તમારા શહેરના લેટેસ્ટ સમાચાર અને ફ્રી ઈ-પેપર મેળવો

ડાઉનલોડ કરો

મુશ્કેલીનો અંત:બીલીમોરા નજીક ભાઠાના ઘોલ ફળિયામાં રહેતા 1600 લોકોને ચોમાસામાં મોટી રાહત

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • બીગરી-ધોલાઈમાં 66 કેવી વીજ સબસ્ટેશનનું ખાતમુહૂર્ત પણ સાંસદ પાટીલના હસ્તે કરવામાં આવ્યું

બીલીમોરા-અમલસાડ વચ્ચે ભાઠા ગામે આવેલા ઘોલ ગામે રૂ.4.37 કરોડના ખર્ચે નવ નિર્મિત સબમર્શિબલ પુલનું લોકાર્પણ કરાયું હતું. પરિણામે ભાઠા ઘોલ ફળિયાના 1600 જેટલા લોકોને ચોમાસે વર્ષો જૂની પૂર સમસ્યામાંથી છૂટકારો મળશે. આ ઉપરાંત ગણદેવી તાલુકાનાં ધોલાઈ ગામે 4900 ચો. મીટર જમીન ઉપર નિર્માણ પામનાર ગુજરાત એનર્જી ટ્રાન્સમિશન કંપની (જેટકો) દ્વારા રૂ.6.82 કરોડનાં ખર્ચે 66 કેવી સબસ્ટેશનનું ખાતમુહૂર્ત શનિવારે સાંસદનાં હસ્તે કરાયું હતું. સબ સ્ટેશનના કારણે કાંઠા વિસ્તારનાં 9 ગામનાં 5900 ગ્રાહકોને પૂરતા વીજભાર સાથે વીજપુરવઠો મળશે.

બીલીમોરા-અમલસાડ મુખ્યમાર્ગ પર આવેલા ભાઠા ગામના ઘોલ ફળિયાનાં 325 ઘરમાં 1600 લોકો વસવાટ કરે છે. દર ચોમાસે અંબિકા નદી કાંઠે ઘોલ જતા માર્ગ પર ડૂબાઉ કોઝવે દિવસો સુધી પાણીમાં ગરક રહે છે. જેને પગલે ઘોલ ફળિયુ સંપર્કવિહોણું બને છે. વર્ષો જૂની સમસ્યાથી છૂટકારો અપાવવા ઘોલવાસીઓએ કેટલીયવાર રાજકીય આગેવાનો સહિત ઉચ્ચ કક્ષાએ રજૂઆત કરી હતી.

બાદમાં મોડે મોડે ધારાસભ્ય નરેશ પટેલે સરકારમાં રજૂઆત કરતા પુલ મંજૂર થયો હતો. રૂ. 4.37 કરોડના ખર્ચે 327 મીટર લંબાઈના પુલ જેમાં બ્રિજના મુખ્ય ભાગની લંબાઈ 168 મીટર, બ્રિજ પહેલા 98.50 મીટર અને બ્રિજ પછી 60.50 મીટર એપ્રોચ નિર્માણ કરાયો છે. બ્રિજ 12 મીટર સ્પાનનાં 14 ગાળા સાથે એપ્રોચ રોડ રીટેનિંગ વોલ, 5 મીટર પહોળો આરસીસી રોડ, રોડ સેફટી સાથે સાઈન બોર્ડ જેવી અનેક સુવિધા સાથે સજ્જ આ પુલનું શનિવારે સાંસદ સી.આર.પાટીલે અગ્રણીઓની હાજરીમાં લોકાર્પણ કર્યું હતું. હવે પુલ બનતા ઘોલના આવાગમન સરળ બનશે.

આ ઉપરાંત હાલ રાજ્ય સરકાર દરિયાકિનારાના વિસ્તારમાં રહેતા લોકોને પૂરતા વીજભાર સાથે વીજપુરવઠો મળી રહે તે માટે નવા સબસ્ટેશન શરૂ કરાઇ રહ્યાં છે. જેમાં 66 કેવી બીગરી (ધોલાઈ- સલાબેટ)માં 6.82 કરોડના ખર્ચે વીજ સબસ્ટેશનનું ભૂમિપૂજન કરાયું હતું. જે પૈકી બાંધકામ ખર્ચ રૂ. 1.42. કરોડ, ઇલેક્ટ્રીક ઇકવીપમેન્ટ, સ્ટ્રક્ચર યાર્ડ લાઇટિંગ રૂ. 3.15 કરોડ અને વલસાડનાં ઉટડી સબસ્ટેશન 5.50 કિમી ઓવરહેડ ટાવર, વીજલાઈન રૂ. 2.25 કરોડ લાખનાં ખર્ચે પ્રસ્થાપિત કરાશે. જેની 30 એમવીએ ક્ષમતા સાથે 3 ફિડરનાં ધોલાઈ, બીગરી, ખાપરવાડા, ગોયંદી, દઢોરા, વાઘરેચ, ભાઠલા, વણગામ, પોંસરી ગામ તેમજ અન્ય 2 ફિડરો મળી 5900 ગ્રાહકો મુશ્કેલી વિના વીજપુરવઠો મળશે.

આ સમગ્ર વિસ્તારમાં અગાઉ 12 કિમી દૂર આંતલિયા વીજ સબસ્ટેશન થી ઉંડાચ ગામ થઈ વીજ પ્રવાહ સપ્લાય થતો હતો, જેને કારણે લાઈન લોસ અને વીજ ફોલ્ટ સર્જાતા હતા, જેનાથી હવે કાંઠા વિસ્તારને છૂટકારો મળશે. આ સબસ્ટેશનનું ભૂમિપૂજન સાંસદ અને ગુજરાત પ્રદેશ ભાજપા પ્રમુખ સી.આર.પાટીલના હસ્તે કરવામાં આવ્યું હતું.

આ પ્રસંગે ગણદેવી ધારાસભ્ય નરેશ પટેલ સહિતના ભાજપ સંગઠન અગ્રણીઓ, સરપંચો અને ગ્રામજનો ઉપસ્થિત રહ્યાં હતા. વધુમાં બીગરી, વણગામ, માલવણ, ધોલાઈ રોડને વલસાડ-નવસારીને જોડતા રૂ.5.06 કરોડનાં ખર્ચે 6.47 કિમી લાંબા અને 5.50 મીટર પહોળા માર્ગનું ખાતમુહૂર્ત કરાયું હતું. જે આગામી 11 મહિનામાં પૂર્ણ કરાશે. જેનું પણ સાંસદના હસ્તે ખાતમુહૂર્ત કરાયું છે, જેના કારણે સ્થાનિકો અને ધોલાઈ બંદર તેમજ કોસ્ટલ હાઇવે આવાગમનમાં સુલભ બનશે.

અન્ય સમાચારો પણ છે...