તપાસ:ધકવાડામાં આશાસ્પદ યુવાને અગમ્ય કારણસર આત્મહત્યા કરતા ચકચાર

બીલીમોરા11 દિવસ પહેલા
  • કૉપી લિંક
પ્રતીકાત્મક તસ્વીર - Divya Bhaskar
પ્રતીકાત્મક તસ્વીર

બીલીમોરા નજીકના ધકવાડા ગામે 22 વર્ષના આશાસ્પદ યુવાને કોઈ અગમ્ય કારણોસર તેના ઘરના પહેલા માળે હૂક સાથે નાયલોનની દોરી વડે ફાંસો ખાઈને જીવન ટૂંકાવી લેતા ઘરમાં માતમ છવાયો હતો. જુવાન દીકરાએ અવિચારી પગલું ભરી લેતા પરિવાર પર આભ તૂટ્યું છે. જીઆઇડીસીમાં નોકરી કરતા અને આહિરવાસ, ધકવાડા રહેતા અલયકુમાર બાબુભાઈ આહિર (ઉ.વ. 22) ધકવાડા તેના નાના-નાનીને ત્યાં બાળપણથી તેમને ત્યાં રહી મોટો થયો હતો.

તેના માતા પિતા ગણદેવી તાલુકાના ધનોરી ચાંગા ગામે રહે છે અને તેનો એક ભાઈ પણ છે. બુધવારે રોજિંદા નિત્યક્રમ મુજબ તેના વૃદ્ધ નાના-નાની સવારે તેને ઉઠાડવા ઘરના પહેલા માળે ગયા હતા. જ્યાં દરવાજો ઠોકતા દરવાજો ખુલી ગયો હતો. તેમણે પોતાના પૌત્રને છતમાં લાગેલી હૂક સાથે પ્લાસ્ટિકની દોરી બાંધી ફાંસો ખાધેલી હાલતમાં મળી આવતા હેબતાઈ ગયા હતા. જેથી બૂમાબૂમ કરતા આસપાસના લોકો આવી જતા અલયને નીચે ઉતારવામાં આવ્યો હતો.

પડોશમાં રહેતા જીગ્નેશ મનુભાઈ આહિરે પોલીસને બનાવની જાણ કરતા પોલીસે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. પરિવારના જુવાન દીકરાએ અવિચારી પગલું ભરી દેતા પરિવાર પર વજ્રાઘાત થયો હતો. ઘટનાએ સંદર્ભે પોલીસે અકસ્માત મોત નોંધ કરી હેડ કોન્સ્ટેબલ મેહુલભાઈ તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...