નીતિનિયમો વિરૂદ્ધ:બીલીમોરા પંથકમાં નિયમોની અવગણના કરી ધમધમતા ગેરકાયદે ઇંટના ભઠ્ઠાનો રાફડો ફાટ્યો

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ નીતિનિયમો વિરૂદ્ધ ધમધમતા ઈંટના ભઠ્ઠા બાબતે ઉદાસીન હોય તેમ ચર્ચાઈ રહ્યું છે

બીલીમોરા પંથકના વિસ્તારોમાં માનવ વસતી લગોલગ ઈંટ પકવતા ભઠ્ઠાઓનો રાફડો ફાટ્યો છે. જેના કારણે રહેણાંક વિસ્તારમાં પ્રસરતા ધુમાડાને કારણે ગરમીના પારો સાથે પ્રદુષણમાં વધારો વર્તાઈ રહ્યો છે. ગણદેવી, બીલીમોરા પંથકના શહેરી અને ગ્રામ્ય વિસ્તારોમાં મોટાપાયે ઇંટના ભઠ્ઠાઓનો ગૃહ ઉદ્યોગ સરકારી નિયમોનો છેદ ઉડાડી ફુલ્યો ફાલ્યો છે. રહેણાંક વિસ્તારમાં અને નદી કાંઠે બેરોકટોક ભઠ્ઠા ધમધમી રહ્યાં છે. ઈંટ પકવવા ભઠ્ઠામાં માન્ય બળતણના સ્થાને પ્લાસ્ટિક વેસ્ટ સહિતનું બળતણને પગલે ધુમાડાના ગોટેગોટા ઉડી રહ્યા છે.

પરિણામે આંખોમાં બળતરા અને શ્વાસજન્ય તકલીફો સામન્ય બની છે, કારણ કે ધુમાડાને ઊંચાઈ ઉપર છોડવા ચીમનીના નિયમો હોવા છતાં ક્યાંક પણ ચીમની જોવા મળતી નથી. કોરોના કાળ બાદ ઈંટોના ભાવમાં તોતિંગ વધારો નોંધવા સાથે એક ઈંટના ભાવોમાં પણ વધારો થયો છે, તેમ છતાં ગૃહ ઉદ્યોગના નામે નિયમોનો સરેઆમ ભંગ કરવામાં આવે છે. વહીવટી તંત્ર મૂકપ્રેક્ષક બની રહે છે, જેને પગલે હવા અને પાણીનું પ્રદુષણ વધી રહ્યું છે. આંતરિક ગામોમાં પણ વિના પરવાનગીએ મોટા પ્રમાણમાં આ ઈંટના ભઠ્ઠાઓ બેફામ ધમધમી રહ્યા છે. પ્રદુષણ નિયંત્રણ બોર્ડ પણ નીતિનિયમો વિરૂદ્ધ ધમધમતા આવા ઈંટના ભઠ્ઠા બાબતે ઉદાસીન હોય તેમ ચર્ચાઈ રહ્યું છે.

ભઠ્ઠાના ધુમાડાથી આંખમાં બળતરા થાય છે
ઈંટના ભઠ્ઠામાં કાચી ઈંટને પાકી કરવા તેમાં લગાવામાં આવતી આગને કારણે ઉઠતા ધુમાડાના કારણે વાયુ પ્રદુષણ ફેલાય છે તેમજ તેના કારણે આંખોમાં બળતરા થાય છે તેમજ શ્વાસોશ્વાસમાં પણ તકલીફ થાય છે. વધુ સ્મશાનમાં લગાવવામાં આવેલી ચીમનીની ઊંચાઈ ઓછી હોય મૃતદેહ સળગતા સમયે ખુબ દુર્ગંધ આવતી હોય તે અંગે પણ કોઈ કામગીરી કરવામાં આવે એ જરૂરી છે. >હરીશભાઈ ભાદરકા, સામાજિક કાર્યકર્તા

અન્ય સમાચારો પણ છે...