ર્દુઘટના:તલોધ ગામમાં ઘરની છતનું રિપેરીંગ કરતી વેળા જીવંત વીજતાર અડી જતા દંપતીનું કરંટથી મોત

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
તલોધ ઘટનાસ્થળ - Divya Bhaskar
તલોધ ઘટનાસ્થળ
  • ચોમાસામાં ઘરમાં પાણી ન ગળે તે માટે છતની એન્ગલ બેસાડી રહ્યા હતા ને ર્દુઘટના ઘટી
  • 3 બાળકોના માથેથી માતાપિતાની છત છીનવાઇ, સરપંચ-ઉપસરપંચે સરકારી આર્થિક સહાય માટે બાહેધરી આપી

બીલીમોરા નજીકના તલોધ ગામે પતિ-પત્ની મોન્સૂન પહેલાં ઘરની છતનું રિપેરીંગનું કામ કરતા વેળા લોખંડની એંગલ નાંખતા હતા. એ સમયે કપાયેલો જીવંત વીજવાયર આ એંગલને અડી જતા તેનો જોરદાર કરંટ લાગતા પતિ પત્નીના મોત નિપજ્યાં હતા. આ બનાવને પગલે ત્રણ સંતાનના માથેથી માતા પિતાનું છત છીનવાયું છે. આ ઘટનાએ પગલે સમગ્ર પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી છે. બનાવની જાણ પોલીસને કરવામાં આવી હતી.

બીલીમોરા નજીકના તલોધ ગામે દેવીપૂજકવાસમાં રહેતા દિલીપભાઈ ભગવાનભાઈ ભીડભીડીયા (ઉ.વ. 39) અને સંગીતાબેન દિલીપભાઈ ભીડભીડીયા (ઉ.વ. 39) ચોમાસું નજીક હોય ઘરના છતની એંગલનું કામ કરી રહ્યાં હતા. બપોરે 12 વાગ્યાના અરસામાં ઘરમાં લાકડા કાઢીને લોખંડની એંગલ બેસાડવાનું કામ હાથ ધર્યું હતું. તેઓ ડ્રિલિંગ કરી બાથરૂમ પાસે એંગલ નાંખી રહ્યાં હતા ત્યારે આ કામ કરતી વખતે કોઈ જીવંત વીજતાર છૂટો પડ્યો હોવાથી અજાણ પતિ-પત્ની બાથરૂમ પાસે કામ કરતા હતા. તેઓ એંગલ નાંખતા હોય બાથરૂમ તરફથી સંગીતાબેને અને બહારની તરફથી દિલીપભાઈએ એંગલ પકડી હતી. તેઓ એંગલ બેસાડી રહ્યાં હતા. તે દરમિયાન ત્યાં નજીક છૂટો પડેલો કપાયેલો જીવંત વીજતાર સંગીતાબેન અને દિલીપભાઈ જે એંગલ નાંખી રહ્યાં હતા તેને અડી ગયો હતો.

જીવંત વીજતાર લોખંડને અડતા જ એંગલમાં કરંટ પસાર થયો હતો. વધુમાં સંગીતાબેન બાથરૂમ તરફથી એંગલ પકડી હોય ત્યાં નીચે ભીનું હતું. એંગલને જીવંત વીજતાર અડતા જ પતિ-પત્ની એંગલ સાથે જ ચોંટી ગયા હતા. તેમને પળવાર વિચારવાનો સમય પણ મળ્યો ન હતો. આ ઘટના સમયે દિલીપભાઈનો ભાઈ નજીકમાં હાજર હોય તેણે તુરંત વીજતારને એંગલના સંપર્કથી છૂટો કર્યો હતો. જેથી પતિ-પત્ની એંગલથી છૂટા પડયા હતા. કરંટથી ઘાયલ દિલીપભાઈ અને સંગીતાબેનને રિક્ષામાં મેંગુષી હોસ્પિટલમાં સારવાર અર્થે લઈ જવાયા હતા. જ્યાં ફરજ પરના ડો. આશિષભાઈ અનાજવાળાએ તેમની તપાસ કરી મૃત જાહેર કર્યા હતા.

ડોક્ટરે આ ઘટનાની જાણ પોલીસને કરી હતી. ઘટનાની જાણ થતાં તલોધ ગામના સરપંચ ગુલાબભાઈ પટેલ અને વિપુલભાઈ પટેલ તુરંત ઘટના સ્થળે પહોંચ્યા હતાં. આ બનાવમાં મૃતક પરિવારના બાળકોને જે કોઈ આર્થિક સહાય કે અન્ય કોઈ લાભો મળવાપાત્ર હોય તે માટે સરપંચ અને ઉપસરપંચે તજવીજ હાથ ધરી હતી. હાલ મૃતક દિલીપભાઈ બાળકો તેમના ભાઈ સાથે છે. પોલીસે આ ઘટનાની નોંધ લઈ આગળની કાર્યવાહી હાથ ધરી છે. જોકે, પરિવારજનોએ પોલીસ ફરિયાદ આપવાની ના પાડતા ફરિયાદ નોંધાઇ ન હતી.

બાળકો હવે તેમના કાકાના ભરોસે
આ ઘટનામાં મૃતક દિલીપભાઈ અને સંગીતાબેન તેમની પાછળ 3 બાળકને વલોપાત કરતાં મુકી ગયા છે. આ ઘટનાને પગકે તલોધ પંથકમાં ઘેરા શોકની લાગણી પ્રસરી હતી. મૃતક દંપતી કાપડ, ધાબળાની ફેરી ફરી પોતાની આજીવિકા કમાઈ પોતાના પરિવારનું ભરણપોષણ કરી રહ્યો હતો. આ બનાવ બાદ ત્રણે બાળકોના માથેથી માતા પિતાનું છત છીનવાયું છે. 14 અને 10 વર્ષના બે પુત્ર અને 12 વર્ષની પુત્રી હવે તેમના કાકાના ભરોસો છે.

અન્ય સમાચારો પણ છે...