ભારતીય સીમાની સુરક્ષામાં તૈનાત ગોયંદી ભાઠલાના ભારતીય સેનાના જવાન ભરતભાઇ શંકરભાઇ પટેલ દેશની સરહદોના 28 વર્ષની સેવા બજાવી નિવૃત થતા તેમના માદરે વતન ગોયંદી ભાઠલા ગામે આવતા યુવાનો, માજી સૈનિકો અને અગ્રણીઓએ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી દેશભક્તિ નાદ સાથે રાજમાર્ગો પર તેમની ભવ્ય શોભાયાત્રા કાઢી હતી.
બીલીમોરા નજીક કાંઠા વિસ્તારના ગોયંદી ભાઠલા ગામના વતની અને ભારતીય સેનામાં જુનિયર કમિશનર ઓફિસર (JCO) તરીકે ફરજ બજાવતા ભરત શંકરભાઇ પટેલ 28 વર્ષની નિષ્ઠાપૂર્વક ફરજ બજાવી નિવૃત્ત થયા હતા. તેમણે ભારતીય સેનામાં તેમની ફરજ દરમિયાન કારગીલ, જમ્મુ કાશ્મીર, રાજસ્થાન, લેહ લદાખ, કારગિલ દ્રાસ અને નાસિકમાં તેમની સેવા આપી હતી.
તેઓ 28 વર્ષની તેમની ફરજ બજાવી માદરે વતન પરત ફરતા કાંઠા વિસ્તાર ગામના યુવાનો, અગ્રણીઓ, ગ્રામજનો,અને માજી સૈનિકોની સંયુક્ત આગેવાની હેઠળ ભરતભાઈ પટેલના સન્માનના ભાગરૂપે અને યુવાનોને પ્રેરણા મળે એવા હેતુથી ગોયંદી ભાઠલા ભાણાબાપા મંદિરથી દેવસર સુધી શોભાયાત્રા રૂપે વિશાળ બાઇક રેલી યોજી હતી. નિવૃત્ત આર્મી જવાન ભરતભાઇ પટેલનું ઉષ્માભર્યું સ્વાગત કર્યું હતું. તેમણે સૌનો આભાર વ્યક્ત કરી આજની યુવા પેઢીને મોટી સંખ્યામાં ભારતીય સેનામાં જોડાવા આહવાન કરી દેશસેવાના ભગીરથ કાર્યમાં જોડાવા જણાવ્યું હતું.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.