દુર્ઘટના:બીલીમોરાના તલોધ ગામમાં વીજળી પડતા 10 ઘરના વીજ ઉપકરણો ફૂંકાયા

બીલીમોરા23 દિવસ પહેલા
  • કૉપી લિંક

બીલીમોરા નજીક આવેલ તલોધ ગામે શનિવારે સાંજે કડાકા ભડાકા સાથે પડેલા ભારે વરસાદ દરમિયાન આકાશી વીજળી પડતાં બે મહોલ્લાના 10 ઘરમાં વિજાણુ ઉપકરણો ફૂંકાયા હતા. જેને કારણે પરિવારોને આર્થિક નુકસાન સહન કરવાનો વારો આવ્યો હતો.

શનિવારે સાંજે ગણદેવી તાલુકામાં ભારે કડાકા ભડાકા સાથે વરસાદ તૂટી પડ્યો હતો. ભારે ગાજવીજ સાથે પડેલા વરસાદમાં ભયંકર વીજળી પડી રહી હતી. આ વીજળી નજીકના તલોધ ગામ માટે આફત લઇને આવી હતી. આ વીજળી તલોધ ગામના દેસાઈ ફળિયામાં કોઈ જગ્યાએ પડતા 10 ઘરમાં સોકેટમાં નાખેલા પ્લગમાંથી આ વીજળી પસાર થતાં ઘરોમાંના વીજ ઉપકરણો ફૂંકાઈ ગયા હતા. 10 ઘરના વીજ ઉપકરણો બળી જતા પરિવારનોને મોટું આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો હતો.

આ વીજળી પડતા ઘરોમાં મુકેલા વીજ ઉપકરણો લેપટોપ, વાઇફાઇ રાઉટર, ટીવી તથા તેના સેટઅપ બોક્સ, ફ્રીજ, સિલીંગ ફેન સહિત સ્ટેબિલાઇઝર, મિક્સર ગ્રાઈન્ડર, સબમર્શિબલ પંપ અને પોતાના ઘરના સ્વરક્ષણ માટે ફીટ કરેલ એમસીબી તથા એલસીબી સ્વીટચ અને ફ્યુઝ પણ બાકાત રહ્યા ન હતા. આ વીજળીમાં જોકે કોઈ માનવીય નુકસાન નહીં પહોંચતા લોકોએ હાશકારો અનુભવ્યો હતો.

ગાજવીજ થાય ત્યારે આટલી સાવધાની જરૂરી
ગાજવીજના વાતાવરણમાં કોઈ દિવસ ઝાડ નીચે આશ્રય નહીં લેવો, નજીકમાં જ્યાં આશરો મળે ત્યાં ઘર, મકાન, છાપરું તેની નીચે આશરો લઈ લેવો. જો આવી કોઈ જગ્યા નહીં મળતી હોય અને ખુલ્લી જગ્યામાં હોઈ તો કાન બંધ કરી નીચે ઘૂંટણિયે બેસીને માથું જમીન તરફ નીચે રાખીને બેસી જવું, ગાજવીજના સંજોગોમાં મોબાઈલ પર વાત કરવું ટાળવું, વીજળીના થાંભલા, લોખંડના થાંભલા, જીઇબીના ટ્રાન્સફોર્મરની નજીક ઉભુ રહેવું નહીં, બાળકોને બહાર વરસાદમાં જીઇબીના થાંભલા, અર્થિંગના તાર, ટ્રાન્સફોર્મરની પ્રોટેક્શન વોલને નહીં અડકવાની અને દૂર રહેવાની સ્પષ્ટ સૂચના આપવી વિગેરે બાબતોનું ધ્યાન રાખવું.

અન્ય સમાચારો પણ છે...