ટાઉનપ્લાનિંગ વિવાદ:બીલીમોરામાં વધુ એક સ્થળે નારાજ રહીશોએ ચૂંટણી બહિષ્કારનું બેનર લગાવ્યું

બીલીમોરા17 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • ખાનગી માલિકીની વડીલોપાર્જીત જગ્યા રિઝર્વ કરી આવાસ યોજના માટે ફાળવી દેવાનો સ્થાનિકોનો આક્ષેપ

બીલીમોરા દેસરા તળાવ પાળે આવેલ વોર્ડ નંબર-9માં આવેલ ખાનગી માલિકીની વડીલોપાર્જીત ચાલી આવેલ જગ્યાને બીલીમોરા નગરપાલિકા દ્વારા રિઝર્વેશનમાં મુકી આ જગ્યા આવાસ યોજના માટે ફાળવી દેવામાં આવી હોવાના આક્ષેપો સાથે નારાજ રહીશોએ આગામી ચૂંટણીઓનો બહિષ્કાર કરવામાં આવશે એવા બેનરો લગાવતા બીલીમોરા નગરપાલિકાનું ટાઉન પ્લાનિંગ યોજનાનો વધુ એક વિવાદ સામે આવ્યો છે.

બીલીમોરા નગરપાલિકાએ ટાઉન પ્લાનિંગ સ્કિમ અંતર્ગત જુદા જુદા હેતુઓ માટે શહેરભરમાં અનેક જગ્યાઓ રિઝર્વેશનમાં મુકતા તેનો ભારે વિરોધ થઈ રહ્યો છે. બીલીમોરા દેસરા તળાવ પાળ પાસે બ્લોક નં. 544 માં મકાનના ખાનગી માલિકી રહીશોની માલિકીની જગ્યાને બીલીમોરા ટાઉન પ્લાનિંગ બીલીમોરા–દેસરા નં. 1 માં બીલીમોરા પાલિકા દ્વારા આવાસ યોજનામાં રિઝર્વેશનમાં મુકવામાં આવી છે. જમીનના મૂળ માલિકો બ્લોક નં. 544ના રહીશોએ આ બાબતે પાલિકાને આવેદનપત્ર આપી જણાવ્યું છે આ તેમની વડીલોપાર્જીત જગ્યા છે. તેમાં તેમણે 2000ની સાલમાં મકાન બનાવ્યા છે.

તેમની આર્થિક પરિસ્થિતિ નબળી હોય નવુ મકાન વસાવી શકાય તેવી કોઇ સ્થિતિ નથી. સરકારની નિતી અનુસાર ઘર-વિહોણાને ઘરના માલિક બનાવાની છે, જે મુજબ આ મકાનને જો આ રિઝર્વેશનના કારણે જર્જરિત કરવામાં આવશે તો તેઓ મકાન વિહોણા થઇ જશે. આવાસ માટે રિઝર્વેશનમાં મુકવામાં આવેલ તેમની જગ્યાને ફેરફાર તેમના મકાનોને સલામત કરી આપવા વિનંતી કરી છે. આ મકાનોની બીલીમોરા પાલિકા દ્વારા આકારણી પણ કરાઇ છે અને તેના વેરાઓ પણ ભરતા આવ્યા હોય તેમની દરેક વિગતો તેમજ પરિસ્થિતિને ધ્યાને લઇ આ બાબતે યોગ્ય તે ન્યાય આવવા અરજ કરી હતી.

પોતાની વડીલોપાર્જીત જમીન બાબતે ન્યાય નહીં મળતાં કુટુંબોએ વિધાનસભાની ચૂંટણીનો બહિષ્કાર કરવાનું ઠરાવ્યું છે. જેમાં તેમણે બોર્ડ મારી તેમાં લખ્યું છે કે, વોર્ડ નં. 9 દેસરા તળાવની પાળ પર ચૂંટણીનો બહિષ્કાર કરીએ છીએ, અમારી માંગ પૂરી નહીં થાય ત્યાં સુધી ચૂંટણીનો બહિષ્કાર યથાવત રહેશે. એ પ્રમાણેના બેનરો લગાડતા રાજકીય ગરમાટો વ્યાપ્યો છે. એક બાદ એક પાલિકા ટાઉન પ્લાનિંગ સ્કિમનો વિવાદ ચૂંટણી ટાંણે જ બહાર આવી રહ્યો છે. જેમાં નવજીવન કોલોની, ભાગ્યલક્ષ્મી સોસાયટી, જલાશિવ સોસાયટી બાદ હવે દેસરા તળાવ પાળ પાસે ટાઉન પ્લાનિંગ સ્કિમનો વિવાદ વધુ વકર્યો છે.

અન્ય સમાચારો પણ છે...