ધમકી:આંતલિયા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં માજી અને વર્તમાન મહિલા સરપંચ બાખડ્યા

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • 5 વર્ષના હિસાબ મુદ્દે થયો વિવાદ, સામ સામે ફરિયાદ

બીલીમોરા નજીકના આંતલિયા ગ્રામ પંચાયતની સામાન્ય સભામાં વર્તમાન મહિલા સરપંચે માજી મહિલા સરપંચને તેમના કાર્યકાળનો છેલ્લા પાંચ વર્ષનો હિસાબ આપવા બોલાવ્યા હતા. જયાં કોઈ મુદ્દે તકરાર સર્જાતા સભાખંડમાં મામલો ગરમાયો હતો અને વર્તમાન અને માજી મહિલા સરપંચો ઝઘડી પડ્યા હતા. જેના કારણે ચકચાર મચી ગઈ હતી. આ ઘટના બાબતે બંને પક્ષે બીલીમોરા પોલીસમાં સામસામી અરજી આપી હતી.

આંતલિયા ગ્રામ પંચાયતની સભા ગત 18મી મેના રોજ બોલાવાઈ હતી. જેમાં વર્તમાન સરપંચે માજી સરપંચ પાસે પાછળના 5 વર્ષોના હિસાબ બાબતે ચકમક સર્જાતા મામલો પોલીસમાં પહોંચ્યો છે. જ્યાં બંને પક્ષોએ સામસામી અરજી આપી છે. જેમાં જણાવ્યું છે કે, હાલના સરપંચ ભાવનાબેન હરીશભાઇ પટેલે ચાલી રહેલી મિટિંગ દરમિયાન તેમના પતિ અને ઉપસરપંચ હરીશભાઇ પટેલ, અન્ય સભ્યો અને તલાટી કમ મંત્રીની હાજરીમાં માજી મહિલા સરપંચ લલિતાબેન છગનભાઈ પટેલના કાર્યકાળના બાકી રહેલા બીલો માટે ચર્ચા કરતા મામલો વણસ્યો હતો.

જેમાં ચર્ચા દરમિયાન માજી સરપંચ લલિતાબેન સાથે તેમના પતિ છગનભાઈ અને પુત્ર કલ્પેશ (માજી વોર્ડ સભ્ય) અને પરિવારે હાલના સરપંચ ભાવનાબેન તેમના પતિ અને ડેપ્યુટી સરપંચ હરીશભાઇ ઉપર હુમલો કરી મંગળસૂત્ર તોડી નાંખી જાનથી મારી નાખવાની ધમકી આપી હોવાના આક્ષેપો કરી સરપંચ, તલાટી અને સભ્યોની સહી સાથે માજી સરપંચ લલિતાબેન, તેમના પતિ છગનભાઈ અને પુત્ર એવા કલ્પેશ પટેલ વિરૂદ્ધ ફરિયાદ (અરજી) પોલીસને આપી છે.

આ ઘટનામાં સરપંચ ભાવનાબેન ઈજાગ્રસ્ત થતા હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે. આ ઘટનામાં માજી સરપંચ લલિતાબેન છગનભાઈ પટેલે પણ પોલીસમાં અરજી આપતાં જણાવ્યું હતું કે તેમને સભામાં છેલ્લા પાંચ વર્ષના બાકી હિસાબ માટે બોલાવાયા હતા. દરમિયાન સરપંચ ભાવના પટેલ, ઉપસરપંચ હરીશભાઇ પટેલે આ સભામાં તેમની સાથે ગાળાગાળી કરી તેમને તેમજ તેમના પતિ છગનભાઇ અને પુત્ર કલ્પેશ સાથે ઝપાઝપી કરી જાનથી મારી નાંખવાની ધમકી આપી હોવાના આક્ષેપો સાથે બીલીમોરા પોલીસમાં અરજી કરી છે. બીલીમોરા પોલીસે બંને પક્ષોની સામસામી અરજી લઈને તપાસ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...