રોષ:ઓવરબ્રિજ- સર્વિસ રોડના અભાવે રહીશોમાં આક્રોશ

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા નાગરજી પટેલ ચાલના લોકો વિફર્યા

બીલીમોરા નાગરજી પટેલ ચાલમાં ઓવરબ્રિજના અધુરા સર્વિસ રોડના અભાવે આવતી મુશ્કેલીને પગલે રહીશોએ ચૂંટણી બહિષ્કારના બેનર લગાવ્યા છે. બીલીમોરા રેલવે ઓવરબ્રિજના અધૂરા સર્વિસ રોડના કારણે પશ્ચિમ વિસ્તારમાં એમ.જી.રોડ પર આવેલા વોર્ડ નંબર-2ની નાગરજી પટેલ ચાલના રહીશોને તકલીફોનો સામનો કરવો પડી રહ્યો છે.

તેમને આકસ્મિક સમયે આરોગ્યલક્ષી ઇમરજન્સી સમયે એમ્બ્યુલન્સ તેમજ આગ સમયે ફાયર ફાયટર તેમજ મોટા વાહનો પણ ચાલમાં પ્રવેશી શકતા નથી. છેલ્લા ઘણાં સમયથી ઓવરબ્રિજ બન્યા બાદ સર્વિસ રોડ બનાવાની માત્ર વાતો જ કરવામાં આવે છે. આ અંગે પ્રાંત કચેરીમાંથી નોટિસો કાઢી જેમની જગ્યા સંપાદનમાં જાય છે તેમને સાંભળવા માટે બોલાવાયા હતા. પરંતુ તે બાદ હજુસુધી કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. જેથી સ્થાનિકોને ભારે અગવડતાનો સામનો કરવો પડી રહ્યો છે.

પહેલા બ્રિજ બનતા સમયેને હવે ઓવરબ્રિજ બન્યાં બાદ સર્વિસ રોડના કારણે મુસીબત આ અંગે સ્થાનિકો દ્વારા અનેકવાર રજૂઆત કરવા છતાં હજુ સુધી તેનો કોઈ જ ઉકેલ આવ્યો ન હતો. અંતે નાગરજી પટેલની ચાલના રહીશોએ ચૂંટણી બહિષ્કાર કરવાનું નક્કી કરી બેનર માર્યું હતું.

બેનરમાં લખ્યું છે કે, "વોર્ડ નંબર-2 નાગરજી પટેલની ચાલ ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ. ઈમરજન્સીમાં 108 કે ફાયર બ્રિગેડ આવી શકે એમ નથી. મેઇન રોડ સાંકડો હોવાથી વારંવાર રજૂઆત કરવા છતાં પણ સંપાદન નજીક જ છે એમ ખોટા વાયદા આપ્યા કરે છે. વોટીંગ પણ સંપાદન પછી જ માંગવા આવજો.

ગલીમાંથી નીકળતી વખતે ઘણીવાર અકસ્માતનો સામનો કરવો પડે છે.’ હવે નાગરજી પટેલની ચાલમાં લગાવેલા બેનરમાં જણાવ્યા મુજબ હવે નાગરજી પટેલની ચાલના રહીશો વોટ નહીં આપવા મક્કમ રહેશે કે પછી તેમને મનાવી લેવામાં આવશે તે જોવું રહ્યું.

અન્ય સમાચારો પણ છે...