વિશેષ અધિકાર:ગણદેવીમાં ચૂંટણીમાં ફરજ નિભાવનારા 220 કર્મી પોસ્ટલ બેલેટ પેપરથી આજે મતદાન કરશે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા નજીકના નાંદરખા ગામે સૌથી વધુ 96 કર્મચારીનું પોસ્ટલ મતદાન થશે

ચૂંટણીમાં ટપાલ મતપત્રનો ઉપયોગ એવા મતદારો માટે કરવામાં આવે છે કે જેઓ પોતાની ચૂંટણી ફરજને કારણે મતદાન મથકમાં જઇ મતદાન કરી શકતા નથી. ગણદેવી તાલુકામાં આગામી 19મી ડિસેમ્બરે સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણી પાર પાડવા વહીવટી તંત્રએ કમર કસી છે. દરમિયાન ચૂંટણીમાં ફરજ નિભાવતા 220 કર્મચારીએ પોસ્ટલ બેલેટ માટે નિર્ધારિત સમયમાં માંગ કરી હતી. જેમાં નાંદરખા ગામ સૌથી વધુ 96 પોસ્ટલ મત સાથે અવ્વલ રહ્યું હતું. આજે શનિવારે મત સામગ્રી વિતરણ વેળા પોસ્ટલ મતદાન પણ યોજાશે.

ગણદેવી તાલુકાની 65 ગ્રામ પંચાયત પૈકી 54 ગામની ચૂંટણી જાહેર કરાઇ હતી. તે પૈકી બે ગામો ભાગડ અને તલીયારા સમરસ બન્યા હતા. જ્યારે સોનવાડી ગામ બિનહરીફ બનતા હવે 51 ગ્રામ પંચાયતમાં 19 મી ડિસેમ્બરે ચૂંટણી યોજાશે. જેમાં સરપંચ પદે 154 અને વોર્ડ સભ્ય માટે 690 ઉમેદવારો વચ્ચે જંગ મંડાઇ ચૂક્યો છે. તાલુકામાં 138 મતદાન મથકો ઉપર 276 મતપેટીમાં 95660 મતદારો પોતાનું મતદાન કરશે. તે અગાઉ મતદાનની પ્રક્રિયામાં ફરજ ઉપરના કર્મચારીઓ માટે પોસ્ટલ બેલેટની કામગીરી હાથ ધરાઈ હતી. જેમાં સોમવારે નિર્ધારિત સમય સુધીમાં 220 કર્મચારીએ પોસ્ટલ મત માંગણી કરી હતી.

જેમાં સૌથી વધુ નાંદરખા ગામના 96 કર્મચારી હતા. મંગળવારે તેમને પોસ્ટલ મત ઇસ્યુ માટેની કામગીરી હાથ ધરાઈ હતી. આજે શનિવારે ફરજ ઉપરના કર્મચારીઓને ધ.ના.ભાવસાર શાળા પટાંગણમાં ચૂંટણી સાધન સામગ્રી વિતરણ કરાશે. તે વેળા મતપત્રમાં ખરાની નિશાની કરી બંધ કવરમાં એકરારનામુ સાથે મતપેટીમાં મતદાન યોજાશે. તદ્ઉપરાંત પોસ્ટ દ્વારા વૈધાનિક જોગવાઈ પણ છે. મતદાન બાદ મતપેટી ધના ભાવસાર શાળાના સ્ટ્રોંગ રૂમમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે રખાશે. જે બાદ આગામી 21મીએ મતગણતરી હાથ ધરાશે. ગણદેવી મામલતદાર જગદીશ ચૌધરી, જયેશ દેસાઈ, ટીડીઓ ભાવિની યાદવ, પ્રતિક ચૌધરી સહિત ટીમ પારદર્શક, ન્યાયી ચૂંટણી પાર પાડવા સતત કામ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...