શ્રદ્ધાના સહારે:બીલીમોરા પારસી સમાજના લોકો દ્વારા પૂર્વજોની યાદના પવિત્ર પર્વમાં મુક્તાદ માંડવામાં આવ્યાં

બીલીમોરા4 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરા પારસી સમાજ દ્વારા 10 દિવસના મુક્તાદ માંડવામાં આવ્યાં હતા. - Divya Bhaskar
બીલીમોરા પારસી સમાજ દ્વારા 10 દિવસના મુક્તાદ માંડવામાં આવ્યાં હતા.
  • મુક્તાદ મંડાયાના 10 દિવસ બાદ 11મા દિવસે પતેતી મનાવવામાં આવે છે

પારસી સમાજના પવિત્ર પર્વ એવા મુક્તાદ શનિવારથી શરૂ થયાં હતા. દૂધમાં સાકરની જેમ ભારતીય સંસ્કૃતિમાં ભળી ગયેલ પારસી સમાજ તેમની પ્રેમાળ, મિલનસાર અને સેવા ભાવના થકી સહુના દિલમાં વસી છે. જે પ્રમાણે હિન્દુ ધર્મમાં પોતાના પૂર્વજોને યાદ કરવા શ્રાદ્ધ પક્ષના દિવસોમાં પુજા કરવામાં આવે છે. તે મુજબ પારસી સમાજમાં પણ તેમના પૂર્વજોને યાદ કરવા તેમની પુજા પ્રાર્થના માટે વ્હીષ્ટો વિષ્ટ ગાથાના 10 મુક્તાદ તરીકે મનાવવામાં આવે છે. જેમાં 5 દિવસ મુક્તાદ અને 5 દિવસ ગાઠાના ગણવામાં આવે છે.

મુક્તાદમાં પોતાના મરણ પામેલા સ્વજનોની યાદમાં અગિયારીમાં જર્મન સિલ્વર કળશ મુકવામાં આવે છે. દસ્તુરજી(ધર્મગુરુ) અફરગાન ફરોક્ષી તથા સતુમની ધાર્મિક ક્રિયા પઠન કરે છે. પારસી સમાજમાં આ મુક્તાદના 10 દિવસોમાં તેમના સ્વજનો તેમના ઘરના સભ્યોની આસપાસ રહેતા હોવાની માન્યતા છે. પરિવારના દરેક સભ્યો તેમનાથી કોઈ ભુલ થઈ ગઈ હોય તો તે માટે ક્ષમા પ્રાર્થના કરે છે અને મુશ્કેલીમાં તેમના પિતૃઓના આશીર્વાદ મળી રહે તે માટે દુવા પ્રાર્થના કરે છે.

દસ્તુરજી મુક્તાદ સામે સતુમની ધાર્મિક ક્રિયા વેળા મીઠી વાનગી ધરાવે છે. અફગાન ફરોક્ષીમાં ફળ મૂકી પ્રાર્થના કરવામાં આવે છે. જ્યારે બપોરે અને સાંજે સ્વજનોને જમવાનું ધરાવવામાં આવે છે તેમજ પયગમ્બર અશો જરથુસ્ત સાહેબને પ્રાર્થના પૂજન કરી 10 દિવસ દુવા માંગવામાં આવે છે. બીલીમોરામાં પારસી સમાજ દ્વારા અગિયારીમાં મુક્તાદ માંડવામાં આવે છે.

મુક્તાદ મંડાયાના 10 દિવસ બાદ 11મા દિવસે પારસીઓનો નવા વર્ષનો તહેવાર પતેતી મનાવવામાં આવે છે. બીલીમોરા અગિયારીમાં દસ્તુરજી કુરુષ સિંધવા અને ફિરોજ કરંજીયા ધાર્મિક વિધિ પઠણ સાથે મુક્તાદની વિધિઓ કરાવી રહ્યાં છે. બીલીમોરામાં પારસી સમાજના લોકો દ્વારા મુક્તાદના પર્વમાં અગિયારીમાં મુક્તાદના દર્શન કરવા માટે સમાજજનોની ભારે ભીડ જોવા મળી રહી છે.

અન્ય સમાચારો પણ છે...