તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કામકાજ ટલ્લે ચઢ્યાં:ગણદેવીની 5 ગ્રા.પં.માં વહીવટદારની નિમણૂંક નહીં કરાતા કામગીરી ખોરંભે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • આવક, જાતિ જેવા અનેક દાખલા, સફાઈ, પાણી, દવા છંટકાવ, બેંક કામકાજ ટલ્લે ચઢ્યાં

ગત 30મી જૂન 2021 એ ગણદેવી તાલુકાનાં માસા, મોવાસા, માછીયાવાસણ, ભાગડ, વાડી ગ્રામ પંચાયતની મુદ્દત પૂર્ણ થઈ હતી. જે બાદ એક સપ્તાહનો સમય વિતી ગયો છે, તેમ છતાં વહીવટદારની નિમણૂંક નહીં કરાતા હવે ગ્રામ પંચાયતનો વહીવટ અને ગામના વિવિધ કામો સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. હાલ જવાબદાર અધિકારી નહીં હોવાથી ગામના વિકાસ કામોમાં મુશ્કેલી સર્જાઈ છે.

ગણદેવી તાલુકાની માછીયાવાસણ, માસા, મોવાસા, ભગાડ, વાડી ગ્રામપંચાયત ની કાર્યકાળની મુદત ગત 30મી જૂને પૂર્ણ થઈ છે. કોરોના મહામારીનો કારણે હાલ કોઈ ચૂંટણી યોજાવાની શક્યતા દેખાઈ રહી નથી. જેથી તમામ પાંચેય ગ્રામ પંચાયતોમાં ચૂંટણી યોજી શકાઈ નથી. હાલ થોડા સમય અગાઉ જેમનો કાર્યકાળ પૂર્ણ થઈ ગયો હોય તેવી ગ્રામ પંચાયતમાં વહીવટદારની નિમણુંક કરવા અર્થે માહિતી માંગવામાં આવી હતી પરંતુ હાલ સુધી કોઈ વહીવટદારની નિમણૂંક કરાઈ નથી. હવે 30મી જૂને ટર્મ પૂર્ણ થવાના કારણે કોઈ જવાબદાર અધિકારી કે વહીવટકર્તા રહ્યો નથી, જેના કારણે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાર નહીં પડે ત્યાં સુધી ગ્રામજનોની આવશ્યક સેવા જાળવવા અને વહીવટી કામકાજ ખોરંભે ચઢી રહ્યાં છે. વહીવટદારની સમય રહેતા નિમણૂંક કરવાની જરૂરિયાત હતી. હાલ વહીવટદારના અભાવે ગ્રામ પંચાયત વિસ્તારમાં આવક, જાતિ જેવા અનેક દાખલા, સફાઈ, પાણી, દવા છંટકાવ, બેંક કામકાજ, સામાન્ય વહીવટ, અનેકવિધ યોજના અને વિકાસ કામોનાં ચૂકવણા વગેરે ખોરંભે ચઢ્યાં છે. આગામી સ્થાનિક સ્વરાજ્ય (ગ્રામપંચાયત) ચૂંટણી માટે ગામ દીઠ સરપંચ, વોર્ડ સભ્યો અનામત કેટેગરી (રોટેશન) પણ જાહેર કરાઇ નથી. જેને પગલે ચૂંટણીમાં પણ વિલંબ સર્જાશે. કોરોના મહામારીના કારણે ચૂંટણી યોજાવાની કોઈજ શકયતા જણાતી નથી. તે દરમિયાન વિકાસ કામ અને રોજબરોજના કામો કોઈ જવાબદાર અધિકારી નહીં હોવાથી અટવાઈ પડ્યાં છે ત્યારે આ વહીવટદારની નિમણૂંક બાબતે વહીવટી તંત્ર વહેલી તકે આ કોઈ વહીવટદારની નિમણૂંક કરી ગામના કાર્યોમાં સરળતા લાવે તે જરૂરી છે.

તમામ ગ્રામ પંચાયતોમાં અટવાયેલા કામ વહેલી તકે પૂર્ણ થાય તે માટે ગ્રામજનોમાં બૂમ ઉઠી છે ત્યારે તંત્ર દ્વારા તાત્કાલિક ધોરણે વહીવટી અધિકારીઓની નિમણૂંક કરી ગામ લોકોની સમસ્યાનો નિવેડો લાવવા પ્રયાસો હાથ ધરવા જોઇએ. આગામી દિવસોમાં આ કામગીરી પૂર્ણ નહીં થાય તો ગ્રામવાસીઓ મોરચો માંડે તેવી સંભાવના છે.

અન્ય સમાચારો પણ છે...