તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

વિરોધનો વંટોળ:દેસરામાં ઓવરબ્રિજની માપણી અટકાવવા ટોળા ઉમટ્યાં

બીલીમોરાએક વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરામાં હજુ એક ઓવરબ્રિજના ઠેકાણાં નથી ત્યારે દેસરા ફાટક નંબર 107 ઉપર વાય આકારમાં ઓવરબ્રિજ માપણીમાં વિઘ્ન

દેસરામાં બનનાર વાય આકારના રેલવે ઓવરબ્રિજમાં શામલા ફળિયામાં ઉતરતા એક એપ્રોચ સામે સ્થાનિકો વિરોધ નોંધાવી રહ્યા છે. 80 જેટલા ઘર આ ઓવરબ્રિજના કારણે મુશ્કેલીમાં આવતા હોય ગુરૂવારે પાલિકા દ્વારા ડીઆઈએલઆરની માપણીનો લોકોએ વિરોધ કર્યો હતો. પાલિકા દ્વારા લેખિતમાં ખાતરી આપવામાં આવે કે ઘરોને કોઈ નુકસાન નહીં પહોંચે તો જ માપણી કરવા દેવાશે એમ જણાવ્યું હતું.

સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજનો આ તરફના માર્ગ સામે વિરોધ નોંધાવ્યો છે
બીલીમોરામાં હજુ એક ઓવરબ્રિજના ઠેકાણાં નથી ત્યારે બીજા ઓવરબ્રિજની જમીન સંપાદનની કામગીરીમાં જ લોકોનો વિરોધ થઈ રહ્યો છે. દેસરા ફાટક નંબર 107 ઉપર વાય આકારમાં ઓવરબ્રિજ બનવાનો છે. જેમાં સોમનાથ રોડ ઉપર આવેલી બીલીમોરા નગરપાલિકા તરફથી ઓવરબ્રિજ દેસરા-વાઘરેચ રોડ તરફ ઉતરે છે. જેમાં તેનો એક માર્ગ દેસરાથી વાઘરેચ તરફ ઉતરે છે. જ્યારે બીજો માર્ગ નગરપાલિકા દ્વારા દેસરા શામલા ફળિયા તરફ ઉતારવામાં આવ્યો છે. વાઘરેચ તરફ ઉતરતો માર્ગ પર સીધો માર્ગ અને ખાનગી ખુલ્લી જગ્યા પરથી પસાર થતો હોય ખાનગી જગ્યા સંપાદિત થતી હોય તે સામે કોઈએ વિરોધ નોંધાવ્યો ન હતો. જયારે બીજો શામલા ફળિયા તરફ ઉતરતો ઓવરબ્રિજનો એપ્રોચમાં લોકોના ઘર આવતા હોય શામલા ફળિયાના સ્થાનિકો દ્વારા ઓવરબ્રિજનો આ તરફના માર્ગ સામે વિરોધ નોંધાવ્યો છે.

પાલિકા પાસે બીજો વિકલ્પ હોવા છતાં અહીંથી જ આ એપ્રોચ કેમ?
પાલિકા દ્વારા ગુરૂવારે નગરપાલિકાના અધિકારી અને ડીઆઈએલઆર દ્વારા પોલીસ વ્યવસ્થા સાથે માપણી હાથ ધરવામાં આવી હતી, જે માપણીનો સ્થાનિકોએ વિરોધ કર્યો હતો. સ્થાનિકોના જણાવ્યાનુસાર ઓવરબ્રિજનો જે માર્ગ વાઘરેચ માર્ગે ઉતરે છે ત્યાં તેમની જમીનો હોય ત્યાં તેમનો કોઈ વિરોધ નથી પરંતુ આ શામલા ફળિયામાં આ રોડ ઉતારવામાં આવી રહ્યો છે તે માર્ગ પર તેઓ વર્ષોથી રહેતા આવ્યા છે. ઓવરબ્રિજમાં 80 જેટલા ઘર સંપાદનમાં આવતા હોય લોકોનો વિરોધ છે. સ્થાનિકોએ આ બાબતે અગાઉ જિલ્લા કલેકટરને લેખિત વિરોધ દર્શાવ્યો હતો. સ્થાનિકોના જણાવ્યાનુસાર લોકો દેસરા મુખ્ય માર્ગ છોડીને તેમના આ મહોલ્લામાંથી કેમ ઓવરબ્રિજનો એપ્રોચ અપાઈ રહ્યો છે, પાલિકા પાસે બીજો વિકલ્પ હોવા છતાં અહીંથી જ આ એપ્રોચ કેમ ઉતારવામાં આવી રહ્યો છે.

દેસરા ઓવરબ્રિજની કામગીરીમાં શરૂઆતથી જ વિરોધ નોંધાઇ રહ્યો છે
અગાઉ પણ ડીઆઇએલઆર દ્વારા માપણી કરવામાં આવી જ હતી તેનો પણ વિરોધ નોંધાવી ચુક્યા છે, તેમ છતાં વારંવાર આ માપણી કરવામાં આવી તેમને પરેશાન કરવામાં આવી રહ્યાના આક્ષેપ પણ સ્થાનિકોએ લગાડ્યા છે. ગુરૂવારે પાલિકા ચીફ ઓફિસર, ટાઉન પ્લાનિંગ અધિકારી, સિટી ઈજનેર, પોલીસ કર્મીઓ અને ડીઆઈએલઆરના અધિકારી માપણી અર્થે આવ્યા હતા, જેનો સ્થાનિકોએ વિરોધ કરી માપણી કરવા દીધી ન હતી. હજુ રેલવે ફાટક 109 ઉપર બની રહેલા ઓવરબ્રિજના કોઈ ઠેકાણાં નથી ત્યારે આ દેસરા ઓવરબ્રિજની કામગીરીમાં શરૂઆતથી જ વિરોધ નોંધાઇ રહ્યો છે.

અધિકારીઓનું માર્ગદર્શન મેળવી કાર્યવાહી કરાશે
અધિકારીઓના આદેશ અનુસાર ગુરૂવારે દેસરા ઓવરબ્રિજની જમીન સંપાદન અંગે નગરપાલિકા અને ડીઆઈએલઆર દ્વારા માપણી હાથ ધરવામાં આવી હતી. જેનો સ્થાનિકો દ્વારા વિરોધ કરવામાં આવ્યો હતો. આ અંગે માપણી કરી તેનો રિપોર્ટ કરી અધિકારીઓનું માર્ગદર્શન મેળવી આગળની કાર્યવાહી કરવામાં આવશે. > વી.કે.ડામોર, ચીફ ઓફિસર, બીલીમોરા પાલિકા

અન્ય સમાચારો પણ છે...