કાર્યવાહી:દેસરા ઓવરબ્રિજમાં નડતરરૂપ 100 મીટર દિવાલનું પોલીસ કાફલા સાથે ડિમોલીશન

બીલીમોરા8 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • ડિમોલીશન થઇ જતા હવે ઓવરબ્રિજની કામગીરી પણ ઝડપી બનવાની શક્યતા

બીલીમોરા દેસરા જનતાઘર ફાટક નં.107 ઉપર ચાલતા ઓવરબ્રિજના કામમાં નડતરરૂપ સોસાયટીની કમ્પાઉન્ડ દિવાલ અને વૃક્ષોનું શનિવારે બપોરે પોલીસ પ્રોટેક્શન સાથે ડિમોલીશન કરવામાં આવ્યું હતું. ડિમોલીશન કરાતા હવે ઓવરબ્રિજના કામમાં થોડી ઝડપ આવશે.

બીલીમોરા રેલ્વે સ્ટેશન દેસરા શામળા ફળિયાથી વાઘરેચ તરફ જતા માર્ગ પર હાલ 40 કરોડના ખર્ચે 1030 મીટરની લંબાઈ અને 8 મીટરની પહોળાઈ ધરાવતા રેલવે ઓવરબ્રિજનું નિર્માણ થઈ રહ્યું છે. જેમાં જમનાનગર કો. ઓપરેટિવ સોસાયટી પાછળના ભાગે માર્જિનમાં આવતી અંદાજીત 100 મીટર જેટલી કમ્પાઉન્ડ વોલ અને વૃક્ષ નડતરરૂપરૂપ હોય જેના કારણે બ્રિજના નિર્માણ કાર્યમાં થોડી મુશ્કેલી આવી રહી હતી. આ નડતરરૂપ કમ્પાઉન્ડ દિવાલનું શનિવારે સાંજે પોલીસ બંદોબસ્ત સાથે ડિમોલીશન હાથ ધરાયું હતું તેમજ સામેની બાજુએ નડતરરૂપ આંબા-ચીકુ કલમ અને વૃક્ષ પણ દૂર કરાયા હતા. ઓવરબ્રિજ કામગીરી આડેના અંતરાયો દૂર થતાં પિલર અને એપ્રોચ કામગીરી વેગવંતી બનશે.

આ કામગીરી વહેલી થતા ચોમાસા અગાઉ આ દેસરા ઓવરબ્રિજ લોકો માટે ખુલ્લો મુકાવાની સંભાવના વર્તાઈ રહી છે. ડિમોલીશનની કામગીરી વેળા બીલીમોરા પાલિકા પ્રમુખ વિપુલા મિસ્ત્રી, ઇન્ચાર્જ સી.ઓ. નીલકંઠ અણધણ, સીટી ઈજનેર સંકેત પટેલ, કાર્યપાલક ઈજનેર આર એન્ડ બી (નવસારી) જે.એ. પટેલ, બીલીમોરા પીએસઆઇ કૌશલ વસાવા ચૂસ્ત પોલીસ બંદોબસ્ત સાથે સ્થળ ઉપર હાજર રહ્યાં હતા. ડિમોલીશન શાંતિપૂર્ણ રહેતા તંત્રએ રાહતનો શ્વાસ લીધો હતો. બીલીમોરા ચિમોડિયા નાકા ઓવરબ્રિજની કામગીરી દરમિયાન સ્થાનિકો ભારે તકલીફનો સામનો કરી રહ્યા છે ત્યારે ચિમોડિયા નાકા ઓવરબ્રિજની કામગીરી પણ વહેલી તકે પાર પડે તો સ્થાનિક લોકોને મુશ્કેલીમાંથી રાહત મળે એવી લોકલાગણી પ્રવર્તી રહી છે. આ કામગીરી પણ ઝડપથી કરવામાં આવે તો મોટી રાહત થવાની શક્યતા છે.

અન્ય સમાચારો પણ છે...