તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:ગણદેવી તાલુકામાં પુરેટિયાનો 1 વીંઘાનો ભાવ 8 હજાર બોલાયો

બીલીમોરા15 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • અબોલા જીવ માટે ચારો ખરીદવા પશુપાલકો મજબૂર બન્યા

તાઉતે વાવાઝોડાને પગલે પડેલા વરસાદને કારણે ગણદેવી તાલુકામાં ઉનાળું ડાંગર (ભાતના પુરેટિયા)નાં પાકને માઠી અસર પહોંચી છે. જેને કારણે પશુઓનો ચોમાસામાં ખાવાનો ચારો સૂકા ડાંગર પુરેટિયાનો ભાવ ખુબજ વધી ગયા છે. જેના ભાવ રૂ. 8 હજાર વીઘે બોલાય રહ્યો છે. આજીવિકા રળી આપતા આ અબોલા પશુઓના મોંઘા થયેલા ડાંગરના પુરેટિયા લેવા પશુપાલકો મજબુર બન્યા છે.

ચાલુ વર્ષે તાઉતે વાવાઝોડાએ તેમજ કોરોના કાળે લોકોને ભારે કપરી પરિસ્થિતિમાં મૂક્યાં છે. રોજબરોજ પોતાના રોજિંદા આહારમાં ઉપયોગમાં લેવામાં આવતો ભાત (ડાંગર)એ મુખ્ય ધાન્ય પાકમાંનો એક છે. હાલ ગણતરીના દિવસોમાં મોન્સૂનની તૈયારી છે. હાલ ઉનાળો પુર્ણ થઈ રહ્યો એટલે ધોમધખતા તાપ વચ્ચે ડાંગર પાક પીળાશ પડતો થઈ રહ્યો છે અને ડાંગર પાક પરિપક્વ થતાં ખેડૂતોએ કાપણી શરૂ કરી છે.

જ્યારે હાલ તાઉતે વાવાઝોડાએ ભારે વિનાશ વેર્યો છે. વાવાઝોડા વરસાદના કારણે ખેડૂતોના પાકને પણ મસમોટું નુકસાન થયું છે. જેના કારણે કેરી ચીકુના પાકને સહિત અન્ય ધાન્ય પાકોને પણ મોટું નુકસાન થયું છે. જે સાથે ગણદેવી તાલુકામાં 162 હેકટર જેટલાં ડાંગરના પાક પર પણ તેની અસર વર્તાઈ છે. ડાંગરની કાપણી બાદ પુરેટિયા આ વાવાઝોડાના કારણે આવેલા કમોસમી વરસાદમાં પલળી ગયા હતા.

જે બાદ પુરેટિયાને સૂર્યના તાપમાં સૂકવવા સાથે ખેડૂત પરિવાર અને શ્રમજીવીઓ ડાંગરના પુરેટીયા હાથમાં લઇ તેને ઝુડી પુરેટિયામાંથી દાણા છૂટા પાડી રહ્યા છે. આ પુરેટિયામાંથી ડાંગર છૂટું પડ્યા બાદ તેનો વધેલો ભાગ પુરેટિયાને પશુઓના ચારા તરીકે ઉપયોગમાં લેવામાં આવે છે. પુરેટિયાની સૂકા ચારા તરીકે ચોમાસામાં મોટી માંગ રહે છે. ખેડૂતો ડાંગરને પોષણક્ષમ ભાવ મળે એટલે ધાન્ય બજારમાં વેચાણ માટે મૂકી રહ્યા છે.

જે સાથે આગળના વર્ષોની સરખામણીમાં ડાંગરના પુરેટિયાનો ઉતારો ઓછો હોવાનું ખેડૂતો જણાવી રહ્યાં છે. જેમાં ગયા વર્ષે ડાંગર પુરેટિયાના 1 વીઘાના 6 હજારનાં ભાવે વેચાયા હતા. જેની સરખામણીમાં ચાલુ વર્ષે તેમાં બે હજારના વધારા સાથે પુરેટીયાનો એક વીઘાના 8 હજાર બોલાઇ રહ્યાં છે. જોકે આ પુરેટિયા વીઘાના ભાવ 10 હજારે પણ પહોંચી શકે એમ ચર્ચાઈ રહ્યું છે.

પશુઓ માટે ચોમાસામાં લીલો ઘાસચારો પુષ્કળ મળી રહે પરંતુ દુધાળા પશુ માટે સૂકો ચારો પણ અત્યંત જરૂરી હોવાનું પશુપાલકો જણાવી રહ્યાં છે. પશુ પેદાશોનો આધાર મુખ્યત્વે પશુઓને આપવામાં આવતા ખોરાક ઉપર રહેલો છે. પશુ ચારાના ભાવો વધવા સાથે પશુ પેદાશોના ભાવો વધે તે માટે પશુપાલકોની આશા બંધાઈ છે.

અન્ય સમાચારો પણ છે...