કાર્યવાહી:બીલીમોરા પંથકમાં સગા બનેવીએ સાળી સાથે દુષ્કર્મ આચર્યાની ફરિયાદ

બીલીમોરા6 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • સગીરાએ માતાને જાણ કરતા પ્રકરણ બહાર આવ્યું

બીલીમોરા નજીક આવેલા એક ગામમાં બનેવીએ જ તેની 17 વર્ષની સાળીને અવારનવાર ધમકી આપી તેની મરજી વિરુદ્ધ જબરજસ્તી શારીરિક શોષણ કરતા કંટાળેલી કિશોરીએ માતાને આપવીતી જણાવતા માતાએ જમાઈ વિરુદ્ધ બીલીમોરા પોલીસમાં ફરિયાદ આપતા પોલીસે જમાઈ સામે બળાત્કાર અને પોકસો હેઠળ ગુન્હો નોંધી તેની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી.

બનેવીએ જીજા-સાળીના સંબંધો લજાવ્યાની એક ઘટના સામે આવી છે. જેમાં બીલીમોરા પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો અનુસાર બીલીમોરા નજીકના ગામમાં રહેતી 17 વર્ષ અને 2 મહિનાની સગીરાને તેનો બનેવી મરજી વિરુદ્ધ છેલ્લા લાંબા સમયથી બળજબરી પૂર્વક તેની સાથે શરીર સંબંધ બાધતો હતો. લાંબા સમયથી સગીરાનું યૌન શોષણ કરતા સગીરા તેના બનેવીના આવા વર્તનથી પરેશાન હતી. જેથી તેની માતાને હકીકત જણાવતાં માતાના પગ તળેથી જમીન સરકી ગઈ હતી. પીડિત સગીરાએ પોતાની માતાને જણાવ્યું હતું કે, પ્રથમ વખત તેણી એક વર્ષ પહેલાં તેના બનેવીના રહેવા ગઈ હતી.

મોટી બહેન કામ માટે બહાર ગઈ હોય ઘરમાં તે અને તેના બનેવી એકલા જ હતા. તે સમયે તેના બનેવીએ તેને ધમકી આપી તેની સાથે બળજબરી પુર્વક શારીરિક સંબંધ બાંધ્યો હતો. દુષ્કર્મ બાદ કોઈને આ બાબતે કઈ નહિ કહેવા ધમકી આપેલી હતી. બીજી વખત બનેવી તેણીને તેની મોટરસાયકલ ઉપર નવસારી ફરવા લઇ ગયો હતો. ત્યાંથી પરત ફરતી વખતે રસ્તામાં કોઈ સુમસામ જગ્યાએ બનેવીએ ફરીવાર તેણી સાથે ધાક ધમકીથી જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો.

તે બાદ ત્રીજી વાર પણ ધાક ધમકી આપી તેની મોટરસાયકલ ઉપર બેસાડી ચીખલી નજીકના એક ગામના બંધ બંગલામાં જબરજસ્તી શારીરિક સંબંધ બાંધ્યો હતો. બનેવીના આવા ત્રાસથી કંટાળી તેને તેની માતાને સંપુર્ણ હકીકત જણાવી હતી. બનેવી-સાળીના સંબંધો લજવનાર જમાઈ સામે પીડિતાની માતાએ બીલીમોરા પોલીસમાં બળાત્કાર અને પોકસો હેઠળ ફરિયાદ નોંધાવતા બીલીમોરા પોલીસે નરાધમને પકડી તેને જેલમાં ધકેલી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...