વિવાદ:આઉટસોર્સિંગના કોન્ટ્રાકટરે કર્મીઓના EPFના નાણાં જમા નહીં કરાવતા વિવાદ

બીલીમોરા2 વર્ષ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા પાલિકા સભ્યનો કોન્ટ્રાકટર સામે કરાયેલો આક્ષેપ

બીલીમોરા નગરપાલિકા સભ્ય મલંગ કોલિયાએ ચીફ ઓફિસરને એક પત્ર લખી નગરપાલિકાના આઉટસોર્સિંગ કોન્ટ્રાકટર દ્વારા કર્મચારીઓના ઇપીએફના નાણાં જમા નહીં કરાવ્યા હોવાનું જણાવી આ બાબતે તપાસ કરી કોન્ટ્રાકટર સામે કાર્યવાહી કરી કર્મચારીઓને ન્યાય આપવાની માંગણી કરી છે.બીલીમોરા પાલિકામાં અલગ-અલગ વિભાગોમાં કર્મચારીઓની આઉટસોર્સિંગથી ભરતી કરવામાં આવી છે. જે અંગેનો કોન્ટ્રાકટ સાંઈનાથ સેનેટરી સહકારી મંડળીને આપવામાં આવ્યો છે. પાલિકામાં આઉટસોર્સિંગ દ્વારા જાહેર આરોગ્ય, ફાયર, વહીવટી વિભાગમાં કોન્ટ્રાકટ પ્રમાણે કર્મચારી રાખેલા છે.

કોન્ટ્રાકટની મુદત 30મી નવેમ્બરે પુરી થાય છે. આ અંગે બીલીમોરા નગરપાલિકાના વિપક્ષી સભ્ય મલંગભાઈ કોલીયાએ બીલીમોરા નગરપાલિકા ચીફ ઓફિસરને એક પત્ર પાઠવી જણાવ્યું છે કે, ઉપરોક્ત કોન્ટ્રાકટર દ્વારા અમુક કર્મચારીઓનું ઇપીએફની રકમ પણ થોડા મહિનાની જમા કરાવેલી નથી તેમજ એના કર્મચારીને પગાર સ્લીપ પણ અપાતી નથી. આ કોન્ટ્રાકટર દ્વારા કરારનો ભંગ કરવા છતાં ઇપીએફની રકમ અમુક કર્મચારીઓની જમા ન કરાવવા છતાં પણ પાલિકા દ્વારા ચુકવણું કરાયું છે. આમ પાલિકાની કયા કર્મચારીની સંડોવણી છે જેની તપાસ થવી જોઇએ એવા આક્ષેપો તેમણે તેમના પત્રમાં કર્યા છે. કોન્ટ્રક્ટ પુરો થવાનો હોય તેમ છતાં પાલિકા દ્વારા કોઈ આયોજન ન કરી, કોન્ટ્રાકટરને ફાયદો કરાવવા કારોબારી દ્વારા કોઇ નિર્ણય લેવાયો ન હોવાનું જણાવ્યું છે.

આ કોન્ટ્રાક્ટમાં ફાયર, સેનેટરી જેવાં મહત્ત્વના ખાતામાં કર્મચારીઓ કામ કરે છે. જેથી જાહેર જનતાને પણ તકલીફ પડી શકે છે. ચીફ ઓફિસરે તાત્કાલિક આ અંગે કોઈ નિર્ણય કરે તે જરૂરી હોવાનું જણાવ્યું છે. કર્મચારીઓને બાકી નીકળતાં લેણાં હોય તે કોન્ટ્રાકટર પાસે વસૂલ કરી કર્મચારીઓને ચૂકવાય તેવી પણ માંગણી તેમણે કરી છે. આમાં જો કોઇ ભ્રષ્ટાચાર થયો હોય તો તેની તપાસ થઇ બીલ કેવી રીતે મંજૂર થયા તે બાબતે તપાસ કરી યોગ્ય પગલાં લઇ બીલીમોરાની જનતાને કોઇ જાહેર સેવાથી વંચિત ન રહે તે અંગે કાળજી લેવા જણાવ્યું છે. વધુમાં મલંગભાઈએ જણાવ્યું હતું હતું કે કોરોના કાળ દરમિયાન પણ આ કોન્ટ્રાક્ટરે તેના કર્મચારીઓને કોઈ પ્રકારની સેફટીના સાધનો પણ આપ્યા ન હતા. આ બાબતે ચીફ ઓફિસરે તેમના પત્ર આધારે આ કોન્ટ્રાકટરને આ બાબતે ખુલાસો કરવા અંગે જણાવ્યા હોવાનું મલંગભાઈએ જણાવ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...