તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

જીવનું જોખમ:દેવધા ડેમના પાણીમાં લોકો નાહવા પડતા અકસ્માતની ભીતિ

બીલીમોરા19 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 30મી મે એ નાહવા પડેલા તરૂણનું મોત નિપજયું છતાં લોકોનો ધસારો યથાવત

અંબિકા નદીના પુલ પર બનાવેલા દેવધા ડેમ પર તમામ દરવાજા ખોલી દેવાતા પાણીનો પ્રવાહની ગતિ ભરપૂર માત્રામાં હોવા છતાં યુવાનો તે પ્રવાહમાં જીવના જોખમે નહાવા ઉતરી રહ્યા છે. છતાં તંત્ર આંખ મીચીને બેઠું છે. 17 વર્ષ અગાઉ ગણદેવી તાલુકાની પાણીની સમસ્યા હલ કરવાના હેતુસર ગણદેવી તાલુકાના દેવધા અને દેવસર કાંઠે વહેતી અંબિકા નદીના પર 19 કરોડના ખર્ચે દેવધા ડેમ 2002માં બનાવવામાં આવ્યો હતો. ગણદેવી તાલુકા માટે આ ડેમ જીવાદોરી અને આશીર્વાદરૂપ છે.

આ ડેમ 500 મીટર પહોળો અને 5 મીટર લાંબો છે. જેમાં પાણીના સંગ્રહ અર્થે 1 મીટરના 40 દરવાજા એક નીચે અને એક ઉપર લગાવવામાં આવ્યા છે. આ દરવાજા ચોમાસાના પ્રારંભે તકેદારીના ભાગરૂપે ખોલી દેવાયા છે, જેના કારણે ડેમના કેચમેન્ટ વિસ્તારમાં સંગ્રહિત સેંકડો લિટર મીઠા પાણીનો પ્રવાહ દરિયામાં વહી રહ્યો છે. હાલ લોકો મજા માણવા ડેમ પર આવતા હોય છે. આ ડેમના ઠંડા જોખમી વહેતા પાણીમાં નહાવા યુવાનો આકર્ષાય છે. ભૂતકાળમાં આ ડેમમાં ઘણા અકસ્માતો નોંધાઇ ચૂક્યાં છે.

જેમાં નાહવા પડેલા યુવાનોએ પાણીમાં ડૂબી જતા જીવ ખોવાનો વારો આવ્યો છે. નદીના ધસમસતા પ્રવાહમાં નાહવા માટે આતુર બનેલા યુવાનો છલાંગ લગાવી રહ્યાં છે. હાલ ડેમના દરવાજા ખોલી નાંખવામાં આવ્યા હોય પાણીનો પ્રવાહ અતિ ભારે થયો છે. ડેમમાં નાહવા માટે જોખમ હોવાનું પ્રતિબંધિત વિસ્તારનું બોર્ડ ત્યાં લગાવવામાં આવ્યું છે પરંતુ જાણે તેને કોઈ ગણકારતું નથી. દેવધા ડેમ દેવ સરોવર વિસ્તારને પ્રતિબંધિત જાહેર કરી, ડેમ પર અવરજવર કે વાહન લઈ જવા પર મનાઈ ફરમાવાઈ છે.

જોકે તેની કોઈ કાળજી રાખવામાં આવતી નથી. ડેમમાં અગાઉ ઘણાં અણબનાવો સર્જાઈ ચૂક્યાં છે. કેટલાક લોકો આજીવિકા માટે ઊંડા જળપ્રવાહમાં મચ્છીમારી કરતા નજરે ચઢે છે. આ દેવધા ડેમ નાહવા પડેલા કેટલાય યુવાનોનો ભોગ લીધો છે તેમ છતાં લોકો બેરોકટોક અહીં છલાંગ મારી નાહવા પડે છે, જે જોખમ ભરેલું છે. ગત 30મી મે એ બીલીમોરા બાંગીયા ફળિયાનો 15 વર્ષીય તરુણ તેના મિત્રો સાથે નાહવા આવ્યો હતો, જે પાણીમાં તણાઈ જતા તેનું મોત નિપજ્યું હતું ત્યારે તંત્ર કોઈ મોટા અકસ્માતની રાહ જોઈ રહ્યું છે કે શુ ? એવું લોકો જણાવી રહ્યાં છે. આ જોખમ ટાળવા વહીવટી તંત્ર કડક હાથે કાર્યવાહી કરે એ જરૂરી છે.

અન્ય સમાચારો પણ છે...