બીલીમોરા નગરપાલિકાના વિપક્ષી સભ્ય મલંગ કોલીયાએ બીલીમોરા નગરપાલિકાના સીઓ અને પ્રમુખને ઉદ્દેશીને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં તેમણે જણાવ્યું છે કે, એક વર્ષ અગાઉ બીલીમોરા હિન્દુ સ્મશાનભૂમિમા પહોંચવા માટે કોસ્ટલ હાઇવેથી બીજો પ્રવેશદ્વાર પ્રવેશમાર્ગ, પાર્કિંગ, આર.સી.સી.રોડ અને બ્લોક પેવિંગનું ટેન્ડર રૂ. 35 લાખમાં મંજૂર કરવામાં આવ્યું હતું. જેમાં વર્ક ઓર્ડર અને કરારો પણ કરવામાં આવ્યા નથી. તેના એક વર્ષ વિતી જવા પછી પણ હજી કામ પૂર્ણ કરવામાં આવ્યું નથી, જેના કારણે અંતિમ સંસ્કાર માટે સ્મશાનભૂમિ આવતા લોકોને પરેશાનીનો સામનો કરવામાં આવી રહ્યો છે.
ચોમાસાના દિવસો નજીક હોય આજુબાજુના ગામોના કોઈ સ્વજનનું મૃત્યુ થાય તો મુશ્કેલી પડે નહીં તે માટે આ કામ સોંપવામાં આવ્યું હતું, જેને મંજૂર થવાને એક વર્ષ વિતી ગયો હોવા છતાં હજી તેમાં કોઈ પ્રગતિ થઈ નથી. ચોમાસામાં સ્વજનના મૃતદેહના અંતિમ સંસ્કાર કરવા તકલીફ પડતી હોય છે જે માટે કોસ્ટલ હાઇવેથી સ્મશાનભૂમિમાં પહોંચવાનો આ વધારેનો માર્ગ ઉપયોગી સાબિત થશે પરંતુ તે કામ પૂર્ણ થાય તો બાકી પાલિકા કામો બોર્ડમાં મંજૂર કરે છે, ટેન્ડરો મંગાવી મંજૂર પણ કરે છે, પણ પછી કોઈ પ્રગતિ થતી નથી.
પરિણામે નિર્ધારિત સમયમાં કામ પૂર્ણ નહીં થવાથી તેનો લાભ લોકોને મળતો નથી. વિપક્ષી સભ્ય મલંગ કોલીયાએ ચીમકી ઉચ્ચારી છે કે, આગામી દસ દિવસો પહેલાં જો આ મહત્ત્વનું કામ શરૂ કરીને ચોમાસા પહેલાં પૂર્ણ નહીં કરાશે તો શહેરના વિવિધ સંગઠનોની મદદ લઇ આંદોલનના ભાગરૂપે પ્રતિક ઉપવાસ પર ઉતરશે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.