તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલી:બીલીમોરા ડેપોમાં ફેલાયેલી ગંદકીથી કર્મચારીઓ પરેશાન

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વોશિંગ એરિયામાં પણ કચરાનો જમાવડો

બીલીમોરા બસ ડેપો ઉપર કેટલાય સમયથી કચરાનું સામ્રાજ્ય જામ્યું છે. ડેપો ઉપર બસના વોશિંગ એરિયા કચરો જામેલો નજરે ચઢી રહ્યો છે ત્યારે પારાવાર ગંદકીના કારણે કર્મચારીઓ પણ ત્રાસ સહન કરી રહ્યાં છે. ડેપોમાં ભેગો થયેલો આ કચરો વહેલીતકે સાફ કરવામાં આવે તેવી લોકો લાગણી વ્યક્ત કરી રહ્યા છે.

બીલીમોરા ડેપો પરથી રોજિંદા હજારો મુસાફરો તેમના કામ અર્થે બસમાં મુસાફરી કરતા હોય છે. હાલ કોરોના કાળ ચાલી રહ્યો છે જેમાં સરકાર સ્વચ્છતા જાળવવા મોટી મોટી જાહેરાતો કરી છે. બીલીમોરા ડેપો પર સ્વચ્છતાથી વિપરીત પરિસ્થિતિ જણાઈ રહી છે. ડેપોમાં જ્યાં બસનું વોશિંગ થાય છે ત્યાં નજીકમાં ભારે કચરો ફેલાયેલો જોવા મળી રહ્યો છે. મોટા ઉપાડે સરકાર સ્વચ્છતાના બણગાં ફૂંકે છે ત્યારે સરકાર દ્વારા સંચાલિત બીલીમોરા ડેપોમાં ફેલાયેલ કચરાના ઢગ સામે પ્રશ્નાર્થ સર્જાયો છે. ડેપોમાં રોજિંદા હજારો મુસાફરો અપડાઉન કરતા હોય ત્યારે તેમના સ્વાસ્થ્યની સલામતી માટે સાફ સફાઈ થવી અનિવાર્ય છે.

આટલો કચરો ફેલાયેલો કેટલો ઉચિત કહેવાય. લોકોના સ્વાસ્થ્ય સાથે ડેપો પ્રશાસન ચેડાં કરી રહ્યું હોય તેમ લોકોમાં ચર્ચાઈ રહ્યું છે. હાલ ચોમાસુ ચાલી રહ્યું છે જેના કારણે કચરો ભીનો થઈ સડી જવાના કારણે દુર્ગંધ પણ ફેલાઈ રહી છે તેમજ ગંદકીના ઢગમાંથી મચ્છરોનો ઉપદ્રવ પણ વધ્યો છે, જેના કારણે ડેપોની આસપાસ રહેતા રહીશોને પણ ત્રાસ સહન કરવો પડી રહ્યો છે. મસમોટા આ ડેપો કેમ્પસમાં સાફસફાઇનો અભાવ વર્તાઈ રહ્યો છે ત્યારે વહેલી તકે આ ખડકાયેલા કચરાના ઢગલા ઉઠાવી લેવામાં આવે તેવી લોકલાગણી પ્રવર્તી છે.

અન્ય સમાચારો પણ છે...