બીલીમોરા નગરપાલિકા અને પોલીસે એક માસ અગાઉ ખાડા માર્કેટ ભેરૂનાથ કોમ્પ્લેક્સ અને ઓવરબ્રિજ પાસેથી ટ્રાફિકને અડચણરૂપ લારીઓ અને અનધિકૃત દબાણોને હટાવવાની કામગીરી હાથ ધરી હતી. રસ્તો ખુલ્લો કરાવતા રાહદારી અને વાહનચાલકોને રાહત પહોંચી હતી પરંતુ એક માસ પછી પરિસ્થિતિ જૈસે થે થઈ ગઈ છે. હાલ લારીઓનો પાછો જમાવડો થઈ ગયો છે, જેના કારણે ટ્રાફિક સમસ્યાનો સામનો લોકો-વાહનચાલકોએ કરવો પડી રહ્યો છે. પોલીસના ટ્રાફિક જવાનો પણ ઘણીવાર મૂકપ્રેક્ષક બનતા હોય છે.
દુકાનોનો સામાન પણ રસ્તા સુધી ગોઠવી દેવાતા વાહનચાલકોની હાડમારી વધી ગઈ છે. ખાડા માર્કેટ હોવાથી લોકોની વધુ અવરજવરના કારણે આ માર્ગ પર હંમેશા ટ્રાફિક અડચણરૂપ બને છે. એક માર્ગ અંડરપાસમાંથી બહાર આવે છે, બીજો માર્ગ ઓવરબ્રિજ તરફ જાય છે. જ્યાં લારીઓની જમાવટ ટ્રાફિક પ્રભાવિત કરે છે. જોકે હાલ નગરપાલિકામાં વહીવટદાર તરીકે ચીખલી પ્રાંત અધિકારી વહીવટ સાંભળી રહ્યા છે અને પાલિકા સ્ટાફ વેરા વસૂલાત કરી રહ્યો છે ત્યારે ફરી પાછા અનધિકૃત દબાણો અને લારીગલ્લાનું દૂષણ પાલિકા દ્વારા દૂર કરવામાં આવે તો આ વિસ્તારની ટ્રાફિક સમસ્યા થોડી હળવી બને એવી લોકલાગણી પ્રવર્તી છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.