વ્યવસ્થા:ધોલાઈ મત્સ્યબંદર 10 કરોડના ખર્ચે અદ્યતન સુવિધાયુક્ત બનશે

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક

રાજ્યના 1665 કિલોમીટર લાંબા દરિયા કિનારામાં અંબિકા નદીના મુકપ્રદેશમાં આવેલા ધોલાઇ બંદર સૌથી સારું અને કુદરતી આફતોથી સુરક્ષિત દરિયાઈ વિસ્તાર છે. મત્સ્યબંદર તરીકે શરૂ કરાયેલ આ બંદર ગણદેવી તાલુકાના ધોલાઈ મત્સ્યબંદરનું 14 વર્ષ અગાઉ તત્કાલિન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદીના હસ્તે લોકાર્પણ કરાયું હતું. હવે આબંદરના આધુનિકરણ માટે સરકારે 10 કરોડના ખર્ચે તેને અદ્યતન બનાવવા ફાળવ્યા છે. ધોલાઈ મત્સ્યબંદરના આધુનિકરણની કામગીરીનું ખાતમુહૂર્ત સાંસદ સી.આર.પાટીલના હસ્તે કરાયું હતું.

આ આધુનિકરણમાં ધોલાઇ મત્સ્યબંદરમાં 10 કરોડના ખર્ચે જેટી વાઇડનીંગ, નેવીગેશન બોયા, ફેન્ડર, હાઇ માસ્ટ ટાવર, બોટોને લોડીંગ અનલોડીંગ વખતે નુકસાન નહીં થાય તે માટે બ્રેસીંગ બીમ, ઇન્ટરનલ રોડ નેટવર્ક, બિલ્ડીંગ મરામત, ઇલેકટ્રીફીકેશનની કામગીરી જેવી સુવિધા પૂરી પાડવામાં આવશે. જો આ બંદરનો આધુનિક ઢબે વિકાસ કરી સુવિધાઓથી સજ્જ કરવામાં આવે તો અહીં 700 થી 800 બોટો વેપાર અર્થે ધોલાઈ આવી શકે. હાલ દક્ષિણ ગુજરાતની 1500થી વધુ બોટો સૌરાષ્ટ્ર, મહારાષ્ટ્ર તેમજ મુંબઈ બંદરે માલ વેચવા જાય છે.

જ્યાં પરવાનગી અને લાયસન્સ, સહિત મુશ્કેલીઓનો સામનો તેમને કરવો પડે છે. જેના કારણે તેઓ શોષણ અને નુકસાની વેઠવી પડેછે. સહકારી ધોરણે મત્સ્યોદ્યોગનો વિકાસ કરવો તો ધોલાઈ બંદરની માર્કેટિંગની વ્યવસ્થા કરવામાં આવે તો તે મત્સ્ય ઉદ્યોગનું મોટું હબ બનવાની શક્યતા છે. ધોલાઈને મત્સ્યોદ્યોગના માર્કેટનું હબ બનાવવાની જોઈતી તમામ સુવિધા મળી રહે છે. રેલવે, રસ્તાઓ, પાણી અને મુંબઈનું મોટું માર્કેટ દરિયાઈ માર્ગે નજીક પડે છે જે સર્વ રીતે ફાયદાકારક થશે. ત્યારે સરકાર આ બધી બાબતે પણ પૂરતું ધ્યાન આપે તે જરૂરી છે. વધુમાં બોટોની ઝડપી અવરજવર માટે ઝડપી ડ્રેજીંગ થાય એ પણ જરૂરી છે.

ધોલાઈ ગામ અને ધોલાઈ બંદરને જોડતા માર્ગો ફોરલેન ગૌરવપથ બનાવવા તથા દીવાદાંડીની કામગીરી પણ કરવી આવશ્યક છે. બંદર પર મીઠા પાણીની વ્યવસ્થા ઊભી કરવી. ધોલાઈ બંદરે સેંકડોની સંખ્યામાં બોટો લાંગરી શકાય તેવી તમામ શકયતા રહેલી છે. બંદરને ગુજરાતનું સૌથી મોટું મત્સ્ય બંદર બનાવવાની તમામ શક્યતા રહેલી છે. બંદરના સર્વાંગી વિકાસ માટે સરકાર દ્વારા આધુનિકરણની કામગીરીનો શુભારંભ થતાં આર્થિક હબ બનવાની આશા ઉજળી બની છે.

આ પ્રસંગે રાજયના આદિજાતિ વિકાસ મંત્રી નરેશભાઇ પટેલે જણાવ્યું હતું કે, રાજય સરકાર સાગરખેડૂઓની ચિંતા કરી વિવિધ સુવિધા આપી રહી છે. મત્સ્યોદ્યોગ વિભાગના રાજય મંત્રી જીતુભાઇ ચૌધરીએ જણાવ્યું હતું કે, ધોલાઇ બંદર પર તમામ સુવિધા મળી રહેશે તો માછીમારોની આવક વધતા તેઓનું જીવન-ધોરણ ઉંચુ આવશે.

માર્ચ સુધીમાં બાકી કામો પૂર્ણ કરવામાં આવશે
નવસારી સાંસદ સી.આર.પાટીલે ધોલાઇ બંદરે વિવિધ વિકાસકામો થવાના છે. જેથી સ્થાનિકોને રોજગારી પણ મળી રહેશે. આગામી માર્ચ સુધીમાં જેટલા કામો બાકી છે તે પૂર્ણ કરવામાં આવશે. ગામડાંઓને વિકસિત કરી ગ્રામજનો ગામડામાં જ રહે અને શહેરનું ભારણ ઘટે. ગામડાઓનો વિકાસ કરવાથી પરિવારભાવના કેળવાય રહે. સાગરખેડૂઓને આધુનિક ટેકનોલોજીનો ઉપયોગ કરી રોજગારી વધારવા જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...