બીલીમોરા નજીકના કલમઠા ગામે 3 વર્ષ અગાઉ બનેલા બનાવમાં ગામની શેરીનો રસ્તો ખુલ્લો કરવા બાબતે ગ્રામ પંચાયતના તત્કાલીન સભ્યએ ચપ્પુ વડે હુમલો કરી ગંભીર ઇજા પહોંચાડી હતી. આ ઘટનાને પગલે ભારે ચકચાર મચી જવા પામી હતી. આ મારામારી પ્રકરણમાં કોર્ટે આરોપીને તકસીરવાન ઠેરવી તેને 2 વર્ષની સજા અને રૂ. 15 હજારનો દંડ ફટકાર્યો હતો.
ત્રણ વર્ષ અગાઉ કલમઠા ગામે ધના ફળિયામાં સુમનભાઈ પટેલ ગામના શેરીના રસ્તા ખુલ્લા કરવા બાબતે ચર્ચા કરી રહ્યાં હતા. દરમિયાન આ ચર્ચામાં ગામના તત્કાલીન સભ્ય રૂપેશ ઉત્તમભાઈ પટેલે સુમનભાઈ પટેલ સાથે ઉગ્ર બોલાચાલી કરી ખંજર (ચપ્પુ) વડે હુમલો કરી તેમને માથા, કપાળ અને પીઠના ભાગે ઇજા પહોંચાડી હતી. હુમલાની ઘટના બાદ ઘાયલ સુમનભાઈને મેંગુષી હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર આપી તેમને બીલીમોરા ખાનગી હોસ્પિટલમાં વધુ સારવાર અર્થે દાખલ કરવામાં આવ્યા હતા.
આ ઘટના બાબતે ભોગ બનનારે કલમઠા ગ્રામ પંચાયત સભ્ય રૂપેશ ઉત્તમભાઈ પટેલ ( રહે. ધના ફળિયા, કલમઠા, તા. ગણદેવી)ની સામે બીલીમોરા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી. પોલીસે આરોપી સામે જાનથી મારી નાખવાની ધમકી, ગંભીર ઇજા પહોંચાડવા અને જિલ્લા મેજીસ્ટ્રેટના જાહેરનામાના ભંગ કરવા બાબતે ફરિયાદ નોંધી તેની સામે કાર્યવાહી કરી હતી.
આ ફરિયાદ અંગેનું આરોપી સામે ગણદેવી કોર્ટમાં 8મી જુલાઇ 2019ના રોજ ચાર્જશીટ રજૂ કરવામાં આવી હતી. જેમાં ગણદેવી કોર્ટે બંને પક્ષોની દલીલ, સાહેદોના નિવેદનો, આધાર પુરાવા ધ્યાને લઇ ગણદેવી કોર્ટના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટ અમિત એચ. નારંગે દલીલો આધાર-પુરાવા સાંભળી રૂપેશ પટેલને મારામારીના ગુનામાં તકસીરવાર ઠેરવી 2 વર્ષની સજા અને 15 હજારનો દંડ કર્યો હતો. જોકે દંડની રકમમાંથી ભોગ બનનાર સુમન પટેલને 10 હજારનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો હતો.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.