વરસાદને કારણે જનજીવન ખોરવાયું:બીલીમોરા પંથકમાં ભારે વરસાદને પગલે જનજીવન ખોરવાયું, 24 કલાકમાં 2.44 ઇંચ

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ભારે ટ્રાફિકના કારણે વાહનોની લાંબી કતારો લાગી, કાચું મકાન તૂટી પડ્યું, શ્રમજીવીનો બચાવ

બીલીમોરા પંથકમા અનરાધાર પડી રહલા વરસાદને કારણે જનજીવન ખોરવાયું હતું. અનેક સ્થળોએ પાણીનો ભરાવો જોવા મળ્યો હતો. ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને કારણે અંબિકા અને કાવેરી બે કાંઠે વહી હતી. જેને પગલે પુરની સ્થિતિ સર્જાઈ હતી. દેવધા ડેમ ઓવરફ્લો થતા કાંઠા વિસ્તારોને સતર્ક કરાયાં હતા. મંગળવાર સાંજે વિતેલા 24 કલાકમાં 2.44 ઇંચ સાથે મોસમનો 54.68 ઇંચ વરસાદ વરસ્યો છે. ચિમોડિયા નાકા પર ફાટક માર્ગે ભુવો પડતા અને અંડર પાસમાં પાણી ભરાતા બધો ટ્રાફિક મુખ્ય ફાટક તરફ ફંટાયો હતો.

બીલીમોરામાં વરસાદી માહોલ જામતા જનજીવન પ્રભાવિત થયું હતું. ઉપરવાસમાં વરસેલા ભારેથી અતિભારે વરસાદને કારણે અંબિકા, કાવેરી, ખરેરા, વેંગણીયા અને પનિહારી નદી બંને કાંઠે વહેતી જોવા મળી હતી. અંબિકા નદીના નવા નીર આવતા દેવધા ડેમ ઓવરફ્લો થયો હતો. વિતેલા 24 કલાકમાં 2.44 ઇંચ (61 મિમી) વરસાદ વરસ્યો હતો, જે સાથે મોસમનો કુલ 54.68 ઇંચ (1367 મિમી) વરસાદ નોંધાયો છે. બીલીમોરા કાંઠા વિસ્તારમાં બીગરીના દાભલ ફળિયામાં વરસાદી પવનને કારણે વલ્લભભાઈ ઉકાભાઈ મિસ્ત્રીનાં મકાનને નુકસાન થયું હતું.

બીલીમોરા માણેકબાઈ ટાટા માર્ગ, કલ્યાણ ચેમ્બર સામે રહેતા શ્રમજીવી જયંતિભાઇ પટેલનું નળિયાવાળુ કાચું મકાન ભારે વરસાદને કારણે ધરાશાયી થયું હતું પરંતુ શ્રમજીવીનો બચાવ થયો હતો. મકાન ધરાશાયી થવાને પગલે સભ્ય મલંગ કોલીયા, પાલિકાના સીઓ વિનય ડામોર, ફાયરના પંકજભાઈ, મનનભાઈ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. ઉપરવાસમાં ભારે વરસાદથી ગણદેવીની લોકમાતા કાવેરી નદી કાંઠેના ઊંડાચ વાણીયા ફળિયા ગામના રાઘવ ફળિયા અને ઘોલ ફળિયા જતાં માર્ગો તેમજ સ્મશાનભૂમિમાં પાણી ફરી વળ્યા હતા. અંબિકા નદી 8.580 મીટરે વહી રહી છે.

ચિમોડીયા નાકા પાસે ભૂવો પડતા ગાડી ફસાઈ
ભારે વરસાદને પગલે બીલીમોરા ચિમોડિયા નાકા ફાટક નંબર 109 પર ફાટક માર્ગે ભુવો પડ્યો હતો. જેના કારણે બે ગાડી ફસાઈ હતી. તેનું સમારકામ હાથ ધરાયા હતું એટલે ચિમોડિયા નાકા ફાટક બંધ કરાઈ હતી અને રેલવે અંડરપાસમાં પાણી ભરાયું હતું. જેને પગલે સમગ્ર ટ્રાફિક મુખ્ય ફાટક 108 પર ફંટાયો હતો. જ્યારે દેસરા ઓવરબ્રિજની કામગીરીને પગલે ફાટક બંધ છે.

જ્યાં દેસરા અંડરપાસમાં પાણી ભરાતા ત્યાનું ટ્રાફિક પણ મુખ્ય ફાટક તરફ ફંટાયું હતું. જેને પગલે મુખ્ય રેલવે ફાટક પર પૂર્વ અને પશ્ચિમ વિસ્તારમાં વાહનોની અડધા કિલોમીટર જેટલી લાંબી કતારો લાગતા લોકો અકળાયા હતા. ચિમોડિયા નાકા પાસેનો ભુવો રિપેરિંગ કરાતા મોડી સાંજે ટ્રાફિક થોડો હળવો થયો હતો.

અન્ય સમાચારો પણ છે...