ભાસ્કર ન્યૂઝ । બીલીમોરા બીલીમોરા નગરપાલિકાએ શહેરભરમાંથી 25 જેટલા પ્લોટને ટાઉન પ્લાનિંગ સ્કિમ અંતર્ગત જુદા જુદા હેતુઓ માટે રિઝર્વેશનમાં મૂકવામાં આવ્યા હતા. જેમાં ભાગ્યલક્ષ્મી સોસાયટી અને જલાશિવ સોસાયટીના કોમન પ્લોટ પણ રિઝર્વેશનમાં મૂક્યો હતો. સોસાયટીને અંધારામાં રાખીને આ કોમન પ્લોટને રિઝર્વેશનમાં મૂકી દેવાયો હોવાનું સોસાયટીના રહીશોએ જણાવ્યું છે. કોમન પ્લોટ રિઝર્વેશનમાં પાલિકાએ મુકતા સોસાયટીવાસીઓએ વિરોધ દર્શાવ્યો હતો. સોસાયટી દ્વારા આ કોમન પ્લોટનો ઉપયોગ વિવિધ ઉત્સવો, સોસાયટીના સારા નરસા પ્રસંગોમાં, બાળકોને રમવા, સોસાયટીના રહીશોને વાપરવામાં આવે છે. આ બાબતે સોસાયટીના રહીશો દ્વારા જિલ્લા કલેક્ટર નવસારી, પ્રાંત અધિકારી, બીલીમોરા પાલિકાના ચીફ ઓફિસર સહિત ગાંધીનગર નિયામક તેમજ પ્રાદેશિક કમિશ્નર સુરત સહિત અનેક જગ્યાએ આવેદનપત્રો પણ આપ્યા હતા. આમ છતાં હજુ સુધી આ બાબતે સોસાયટીના રહીશોને યોગ્ય ન્યાય મળ્યો નથી. સોસાયટીના રહીશો આ અંગે કાયદાકીય લડત પણ ચલાવી રહ્યા છે પરંતુ આ કોમન પ્લોટની જગ્યાનો વિવાદ હજુ સુધી વણઉકેલ્યો રહ્યો છે. જેથી કંટાળી ગયેલા રહીશોએ આખરે ચૂંટણી બહિષ્કાર કરી સત્તાધિશોને પાઠ ભણાવાનું નક્કી કરી સોસાયટીમાં ચૂંટણી બહિષ્કારના બેનરો લગાવી દેતા ચકચાર મચી ગઇ છે.
સોસાયટીમાં લગાડેલા બેનરોમાં શું લખવામાં આવ્યું ભાગ્યલક્ષ્મી સોસાયટીમાં બેનરોમાં લખવામાં આવ્યું છે કે, "ભાગ્યલક્ષ્મી સોસાયટી ચૂંટણીનો બહિષ્કાર ટાઉન પ્લાનિંગની મીલીભગતથી ભાગ્યલક્ષ્મી સોસાયટીનો કોમન પ્લોટ બીલીમોરા નગરપાલિકા લઈ થર્ડ પાર્ટીને વેચી દીધો છે. તેના અનુસંધાનમાં અમો ભાગ્યલક્ષ્મી સોસાયટીના સભાસદો આવતી કોઈપણ ચૂંટણીનો બહિષ્કાર કરીયે છીએ. અમારો કોમન પ્લોટ અમને મળવો જોઈએ. (લિ. અમો છીએ ભાગ્યલક્ષ્મીના સદસ્યો) જેવા બેનરો લાગ્યા છે. જયારે જલાશિવ સોસાયટીન રહીશોએ જલાશિવ સોસાયટી બેનરોમાં જણાવ્યું છે કે, જયાં સુધી જલાશિવ સોસાયટીનો કોમનપ્લોટ રિઝર્વેશન મુક્ત કરી સોસયટીના નામે નગરપાલિકા ટ્રાન્સફર કરી નહીં આપે ત્યાં સુધી જલાશિવ સોસાયટીના સભાસદ ભાઈ-બહેનો અગામી બધી ચૂંટણીનો બહિષ્કાર કરવાનું નક્કી કર્યું છે. (લિ.સોસાયટીના સભાસદો ભાઈ-બહેનો).
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.