તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

GIDCમાં વાવેતર:જાપાનની મિયાવાકી પદ્ધતિથી 1200 વૃક્ષનું રોપાણ

બીલીમોરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા હરિયાળી ગ્રુપ અને આંતલીયા ગ્રામ પંચાયત અને જીઆઈડીસી સહયોગથી મિયાવાકી પદ્ધતિથી વૃક્ષારોપણ કર્યું હતું. જેમાં 100થી વધુ વિવિધ પ્રજાતિના 1200 છોડવા રોપવામાં આવ્યા હતા.

આ માટે બીલીમોરાનું હરિયાળી ગ્રુપ અથાગ પ્રયત્ન કરી રહ્યું છે. રવિવારે હરિયાળી ગ્રુપ, ગ્રામ પંચાયત આંતલિયા અને જીઆઇડીસીના સહકારથી જીઆઇડીસીમાં આવેલી એક જગ્યામાં અંદાજીત 100થી વધુ પ્રજાતિના 1200 વૃક્ષ અને રોપાઓ મિયાવાકી પદ્ધતિથી રોપવામાં આવ્યા હતા. જેમાં પરંપરાગત સ્થાનિક દક્ષિણ ગુજરાતના વૃક્ષો સહિત લુપ્ત થતાં વૃક્ષો, અલભ્ય પ્રજાતિના વૃક્ષો, ઔષધિય વૃક્ષો પણ સમાવિષ્ટ છે. યુનિસેફની હાલની બાયો ડાઈવર્સીટીની થીમ પર આ જંગલ બની રહ્યું છે. આ સાથે આ જંગલમાં વોકવે પણ બનશે જેમાં મુલાકાતીઓ આ અલગ અલગ છોડવાની માહિતી પણ મેળવી શકશે. ઓક્સિજનથી ભરપૂર, પ્રાકૃતિક જંગલ જીઆઈડીસી જેવા વિસ્તારમાં આવનાર વર્ષોમાં ઉભુ થશે. દાતા નીતિન મહેતાએ આ પ્રોજેકટ માટે રૂ. 2.51 લાખનું દાન આપ્યું છે તેમનું સન્માન કરાયું હતું. આ કાર્યક્રમમાં નવસારીના ધારાસભ્ય પિયુષભાઈ, જિલ્લા કલેકટર અમિત યાદવ, કૃષિ યુનિવર્સિટીનાં કુલપતિ ઝીણાભાઈ પટેલ, ઉદ્યોગકારો, સિન્ડિકેટ મેમ્બર સંજય દેસાઈ, આંતલિયા ગ્રા.પં.ના કલ્પેશ પટેલ, અસ્પી કન્યા વિદ્યાલયના શિક્ષકો હાજર રહ્યા હતા. કોલેજના આચાર્ય દીપેશ પટેલ અને ભાવેશભાઈ દેવતાએ આગેવાની લઈ તેમજ જીઆઇડીસી સહિત અનેક સંસ્થાના સહકારથી કાર્યક્રમ યોજાયો હતો. દીપેશભાઈ અને જીઆઈડીસી એસો.ના તુષારભાઈ દેસાઈએ સૌનો આભાર માન્યો હતો.

આ રોપાઓનું વાવેતર કરાયું
ફણસ, કાળાજાંબુ, સફેદજાંબુ, આંબળા, ચંદન, કદબ, બોરસલ્લી, ખાટાબળા, કમરક, ચીકુ, આંબા, હનુમાનફળ, કૈલાસપતિ, ફાલસા, બિલીપત્ર, દેશી કરણ, મોગરા, જમરૂખ, રામફળ, સીતાફળ, દાડમ, જસૂદ, કરમદા, ચંપો, સુબાવળ, થોર, દેશી નાળિયેરી, ગોલ્ડન નાળિયેરી, ચોરામલો, સ્વેટોડિયા, અર્જુન, કેસૂડો, કોડિયા, પારિજાત, કરણ, ફાયકરત ગોલ્ડ, ફાયરત બ્લેક, ગલતોરા, એકમેરા, સાયકસ, સિલ્વર ઓક, રાયણ, કંકોડા, ખેર, મહોગની જેવા રોપા રોપાયા હતા.

અનોખી મિયાવાકી પદ્ધતિ અને તેના ફાયદા
જાપાનનાં વનસ્પતિશાસ્ત્રી એવા અકીરા મિયાવકી મિયાવાકી ફોરેસ્ટ મેથડના પ્રણેતા છે. વિશ્વના અનેક દેશોમાં મિયાવાકી પદ્ધતિથી પડતર, ખરાબાની જમીન પર જંગલો ઉગાડવામાં આવે છે. ભારતમાં પણ હવે આ મિયાવાકી પદ્ધતિથી જંગલ ઉગાડવામાં આવે છે. મિયાવાકી ફોરેસ્ટ મેથડમાં ઓછી જગ્યામાં નજીક નજીક વૈવિધ્યસભર જુદી-જુદી જાતના છોડ, વૃક્ષ રોપવામાં આવે છે. જૈવવૈવિધ્યના ભાગરૂપે જુદા-જુદા વૃક્ષો એકસાથે ઉછેરવાના અનેક ફાયદા છે. ખૂબ નાની જગ્યામાં પણ દસ-પંદર ઝાડ ઉછેરીને મિની-માઇક્રો જંગલ ઉભું કરી શકાય આ ખાસિયત છે મિયાવાકી મેથડની. મિયાવાકી થિયરી મુજબ વૃક્ષો વચ્ચે પણ ઉછેર માટે કોમ્પિટીશન થતી હોઇ, અને નજીક નજીક રોપવાથી આડા વિસ્તારવાની જગ્યાએ વૃક્ષો ઊંચાઈ પકડે છે. જે વાતાવરણમાં ઠંડક, ઓક્સિજન અને વરસાદ વધારવામાં ખૂબ મદદરૂપ થાય છે. આવા નાના-નાના પ્રકલ્પોને ઓક્સિજન પાર્ક, ઓક્સિજન બાર કહી શકાય. આવાં ઓક્સિજન પાર્ક કે ઓક્સિજન બાર સોસાયટીના કોમન પ્લોટના કોઈ ખૂણામાં, ગલી-મોહલ્લા, ગોચરની જમીન, પાર્ટી પ્લોટ, ખેતરના કોઈ ખૂણાના ભાગે પણ ઊભા કરી શકાય. જે ડેન્સ ફોરેસ્ટ્રીનો જ એક ભાગ ગણી શકાય.આવા નાના-નાના બકેટ જંગલો આપણને પુષ્કળ પ્રમાણમાં પ્રાણવાયુ પૂરો પાડશે.

અન્ય સમાચારો પણ છે...