અતૂટ શ્રદ્ધા:બીલીમોરામાં 1935થી બિરાજતા દાદુ માસ્તરના શ્રીજી

બીલીમોરા20 દિવસ પહેલા
  • કૉપી લિંક
બીલીમોરામાં આવેલા દાદુ માસ્તરના શ્રીજી. - Divya Bhaskar
બીલીમોરામાં આવેલા દાદુ માસ્તરના શ્રીજી.
  • શ્રી ગણેશની સ્થાપના બાદ 10 દિવસ મરાઠી ઢબમાં 10 આરતી મુખ્ય આકર્ષણ

બીલીમોરા પશ્ચિમમાં વખારીયા બંદર રોડ પર દાદુ માસ્તર ના ગણપતિ તરીકે ઓળખાતા શ્રીજીનું 1935થી સ્થાપન કરવામાં આવે છે. લોકોની આસ્થા ફળીભૂત કરનારા ગણપતિ બાપ્પા પ્રત્યે લોકોની અતૂટ શ્રદ્ધા છે. વખારીયા બંદર રોડ પર મરાઠી શાળા પાસે ગણેશોત્સવમાં 10 દિવસ બિરાજતા ગણપતિ બાપ્પા બીલીમોરાના પ્રથમ અને માનતાના ગણપતિ તરીકે ઓળખાય છે. જ્યાં રોજ સાંજે મરાઠીમાં 10 આરતીઓ ગાઈ શ્રીજીની ભક્તિભાવપૂર્વક પૂજાઅર્ચન કરાય છે. કોરોના બાદ બે વર્ષ બાદ બાપ્પાનો તહેવાર ધામધૂમથી ઉજવાઈ રહ્યો છે. બીલીમોરા પશ્ચિમમાં વખારીયા બંદર રોડ, મરાઠી શાળા પાસે 1935થી ગણપતિ બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે.

બીલીમોરાના પ્રથમ ગણપતિ મહોત્સવની શરૂઆત આ ગણપતિની સ્થાપના સાથે શરૂ થઈ હતી. બીલીમોરાના દાદુ માસ્તર તરીકે ઓળખાતા આ ગણપતિ બાપ્પાનું સ્થાપન દાદુ માસ્તર તરીકે ઓળખાતા મરાઠી અગ્રણીએ ગણપતિ બાપ્પાની સ્થાપના કરી હતી જે બીલીમોરાના પ્રથમ ગણપતિ તરીકેનું સ્થાન લોકોના હૃદયમાં સ્થાન ધરાવે છે. લોકોને દાદુ માસ્તરના ગણપતિમાં અતૂટ શ્રદ્ધા છે. આ ગણપતિ બાપ્પા પાસે આવતા લોકોની માનતા ફળીભૂત થાય છે, જે લોકોએ અનુભવ્યું છે. બીલીમોરા સાર્વજનિક ગણેશ ઉત્સવ સમિતિ મંડળ દ્વારા મંડપમાં 10 દિવસ વિધિવિધાન સાથે બાપ્પાનું સ્થાપન કરવામાં આવે છે.

દાદુ માસ્તરના ગણપતિ તરીકે ઓળખાતા આ ગણેશ મંડળમાં રોજના ષોડષોપચારે ગણપતિનું પૂજન કરવાં આવે છે અને ગણેશોત્સવના 10 દિવસ મરાઠીમાં 10 આરતીઓ મરાઠી ઢબમાં પરંપરાગત રીતે સામસામે લાઈનમાં લોકો આરતી ગાવા ઉભા રહે છે અને લયબદ્ધ આરતી ગાવામાં આવે છે. જે લોકોમાં એક અનોખું આકર્ષણ જમાવે છે.

શ્રદ્ધાળુઓ આ આરતીનો લાભ લેવા અચૂક પધારતા હોય છે. રોજ એક કલાક સુધી ચાલતી આ આરતી ધ્યાનાકર્ષક રહે છે. આરતી પૂર્ણ થયા બાદ યુવકો લેઝીમના તાલે દાવ રમે છે, જે નિહાળવા પણ લોકોની ભીડ જામે છે. સમગ્ર ઉત્સવ દરમિયાન મંડળમાં રોજ ભજન-ડાયરાની રમઝટ પણ જામતી હોય છે. મરાઠી પરંપરા મુજબ ગૌરીની સ્થાપના પણ કરવામાં આવે છે.

લેઝીમ રમતા બાપ્પાની શોભાયાત્રા નીકળે છે
10 દિવસ ચાલતા આ આસ્થાના પર્વ સમા આ ગણેશોત્સવ બાદ અનંત ચૌદશના દિને બાપ્પાની શણગારેલા રથમાં શોભાયાત્રા કાઢવામાં આવે છે અને વાજતે ગાજતે લેઝીમ ગાતા નાચતાં ઝૂમતા શાંતિપૂર્ણ માહોલમાં બાપ્પાની અશ્રુભીની વિસર્જન વિદાય કરવામાં આવે છે. બાપ્પાની વિસર્જન યાત્રામાં કોઈ પણ પ્રકારના શોરબકોર કે ડીજે વગાડવામાં આવતું નથી. માત્ર પરંપરાગત લેઝીમ ઢોલ સાથે લેઝીમ રમતા બાપ્પાની શોભાયાત્રા કાઢવામાં આવે છે. જેમાં મોટી સંખ્યામાં નગરજનો ઉમટી પડે છે.

અન્ય સમાચારો પણ છે...