અકસ્માત:બીલીમોરા-ગણદેવી માર્ગ પર મોપેડ ટક્કરે બાઇક ચાલકનું મોત

બીલીમોરા6 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • વલોટી શનિદેવ મંદિરે ગયેલ દંપતીની બાઇકને અકસ્માત નડ્યો

બીલીમોરા શાંતિનગર ટાઉનશીપમાં રહેતા નટવરભાઈ રામભાઈ પટેલ (ઉ.વ. 65) ઉકાઈ થર્મલ પાવર સ્ટેશનમાંથી નિવૃત્ત થઈ નિવૃત જીવન જીવી રહ્યા હતા. બુધવારે અમાસ હોવાથી તેઓ વલોટી શનિદેવ મંદિરે દર્શન કરવા તેમની બાઇક (નં. જીજે-07-બીજે-9066) પર તેમની પત્ની સવિતાબેન સાથે બપોરે 2.30 વાગ્યાના અરસામાં નીકળ્યા હતા. તેઓ બીલીમોરા-ગણદેવી માર્ગ પર આવેલ દત્ત પેટ્રોલ પંપ સામેથી પસાર થઈ રહ્યાં હતા ત્યારે તેમની સામેની તરફથી પૂરપાટ ઝડપે આવી રહેલી મેસ્ટ્રો મોપેડ પર સવાર યુવતીએ તેમની બાઇકને ટક્કર મારી હતી.

જેને પગલે નટવરભાઈ અને સવિતાબેન રોડ ફંગોળાઈ નીચે પડી ગયા હતા. નટવરભાઇને માથાના ભાગે ગંભીર ઇજા પહોંચતા તુરંત બીલીમોરા ખાનગી હોસ્પિટલમાં લઈ જવાયા હતા. જ્યાં હોસ્પિટલના ડોક્ટરે તેમને મૃત જાહેર કર્યા હતા. મૃતકના પત્ની સવિતાબેને બનાવની જાણ તેમના પુત્રને કરતા તેમના પરિવાર જનો તેમજ સોસાયટીના લોકો હોસ્પિટલમાં પહોંચ્યા હતા.

આ ઘટનામાં નટવરભાઈ પત્ની સવિતાબેનને પણ હાથના ભાગે ગંભીર ઇજા પહોંચતા સારવાર અર્થે હોસ્પિટલમાં દાખલ કરાયા છે. મૃતક નટવરભાઈના પરિવારમાં તેમના પત્ની અને બે સંતાનો સાથે રહેતા હતા. ઘટનાની જાણ તેમના પુત્રએ બીલીમોરા પોલીસમાં કરતા બીલીમોરા પીઆઇ ટી.એ.ગઢવી તપાસ કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...