તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

તેવર બદલાયા:બીલીમોરા પાલિકાની 207 મિલકતધારકોને અંતિમ નોટિસ

બીલીમોરા9 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ફાયર સેફટી ન રાખનારા મિલકત ધારકો સામે પાલિકાએ આક્રમક બની કાર્યવાહી હાથ ધરી

બીલીમોરા નગરપાલિકા ફાયર સેફટી બાબતે એકદમ સજાગ થઈ છે. જેમાં બીલીમોરા નગરપાલિકાએ બીયુપી અને ફાયરસેફ્ટીના એનઓસી નહીં મેળવનારા 207 મિલકતધારકોને અંતિમ નોટિસ આપી છે. જે બાદ મિલકતમાં આ ઉપરોક્ત ફાયર સેફટીની સુવિધા નહીં હશે તે મિલકતધારકો સામે પાલિકા ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ કાર્યવાહી કરવાની ચીમકી પણ નોટિસમાં ઉચ્ચારી છે.

હાલ નાના-મોટા બનતા આગના બનાવોને પગલે બીલીમોરા નગરપાલિકાએ પણ પાલિકા કર્મચારીઓ અને ફાયર વિભાગના કર્મચારીઓએ હોસ્પિટલ, હોટેલો, લગ્નહોલ, રેસ્ટોરન્ટ શાળા, સરકારી બિલ્ડીંગો, દુકાનો સહિત હાઈરાઈઝ બિલ્ડીંગો સહિતની દરેક બિલ્ડીંગની તપાસ હાથ ધર્યા બાદ ટીમોએ ઉપરોક્ત સ્થળોની સ્થળ પર જઈ ફાયર સેફટીના સાધનોની જરૂરી પૂર્તતા હાથ ધરી હતી. જેમાં તેમની પાસે જરૂરી સાધનો છે કે નહીં, અને તે જે વિસ્તારમાં છે તે માટે તેમની પાસે ક્યા અને કેટલા સાધનો હોવા જોઈએ તે અંગે તેમને સૂચનો આપવામાં આવ્યા હતા. જો આ બાબતને ગંભીરતાથી નહીં લેવામાં આવે તો જવાબદારો સામે કાયદેસરની કાર્યવાહી કરવાનું જણાવ્યું હતું.

પાલિકા દ્વારા જરૂરિયાતનાં સમયે આગ બુઝાવવાની કામગીરી કરવામાં આવે છે પરંતુ આગ લાગવાનાં સમયે તાકિદની સ્થિતિને પહોંચી વળવા અને જાનમાલના નુકસાનને અટકાવવા ફાયર સેફટીની સુવિધા ઉપલબ્ધ હોવી જરૂરી છે. જેથી આ અંગે પાલિકાએ સરવે હાથ ધરતા ફાયર સેફટીની સુવિધા તથા બિલ્ડીંગ યુઝ પરમિશન (બીયુપી)ની એનઓસી નહીં મેળવનાર 207 મિલકતધારકો, જેમાં 29 વાડી હોલ, 8 વ્યવસાયિક મિલકત, 35 રહેણાંક મિલકત, 97 અન્ય મિલકત, 2 ઉત્પાદન એકમ, 7 હોટેલ, 19 શાળા-કોલેજ, 7 હોસ્પિટલ, 3 પેટ્રોલ પંપને અંતિમ નોટિસ આપવામાં આવી છે.

મિલકતોને સીલ કરવા સુધીની વ્યુહરચના
એનઓસી તેમજ બીયુપી (બિલ્ડીંગ યુઝ પરમિશન) મેળવવા પાલિકામાં અરજી સાથે ગુમાસ્તાધારા લાયસન્સ, કમ્પ્લીશન સર્ટીફિકેટ, ફાયર એનઓસી, આઇડેન્ટિટી પ્રુફ, રહેણાંકનો પુરાવો આપવાના રહેશે. એવી જ રીતે બિલ્ડીંગ યુઝ પરમિશન માટે અરજી ફોર્મ નંબર-13, પ્રોગ્રેસ સર્ટીફિકેટ, કમ્પ્લીશન સર્ટીફિકેટ, ઈન્સ્પેક્શન રિપોર્ટ સર્ટીફિકેટ, આર્કિટેક એન્જિનિયર સ્ટ્રક્ચરલ એન્જિનિયર રિપોર્ટ, સાઈટ સુપરવિઝન, ડેવલોપરના લાયસન્સની નકલ, મંજૂર લે-આઉટ પ્લાન અને રજાચિઠ્ઠીની નકલ, કમ્પલેશન પ્લાનની નકલ, લિફ્ટ વપરાશની મંજૂરી, પ્લાન સૂચિત કરેલ હોય તો તેની નકલ, ઇલેક્ટ્રીફિકેશન સર્ટીફિકેટ, પ્લમ્બિંગ બાંધકામનો ફોટો, ફાયર એનઓસી, રેરા પ્રમાણપત્ર, ડ્રેનેજ વ્યવસ્થા વગેરેની માહિતી આપવાની રહેશે. આ નિયમોનું પાલન નહીં કરનાર સામે ગુજરાત નગરપાલિકા અધિનિયમ અને ડિઝાસ્ટર મેનેજમેન્ટ એક્ટ હેઠળ મિલકતોને સીલ કરવામાં આવશે એવી ચેતવણી આપવામાં આવી છે. નગરપાલિકા દ્વારા અપનાવવામાં આવેલ કડક અભિગમને કારણે અન્ય મિલકતધારકોમાં ફફડાટ મચી ગયો છે.

નિયમો વિરુદ્ધ બિલ્ડીંગોને મંજૂરીની ઉઠેલી બૂમરાણ
બીલીમોરા નગરપાલિકાના ફાયર વિભાગ પાસે અપૂરતો સ્ટાફ તેમજ અમુક પ્રાથમિક સાધનોનો અભાવ છે. આગની પરિસ્થિતિમાં હાઈરાઈઝ બિલ્ડીંગમાં રહેતા લોકો ભગવાન ભરોશે હોય તેવી પરિસ્થિતિ છે. તંત્રએ આ બાબતે કોઈ જ ધ્યાન આપ્યું નથી અને નિયમો વિરુદ્ધ બિલ્ડીંગોને મંજૂરી આપી દેવામાં આવતી હોવાનું શહેરમાં ચર્ચાઈ છે. જયારે કોઈ ઘટના ઘટે ત્યારે તંત્ર જાગે છે, જે પછી સમગ્ર બાબત પર ઠંડુ પાણી રેડાઈ જાય છે. શહેરમાં બિલ્ડરોની ભુલનો ભોગ પ્રજા બની રહી છે.

અન્ય સમાચારો પણ છે...