બીલીમોરામાં રેલવે ઓવરબ્રિજનું લોકાર્પણ અને વાઘરેચ ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત કરવા આગામી 15મીએ મુખ્યમંત્રી બીલીમોરા આવી રહ્યા છે. જે માટે પાલિકાએ છપાવેલી આમંત્રણ પત્રિકામાં અમુક ચેરમેન અને સમિતિઓના સભ્યોનાં નામો નહીં છપાતાં વિવાદ થયો હતો. પાલિકાએ નવી આમંત્રણપત્રિકા છપાવી વિવાદ શાંત કર્યો હતો.
બીલીમોરામાં છેલ્લા 4 વર્ષ કરતા વધુ સમયથી ચાલતા બીલીમોરાની જનતાની સૌથી મોટી સુખાકારી એવા રેલવે ઓવરબ્રિજ કે જેને લીધે વર્ષોથી લોકો પરેશાની ભોગવતા હતા. જે બન્યા બાદ હવે લોકોને પૂર્વ-પશ્ચિમ આવવા જવા માટે અગવડતા રહે નહીં. જે ઓવરબ્રિજનું 15મીએ લોકાર્પણ કરવા મુખ્યમંત્રી પધારી રહ્યા છે. 55.17 કરોડના ખર્ચે બનેલા ઓવરબ્રિજનું લોકાર્પણ અને સાથે 250 કરોડના ખર્ચે બનનાર વાઘરેચ ટાઈડલ ડેમનું ખાતમુહૂર્ત પણ તેઓના હસ્તે થનાર છે.
જેના આમંત્રણ માટે નગરપાલિકાએ છપાયેલી આમંત્રણપત્રિકામાં પ્રમુખ, ઉપપ્રમુખ, કારોબારી અધ્યક્ષ અને શાસક પક્ષના નેતાના નામો લખવામાં આવ્યા હતા. તેઓ સાથે શહેર ભાજપ પ્રમુખ અને બે મહામંત્રીના નામો છપાયા હતા. જે સિવાયના શાસક પક્ષના અન્ય સમિતિના ચેરમેન અને સભ્યોમાં તેમના નામો નહીં છપાતા ભારે નારાજગી સાથે રોષ વ્યાપી ગયો હતો. ખુદ ચીફ ઓફિસરનું પણ નામ છપાયું ન હતું અને શહેર સંગઠનના નામો છાપ્યા હતા જેથી વિવાદ છેડાયો હતો.
વિરોધ વધતા પાલિકા દ્વારા આ ઘટનામાં વિવાદ શાંત પાડવા માટે નવી આમંત્રણ પત્રિકા છપાવવાની ફરજ પડી હોવાનું ચર્ચાયું હતું. જેમાં બધાને સમાવી લઇ સોશિયલ મીડિયાના માધ્યમથી નવી પત્રિકા મોકલવામાં આવી હતી અને મામલો થાળે પાડયો હતો. બીલીમોરા વિસ્તારમાં મુખ્યમંત્રી પધારવાના હોય ત્યારે જ આમંત્રણ પત્રિકામાં મામા-માસીનું થતું હોય ત્યારે ભાજપમાં આંતરિક કલહ બહાર આવીને ઉભો થયો હોવાની ચર્ચા ભાજપના કાર્યકરોમાં થવા લાગી છે. મુખ્યમંત્રી આવશે ત્યારે પણ વિવાદ થશે એમ પાલિકાના જ સભ્યો જણાવી રહ્યાં છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.