નોટિસ:બીલીમોરામાં ગેરકાયદે બિલ્ડીંગને 7 દિવસમાં બાંધકામ દૂર કરવા નોટિસ

બીલીમોરા5 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા ગેરકાયદે બાંધકામનો રાફડો, પાલિકા માત્ર નોટિસ બજવી સંતોષ માને છે

બીલીમોરા પાલિકામાં ગેરકાયદેસર બાંધકામ બાબતે વ્યાપક ચર્ચા શહેરમાં ચાલી રહી છે. સત્તાધીશો દ્વારા આંખ આડા કાન કરીને ગેરકાયદેસર બાંધકામોને માત્ર નોટિસ આપી ડોળ કરાઈ રહ્યો હોવાનું ચર્ચાઈ રહ્યું છે. હાલ બીલીમોરામાં ગૌહરબાગ વિસ્તારમાં અશોક વાડી પાસે બાંધેેલા એક ગેરકાયદેસર બિલ્ડિંગ આખેઆખી બન્યા બાદ દેખાવા પૂરતી પાલિકાએ તેની ગેરકાયદેસર હોવાની નોટિસ ફટકારી છે. જેમાં બિલ્ડર દ્વારા 16.82 પહોળાઈ અને 47.29 ફૂટની લંબાઈની જગ્યામાં ગ્રાઉન્ડ પ્લસ પહેલો માળ તાણી બાંધ્યો હતો.

જેમાં ગ્રાઉન્ડ ફ્લોર પર કિચન-લિવિંગ રૂમ અને પહેલા અને બીજા માળે બેડરૂમ તેમજ ત્રીજા માળે ટેરેસ બનાવી દીધું છે, જે પરવાનગી તેમણે ઓનલાઈન રજીસ્ટ્રેશન કરી મેળવી હતી. જેમાં પાલિકા સભ્ય યતીન મિસ્ત્રીએ ફરિયાદ કરી છે. આ બાંધકામમાં પાલિકાના ગૌરવપથના રેસાલાઈન માર્જિન ઓછો છોડી તેમજ અશોકવાડીમા જતા આંતરિક રસ્તામાં કોઈ જ માર્જિન છોડ્યું નથી. જ્યારે નિયમ મુજબ આ રોડ ટીપી રોડ હોય 24 મીટર માર્જિન રેસાલાઈન છોડવાની હોય છે તેમજ આ સિવાય પણ આ બાંધકામમાં અનેક ખામી હોવાનું પાલિકાને ધ્યાને આવ્યું હતું.

જે બાદ પાલિકાના ચીફ ઓફિસર વિનય ડામોરે પાલિકા સભ્ય યતીનભાઈ મિસ્ત્રીની ફરિયાદ બાદ આ ઓનલાઈન પરવાનગી મેળવી નિયમો વિરુદ્ધ કરવામાં આવેલા આ કોમર્શિયલ બાંધકામ અંગે નોટિસ આપી આ બાંધકામ 7 દિવસમાં દુર કરવાનો હુકમ કર્યો છે. જોકે આ નોટિસ માત્ર એક દેખાવો કરવા પૂરતી અપાઇ હોવાનું ચર્ચાઈ રહ્યું છે, કારણ કે અગાઉ પણ કેટલાય આવા ગેરકાયદેસર બાંધકામને નોટિસ આપી થોડા દિવસ બાદ તે પ્રકરણમાં ઠંડુ પાણી રેડાઈ જાય છે તેવું જ આ નોટિસનું પણ થશે એમ લોકમુખે ચર્ચાઈ રહ્યું છે.

તે સાથે સોમનાથ રોડ પર પણ એક પ્રોજેકટનું બાંધકામ પણ વિવાદિત જમીન પર ચાલુ કરવામાં આવ્યું હોવાનું અને આ સાથે બીલીમોરા પશ્ચિમમાં પણ હોબી આનંદ આઈસ્ક્રીમના વેચાણ બાદ તેના પર પણ કોઈ ધારાધોરણ વગર લોખંડની એંગલો ઉભી કરી તેના ઉપર માળ ખેંચી કોઈ પાર્કિંગ વગરનું બેરોકટોક નિયમો વિરુદ્ધ બાંધકામ કરાયું હોવાનું ચર્ચાતા તેમજ પાલિકાના શાસક પક્ષના સભ્યો દ્વારા જ આ બિલ્ડીંગ અંગે વ્યાપક રોષ દર્શવાતા નાછૂટકે પાલિકા દ્વારા આ બાંધકામ અંગે પણ નોટિસ અંગેની તજવીજ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...