તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

કાર્યવાહી:બીલીમોરામાં બકાલી ફાળવેલા સ્થળના બદલે ફરી ખાડા માર્કેટમાં જ બેસતાં શાકભાજીની 6 દુકાન સીલ

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા પાલિકાએ ખાડા માર્કેટમાં બેસતાં શાકભાજી વિતરકો માટે અલગ અલગ 10 જેટલી જગ્યા ફાળવી હતી
  • પાલિકાએ બાદમાં બાંહેધરીપત્ર લખાવી દંડ વસૂલ કરી દુકાનોનું સીલ હટાવી માલસામાન પરત કરી દીધાે

કોરોનાની સ્થિતિને પહોંચી વળવા બીલીમોરા પાલિકાએ ખાડા માર્કેટમાં બેસતાં શાકભાજી વિતરકો માટે અલગ અલગ 10 જેટલી જગ્યા ફાળવી કોરોના સંક્રમણ અટકાવવાના પ્રયાસો હાથ ધરાયા હતા. ગુરુવારે શાકભાજી વિતરકો તેમને ફાળવાયેલા સ્થળોએ નહીં બેસી ફરી ખાડા માર્કેટમાં જ બેસતા પાલિકાએ તેમનો સામન જપ્ત કરી 6 દુકાન સીલ કરી દીધી હતી. જોકે બાદમાં બાંહેધરી પત્રક લખાવી અને દંડ વસૂલ કરી દુકાનોનું સીલ હટાવી સામન પરત કર્યો હતો.

કોરોના મહામારીનું સંકટ ટાળવા માટે વહીવટી તંત્ર દ્વારા જે જગ્યાએ ભીડ વધુ થતી હોય ત્યાં યોગ્ય વ્યવસ્થા કરવાના આદેશ બાદ બીલીમોરા નગરપાલિકા દ્વારા સ્ટેશન ખાડા શાકભાજી માર્કેટ અને ગંગા માતા મંદિર સામેની માર્કેટમાં લોકડાઉન છૂટ વેળા ભારે ભીડ ઉમટતી હતી. જેના કારણે સોશિયલ ડિસ્ટન્સ જળવાતું ન હતું. જેથી આ જગ્યાઓ પર એકત્ર થતી ભીડને ટાળવા માટે આ ખાડા માર્કેટમાં શાકભાજી વિતરકોને પાલિકા દ્વારા અલગ-અલગ જગ્યાઓ ફાળવામાં આવી વૈકલ્પિક વ્યવસ્થા ઉભી કરવામાં આવી હતી.

આટલી સૂચના છતાં શાકભાજી વિતરકો તેજ સ્થળે એટલેકે ખાડા માર્કેટમાં જ ફરી બેસતા ખાડા માર્કેટમાં ભીડ વધી હતી. જે ફરિયાદ ઉઠતા પાલિકા દ્વારા તેમને ફાળવવામાં આવેલી જગ્યાએ જઈ વેપાર-ધંધો, શાકભાજી વેચવાનું જણાવામાં આવ્યું હતું. માઇક દ્વારા એનાઉન્સમેન્ટ કરાયા બાદ પણ નહીં ઉઠતા તેમને સમજાવામાં આવ્યા હતા પરંતુ તેઓ તેમને ફાળવેલી જગ્યાએ ગ્રાહકો આવતા નહીં હોવાનું જણાવ્યું હતું.

જે બાદ નગરપાલિકા તંત્રે તેમની સામે કડક કાર્યવાહી હાથ ધરી હતી. તેમનો શાકભાજી સહિતનો માલસામાન જપ્ત કર્યો હતો અને 6 જેટલી દુકાન સીલ કરી હતી. જેને પગલે રોજનું રળીને ખાવાવાળા વિતરકોમાં રોષ વ્યાપ્યો હતો.અને તેઓ નગરપાલિકા પહોંચ્યા હતા. જ્યાં તેમની પાસે તેમને ફાળવામાં આવેલી જગ્યા પર જ બેસવા અંગેનું બાંહેધરી પત્રક લખાવી સીલ મારેલી દુકાનદારો પાસે દંડ વસૂલ કર્યો હતો અને સામન ફરી સોંપ્યો હતો.

ખાડા માર્કેટમાં કાેરાેના સંક્રમણ વધવાની શક્યતાને પગલે કાર્યવાહી કરવામાં આવી
તેમને ઘણી સૂચના આપવા છતાં તેઓ તેમને ફાળવેલ જગ્યાએ ગયા ન હતા અને ખાડા માર્કેટમાં સંક્રમણ વધવાની શકયતા હોય જેથી આ કાર્યવાહી કરવાની ફરજ પડી હતી. જોકે તેમની પાસે બાંહેધરી પત્ર લખાવી સામાન પરત કરવામાં આવ્યો હતો. > વિનય ડામોર, સીઓ, બીલીમોરા પાલિકા

અન્ય સમાચારો પણ છે...