ન્યાય નહીં તો ઉગ્ર આંદોલન:બીલીમોરા પાલિકાના પાર્ટી પ્લોટના પુરાણમાં દલિત સમાજના સ્મશાનની માટી ખોદી કઢાતા અગ્રણીનો આત્મદાહનો પ્રયાસ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સ્મશાનની માટી ખોદાતા મૃત સ્વજનોના અવશેષો બહાર નીકળતા દલિત સમાજમાં આક્રોશ, પોલીસે મોટી દુર્ઘટના થતા અટકાવી

બીલીમોરા નગરપાલિકાના બની રહેલા પાર્ટી પ્લોટના માટી પુરાણમાં દલિત સમાજના અંબિકા નદી કિનારે આવેલ સ્મશાનમાંથી પેટા કોન્ટ્રાક્ટર દ્વારા ગેરકાયદેસર માટી ખોદાતા તેમાંથી તેમના મૃત વડીલોના અસ્થિ નીકળતા દલિત સમાજમાં આક્રોશ ફેલાયો હતો. દલિત સમાજના લોકોએ બીલીમોરા પાલિકાને આવેદન આપી ન્યાયની માંગણી કરી હતી. જ્યાં આ વિવાદ ઉગ્ર બનતા દલિત સમાજના એક આગેવાને ચીફ ઓફિસરની કેબિનમાં પોતાના ઉપર પેટ્રોલ છાંટી આત્મદાહનો પ્રયાસ કરતા હાજર પોલીસ અને અન્ય આગેવાનોએ આ પ્રયાસને નિષ્ફળ બનાવ્યો હતો.

બીલીમોરા દલિત સમાજ દ્વારા બીલીમોરા નગરપાલિકામાં આવેદનપત્ર આપવામાં આવ્યું છે, જેમાં તેમણે જણાવ્યું છે કે, બીલીમોરા નગરપાલિકા દ્વારા હાલ બીલીમોરા જલારામ મંદિર સામે પાર્ટી પ્લોટ બનાવાઇ રહ્યો છે, જેમાં માટી પુરાણનો કોન્ટ્રાક્ટ સુરતના નીતિન કલસરિયાને અપાયો છે. તેમણે આ માટી પુરાણનો પેટા કોન્ટ્રાક્ટ બીલીમોરા નગરપાલિકાના સભ્ય અને શાસક પક્ષ ના નેતા હરીશભાઈ ઓડને આપ્યો છે. આ પાર્ટી પ્લોટમાં પુરાણમાં નાંખવામાં આવતી માટી અંબિકા નદી પાસે આવેલ દલિત સમાજની વર્ષો જૂની સ્મશાનભૂમિમાંથી જેસીબી મૂકી ગેરકાયદેસર રીતે ખોદી કાઢી હતી.

આ સ્મશાનમાંથી દલિત સમાજના મૃત્યુ પામેલા સ્વજનોના અસ્થિ બહાર નીકળી આવતા દલિત સમાજમાં આક્રોશ વ્યાપ્યો છે. આવેદનમાં જણાવ્યાનુસાર ખોદકામના કારણે સ્મશાનભૂમિમાં દફન કરાયેલા સ્વજનોના મૃતદેહોના અવશેષો બહાર નીકળી આવતા સમાજની લાગણીને ઠેસ પહોંચી છે. વધુમાં સ્મશાનભૂમિમાં માટી ખોદવા માટે જવાબદારો વિરુદ્ધ એટ્રોસિટી એકટ અને ભારતીય દંડ સંહિતાની કલમ મુજબ ગુનો નોંધી કડક કાર્યવાહી કરવા માંગ કરી હતી. નહીં તો દલિત સમાજે ઉગ્ર આંદોલનની ચીમકી ઉચ્ચારી હતી.

આ પ્રકરણમાં દલિત સમાજના લોકો પાલિકાના પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રી અને ચીફ ઓફિસર નીલકંઠ અણઘડ પાસે જવાબદારોને હાજર કરવાની માંગણી કરી હતી. ઉગ્ર રજૂઆત કરવા છતાં મોડી સાંજ સુધી કોઈ પરિણામ આવ્યું ન હતું. માટી પુરાણ કરનાર પેટા કોન્ટ્રાકટર હરીશ ઓડ આવતા તેમણે ઉપસ્થિત સૌ આગેવાનો અને સમાજજનો સામે તે સ્થળની સ્થિતિ પહેલા જેવી કરી દેવાનું જણાવ્યું હતું. જોકે આ પ્રકરણમાં ઉગ્ર રજૂઆત બાદ દલિત સમાજના આગેવાન હરીશભાઈ ભાદરકાએ આવેશમાં આવી ચીફ ઓફિસરની ચેમ્બરમાં સૌની હાજરીમાં પોતાના ઉપર પેટ્રોલ છાંટી આત્મદાહ કરવાનો પ્રયાસ કરતા અફરાતફરી મચી ગઇ હતી. સ્થળ હાજર પીએસઆઇ ડી.આર.પઢેરીયા અન્ય ઉપસ્થિત આગેવાનો ભાજપ પ્રમુખ વિજયભાઈ, પાલિકા સભ્ય મનિષભાઈ, યતીનભાઈએ તેમને અટકાવી આત્મદાહનો પ્રયાસ નિષ્ફળ બનાવ્યો હતો.

દલિત સમાજને કાયમ અન્યાય થાય છે
ઉગ્ર રજૂઆત બાદ હરીશભાઈ ભાદરકાએ દલિત સમાજને કાયમ અન્યાય જ થતો આવ્યો હોવાનું જણાવી નગરપાલિકામાં ચીફ ઓફિસરની કેબિનમાં આવેશમાં આવી પેટ્રોલ છાંટી દીધું હતું. જેને લઇને ઘટના સ્થળે હાજર તમામ લોકો ગભરાય ગયા હતા.

અને તેના આત્મદાહનો પ્રાયસ કરતો અટકાવવા મથામણ કરવા લાગ્યા હતા. દરમિયાન પોલીસ પણ ઘટના સ્થળે આવી જતાં આખરે હરીશભાઇને આત્મદાહ કરતો અટકાવી દેવામાં પોલીસને સફળતા મળી હતી. જેને લઇ ચીફ ઓફિસરની કેબીનમાં હાજર તમામ લોકોએ રાહતો શ્વાસ લીધો હતો. આ ઘટનાને પગલે સમગ્ર બીલીમોરા પંથકમાં ભારે ચકચાર મચી જવા પામી હતી. દલિત સમાજના લોકોમાં આ મેસેજ વાયુવેગે પ્રસરી જતા મોટી સંખ્યામાં લોકો નગર પાલિકા પર એકત્ર થઇ ગયા હતા.

હાલ કામ અટકાવી દેવાયું છે
હાલ જે જગ્યા માટે વિવાદ ઉભો થયો છે ત્યાં સંપૂર્ણત: કામગીરી અટકાવી દેવામાં આવી છે અને ભવિષ્યમાં આવુ કૃત્ય ન થાય તે માટે પણ તકેદારી રાખવા સૂચનાઓ આપી દેવામાં આવી છે. વધુમાં પાલિકા દ્વારા ખાતરી આપવામાં આવે છે કે, જે જગ્યાએ માટી ખોદી કાઢવામાં આવી છે ત્યાં અને ત્યાં જે સ્મશાનભૂમિ વિસ્તારમાંથી નીકળેલા અવશેષોને ફરીથી માનભેર પૂજાવિધિ સાથે દફનવિધિ કરી દેવામાં આવશે. > નીલકંઠ અણઘડ, ચીફ ઓફિસર, બીલીમોરા પાલિકા

અન્ય સમાચારો પણ છે...