અકસ્માતનું જોખમ:ઉંડાચ પુલ બેસી ગયો છતાં હજુ કોઇ કામગીરી નહીં

બીલીમોરા25 દિવસ પહેલા
  • કૉપી લિંક
આંતલિયા-ઉંડાચ પુલ બેસી જવા છતાં નક્કર કામગીરી કરાઇ નથી. - Divya Bhaskar
આંતલિયા-ઉંડાચ પુલ બેસી જવા છતાં નક્કર કામગીરી કરાઇ નથી.
  • 7 વર્ષ અગાઉ કાવેરી નદી પર પુલ પાંચ માસ પહેલા જ ક્ષતિગ્રસ્ત બન્યો છે

બીલીમોરા નજીકના આંતલિયાથી ઉંડાચ ગામને જોડતો કાવેરી નદી પરનો બ્રિજ પાંચ માસ અગાઉ ચોમાસા દરમિયાન ક્ષતિગ્રસ્ત બન્યો હતો. 7 વર્ષ પહેલાં બીલીમોરા થઈ આંતલિયા અને ઉંડાચને જોડતો કાવેરી નદી ઉપર પુલ બન્યો હતો. આ પુલના કારણે નદીના બીજી તરફ આવેલા ગામો ઊંડાચ વાણિયા ફળિયા, લુહાર ફળિયાના ગ્રામજનોને બીલીમોરા સાથેના વ્યવહારમાં ખૂબ અનુકૂળતા રહેતી હતી. આંતલિયાથી 5 કિલોમીટર વાયા ઊંડાચ સીધા નેશનલ હાઇવે નંબર-48ના બલવાડા પહોંચી જવાથી હાઇવે સુધી પહોંચવાનું અંતર એકદમ ઘટી ગયું હતું. ચોમાસામાં પૂરના કારણે 5 માસ અગાઉ આ પુલ ક્ષતિગ્રસ્ત બન્યો હતો.

ઊંડાચ તરફ જતા પુલનો પહેલો પિલ્લર બેસી જવાને કારણે એક્સપાન્શન જોઈન્ટમાં ગેપ વધી ગયો છે, જેના કારણે જોખમી બનેલા આ પુલને વાહન વ્યવહાર અને આવનજાવન માટે સદંતર બંધ કરી દેવામાં આવ્યો હતો. જે બાદ થોડા જ સમય પછી આ પુલનો આંતલિયા તરફનો પિલરનો એક ભાગ પણ થોડો બેસી ગયો હતો. મુખ્ય પુલ બંધ થતાં થોડા સમય સુધી લોકો બીલીમોરા આવવા જવા માટે મસમોટો ચકરાવો લેવાનો વારો આવ્યો હતો. માત્ર 7 વર્ષના ટૂંકાગાળામાં પુલ ક્ષતિગ્રસ્ત થતાં તેના નિર્માણ કાર્ય પર સવાલ ઉપસ્થિત થયા હતા. તંત્ર દ્વારા વહેલી તકે આ બાબતે કોઈ કામગીરી હાથ ધરવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી રહી છે.

ગાંધીનગરની ટીમે નિરીક્ષણ કર્યું હતું પરંતુ..
પુલ ક્ષતિગ્રસ્ત બનતા ગાંધીનગરની ટેકનિકલ ટીમ આ પુલનું નિરીક્ષણ કરવામાં આવી હતી. જેમણે પુલનું નિરીક્ષણ કર્યું હતું પરંતુ હજુ સુધી આ બાબતે કોઈ નક્કર કામગીરી હાથ ધરવામાં આવી નથી. પુલ બન્યાના 7 વર્ષમાંજ પુલ ક્ષતિગ્રસ્ત બનતા અનેક સવાલો ઉભા થયા હતા.

જૂનો પુલ શરૂ કરાયો છે પણ તેના પરથી ભારે વાહનો પસાર થઇ શકતા નથી
જોકે હાલ બીજો જુનો પુલ ફરી શરૂ કરવામાં આવ્યો છે. જે પુલ નાનો અને ચોમાસામાં ડુબાઉ પુલ છે. પાણી વધતા આ પુલ ડુબી જાય છે. તેના પરથી મોટા તેમજ ભારે વાહનો પસાર થઈ શકતા નથી. આંતલિયા-ઉંડાચ થઈ બલવાડા હાઈવેને આ માર્ગ જોડતો હતો, જેના કારણે મોટા વાહનોએ મોટો ચકરાવો લેવાના વારો આવ્યો છે.

અન્ય સમાચારો પણ છે...