તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

હાલાકી:બીલીમોરામાં રસ્તા પર રખડતા ઢોરથી વાહનચાલકોને અકસ્માતનું જોખમ વધ્યું

બીલીમોરા3 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • રાત્રિના અંધકારમાં બેઠેલા ઢોરોના ધણ નજરે ન ચઢતા અકસ્માતના બનાવો બની રહ્યાં છે

બીલીમોરામાં રખડતા ઢોરો નો ત્રાસ વધ્યો છે. માલિકો દ્વારા છોડી મુકાતા ઢોરોને કારણે નગરજનો ભારે ત્રાસ સહન કરી રહ્યાં છે. ગમે ત્યાં અડીંગો જમાવી બેસી રહેતા ઢોરોના કારણે ટ્રાફિકની પરિસ્થિતિનું નિર્માણ થાય છે તેમજ ખેતરોમાં ભેલાણ થતાં ખેડૂતો પાયમાલ થઈ રહ્યાં છે. ગણદેવી તાલુકામાં કુલ 16114 હેક્ટર જમીન પૈકી 272.40 હેકટર જમીન ગૌચરની છે.

ગૌચર અનામત જમીન પર ઠેર-ઠેર દબાણો ઉભા થયા છે. ગણદેવી ચાર રસ્તા વંદેમાતરમ ચોક, બજાર ચોક, ધનોરી નાકા, વલોટી ત્રણ રસ્તા, કરંજદેવી માર્ગ, ધમડાછા માર્ગ તેમજ બીલીમોરા શહેરના ગૌરવપથ, સ્ટેશન રોડ, સરદાર માર્કેટ માર્ગ, બીગરી ચાર રસ્તા, આંતલિયા ચાર રસ્તા સહિત અનેક રાજમાર્ગો પર ઢોરો અડિંગો જમાવી બેસે છે. સરકારના ઉદાસીન વલણને પગલે પાંજરાપોળ કે રખડતા ઢોરો માટે સમગ્ર તાલુકામાં કોઈ સુવિધા ઉપલબ્ધ નથી. હાલ દરેક જગ્યાએ રખડતા ઢોરો એ માઝા મૂકી છે. અવાર-નવાર આવા રખડતા ઢોરોને કારણે ઘણી જગ્યાએ નાના-મોટા અકસ્માતો બને છે.

ઢોરોના મળ-મૂત્ર થી માર્ગો લપસણા બનતા તેમજ રાત્રિના અંધકારમાં બેઠેલા ઢોરોના ધણ નજરે ન ચઢતા અકસ્માતો બની રહ્યાં છે. દુકાનોની સામે પણ અડિંગો જમાવી બેસી રહેતા આ ઢોરોના કારણે દુકાનદારોને પારાવાર મુશ્કેલી વેઠવી પડે છે. વહેલી તકે તંત્ર દ્વારા કોઈ યોગ્ય પગલાં લઈ આ સમસ્યા હલ થાય તેવું લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

જોકે હાલ પાંજરાપોળમાં પણ જગ્યા નહીં હોવાના કારણે તંત્ર દ્વારા પકડાયેલા ઢોરો ક્યાં મુકવા તે પ્રશ્નાર્થ સર્જાય છે. વહીવટીતંત્રને જાણે આ બાબતે કંઈ પડી નહીં હોય તેમ લોક મુખે ચર્ચાઈ રહ્યું છે. વર્ષો જૂની સમસ્યા ઠેરની ઠેર રહે છે. તાલુકામાં આવા રખડતા ઢોરોની સંખ્યા દિન પ્રતિદિન વધીને ત્રણથી ચાર હજારને આંબી ગઈ છે. કાંઠા વિસ્તાર સહિતના લોકો, રાહદારીઓ ત્રાહિમામ પોકારી ઉઠયાં છે અને સમસ્યાનું સમાધાન ઝંખી રહ્યાં છે.

ગૌ સેવા સમિતિ બનાવાઇ પણ કામગીરી જૈસે થે
બે વર્ષે અગાઉ ભાઠલા ગામે ધારાસભ્ય સહિત સામાજિક અને રાજકીય અગ્રણીઓએ વર્ષો જૂની આ સમસ્યાનું નિરાકરણ લાવવા બેઠક અને ચર્ચા હાથ ધરી હતી. જેમાં ધારાસભ્યની ગ્રાન્ટ, સરકારની સહાય થકી ગૌચરની જમીન પર પાંજરાપોળ બનાવવી, ખેડૂતોને ખેતી અને પશુપાલન માટે વાછરડા આપવાનો વિકલ્પ, રખડતાં ઢોરોની ઓળખ ઉભી કરવા ટેગ લગાવવા, ગામેગામ ગૌસેવા સમિતિ બનાવી સમસ્યા સુલઝાવવાની હૈયાધરપત અપાઈ હતી, તેમ છતાં હજુ સુધી આ બાબતે કોઈજ જાતની કામગીરી કરવામાં આવી નથી.

અન્ય સમાચારો પણ છે...