખોદવા મુદ્દે મહિલા ઉપર પરાઈથી હુમલો

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • મહિલાના માથાના ભાગે તથા ડાબા હાથે ગંભીર ઇજા

બીલીમોરા નજીકના મોરલી નવા ફળિયામાં રહેતા લીલાબેન ગીરીશભાઇ પટેલ (ઉ.વ. 60)એ બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી છે કે, તેઓ તેમના પતિ સાથે ગતરોજ ઘર પાછળ આવેલી વાડીમાં કેરી પાડી રહ્યાં હતા. દરમિયાન તેમના ઘર સામે રહેતા પંકજભાઈ પટેલે તેમના ઘર સામે ખાડા ખોદાવી રહ્યા હોવાની વાત લીલાબેનના પુત્ર પ્રજ્ઞેશે તેમને કરી હતી. જેથી તેઓ તુરંત ઘરઆંગણે આવી જોયું તો ત્યાં પંકજભાઇ તથા તેના મમ્મી બાવીબેન તથા તેની પત્ની રીટાબેન તથા બે મજૂરો જમીનમાં ખાડો કરતા હતા. તેમણે પંકજભાઇને કહ્યું હતું કે, ખાડો કેમ કરો છો ? અમારી પાઈપલાન તુટી જશે.

આ વાતથી પંકજભાઇ ઉશ્કેરાઇ જઈ પરાઇથી લીલાબેનના પુત્ર પ્રજ્ઞેશને મારવા ધસી ગયા હતા. જ્યાંથી પ્રજ્ઞેશ બચીને નાસી ગયો હતો. જ્યાં લીલાબેને પંકજભાઈને કેમ મારવા દોડે છે તેમ કહેતા પંકજભાઇએ ઉશ્કેરાઇ જઇ તેના હાથમાની પરાઇ વડે લીલાબેન પર હુમલો કરી દીધો હતો. તેમને માથામાં તથા ડાબા હાથમા ગંભીર ઇજા પહોંચી હતી.

આજુબાજુના માણસો દોડી આવતા તેમને વધુ મારમાંથી બચાવ્યા હતા. પંકજભાઇ ત્યાંથી જાનથી મારી નાખવાની ધમકી આપી જતા રહ્યાં હતા. ઘાયલ લીલાબેનને બીલીમોરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કરાયા હતા. તેમણે બીલીમોરા પોલીસમાં પંકજભાઈ પટેલ વિરુદ્ધ ફરિયાદ નોંધાવતા પોલીસે ફરિયાદ આધારે પંકજ પટેલની ધરપકડ કરી કાર્યવાહી હાથ ધરી હતી. આ બનાવની પીએસઆઇ ડી.આર.પઢેરીયા તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...