ઢોરોનો ત્રાસ:નાંદરખામાં રખડતા આખલાએ ચારને અડફેટે લેતા લોકોમાં ગભરાટ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ગૌસેવકોએ આખલાને ઝડપી પાંજરાપોળ મોકલ્યો

બીલીમોરા નજીકના નાંદરખા ગામે પ્રમુખ સંગાથ સોસાયટીમાં મંગળવારે રખડતા આખલાએ 4 લોકોને અડફેટે લેતા લોકોમાં ગભરાટ ફેલાયો હતો. અગ્નિવીર ગૌસેવા દલે આખલાને કાબૂ કરી પાંજરાપોળમાં મોકલવાની વ્યવસ્થા કરતાં લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો. ગણદેવી તાલુકામાં રખડતા ઢોરોનો ત્રાસ વધવા પામ્યો છે. માલિકો દ્વારા છોડી મુકાતા ઢોરોને કારણે લોકો ભારે ત્રાસ સહન કરી રહ્યા છે. ગમે ત્યાં અડીંગો જમાવી બેસી રહેતા ઢોરોના કારણે ટ્રાફિક જામની પરિસ્થિતિનું નિર્માણ થાય છે.

તાલુકાભરમા રાજમાર્ગ પર ઢોરો બેફામ ઘૂમી રહ્યા છે. આખલા લડાઈમાં લોકોનો જીવ તાળવે ચોંટી જાય છે. બીલીમોરા નજીકના નાંદરખા ગામની પ્રમુખ સંગાથ સોસાયટીમાં સફેદ રંગનો આખલો ઘસી આવ્યો હતો. મંગળવાર સવારે તેણે 4 લોકો ઉપર એકાએક હુમલો કરી ઘાયલ કર્યા હતા. જે બાદ મંગળવાર સાંજે 7 કલાકે નાંદરખાના તલાટી કમ મંત્રી કેતન પટેલ ઉપર હુમલો કર્યો હતો પરંતુ તલાટીની સમયસૂચકતાને પગલે આબાદ બચાવ થયો હતો.

જે બાદ સરપંચ ચંદ્રકાન્ત પટેલે વલસાડ અગ્નિવીર ગૌસેવા દલનો સંપર્ક કરી આખલાને કાબૂમાં લેવા મદદ માંગી હતી. અગ્નિવીરના ગૌસેવકો અને તલાટીની હિંમતને પગલે સમયસૂચકતા વાપરી આ આખલાને કાબૂમાં કરી લીધો હતો. જે બાદ આખલાને પાંજરાપોળ લઈ જવાયો હતો. લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

હાલ દરેક જગ્યાએ રખડતા ઢોરો એ માઝા મૂકી છે અવાર-નવાર આવા રખડતા ઢોરોને કારણે ઘણી જગ્યાએ નાના-મોટા અકસ્માતો બનવા પામે છે ત્યારે આ બાબતે તંત્ર કોઈ યોગ્ય પગલાં લે તે જરૂરી છે. બીલીમોરાના નાંદરખા ગામે આખલાએ અનેક લોકોને અડફેટે લીધા હોય આ બાબતે ગણદેવી તાલુકા પ્રશાસન દ્વારા જાહેરમાં રખડતા ઢોરોને અંકુશમાં લઇ પાંજરાપોર મોકલાવે તે માટેની કાર્યવાહી કરવા સ્થાનિકોએ અપીલ કરી છે.

અન્ય સમાચારો પણ છે...