બીલીમોરા નજીકના દેવસર ગામે કમ્પાઉન્ડ દિવાલ બનાવવા કરેલ ચુનાની બોર્ડર કોઈએ ભૂંસી નાખતા પાડોશીઓ વચ્ચે થયેલ તકરાર મારામારીમાં પરિણમતા પોલીસે સામસામી ફરિયાદ નોંધી કાર્યવાહી હાથ ધરી છે.દેવસર મોટા ફળિયામાં રહેતા ડાહીબેન મોહન પટેલ (ઉ.વ. 60) અને દીપક પટેલ (ઉ.વ. 46)અ સામસામે ફરિયાદ નોંધાવી છે. જેમાં તેમણે જણાવ્યું છે કે, દીપકભાઈના ઘરના પાછળ કમ્પાઉન્ડ દિવાલનું કામ માટે ચુનાની બોર્ડર કરી હતી. જે ચુનાની લાઈન કોઈએ ભૂંસી નાખી હતી. જે કોણે ભૂંસી નાખી તે બાબતે બંને પડોશીઓ વચ્ચે ઉગ્ર બોલાચાલી બાદ બાખડી પડ્યા હતા.
જેમાં દિપક પટેલે આપેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સંજય પટેલે આ બાબતે ગાળાગાળી કરતા હતા ત્યારે તેમ નહીં કરવાનું કહેતા તેઓ એકદમ ઉશ્કેરાઇ જઇને ત્યાં પડેલા લાકડાથી દીપકભાઈના પુત્ર તિલક, કિરણને માથામાં લાકડાનો ફટકો તેમજ તેમની માતા શાંતિબેનને માર માર્યો હતો.
જ્યારે સામા પક્ષે ડાહીબેન પટેલે પોલીસમાં ફરિયાદ આપતા જણાવ્યું છે કે બાજુમાં રહેતા દિપક પટેલ અને કિરણ પટેલ કમ્પાઉન્ડ માટે ચુનાની બોર્ડર ભૂંસી નાંખવાની તકરારમાં ઉશ્કેરાઈ જઈ ઈંટના ટુકડો ડાહીબેનને માથા અને જમણા હાથના કાંડામાં મારી ઘાયલ કર્યા હતા. જ્યારે તેમના પુત્ર સંજય સાથે પણ ઝપાઝપી કરી હતી. આસપાસના લોકો ભેગા થઈ જતા બંને પરિવારને છૂટા પાડ્યા હતા. પોલીસે સંજય પટેલ, મોહનપટેલ, ડાહીબેન પટેલ, દિપક પટેલ, કિરણ પટેલ સામે ગુનો નોંધી કાર્યવાહી હાથ ધરી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.