હવામાન:વરસાદની આગાહી બાદ બીલીમોરા અને ચીખલી પંથકમાં અમીછાંટણા

બીલીમોરા, ચીખલી, આહવા4 મહિનો પહેલા
  • કૉપી લિંક

હવામાન ખાતા દ્વારા વરસાદની આગાહી કરવામાં આવી હતી. જેને પગલે બીલીમોરા, ચીખલી સહિત ડાંગમાં અમીછાંટણા પડ્યાં હતા. બીલીમોરા અને ચીખલીમાં શનિવારે મોડી સાંજે એકદમ હળવા વરસાદી ઝાપટા પડતા ચિંતામાં વધારો થયો હતો. વાદળછાયા વાતાવરણ વચ્ચે મોડી સાંજે છાંટા પડયા હતા. જો વધુ વરસાદ વરસે તો ખેતીપાકો સહિત અનેક ક્ષેત્ર વ્યાપક નુકસાનની શક્યતા ખેડૂતો વ્યક્ત કરી રહ્યાં છે. ખેતીમાં તેમજ સિઝનલ પાકોમાં પણ વ્યાપક નુકસાનની ભીતિ સેવાઇ રહી છે.

ચીકુ કલમો અને શાકભાજીમાં ખરણ સાથે જીવાતનો ઉપદ્રવ વધવા ની સંભાવના જોવાઇ રહી છે. આ વર્ષે કેરીના પાક માટે પણ ખેડૂતો ચિંતાતુર બન્યા છે. બે દિવસથી વાતાવરણમાં આવેલ બદલાવના કારણે ફળ, કલમો અને ખેતી પાકોમાં જીવાતોનો ઉપદ્રવ વધતાં ઉત્પાદન ઉપર માઠી અસર થવાની સંભાવના જોવાઇ રહી છે. વાદળછાયા વાતાવરણ વચ્ચે હળવા છાંટાને કારણે વાતાવરણમાં ઠંડક વ્યાપી હતી. ગ્લોબલ વોર્મિંગ અને ઋતુચક્રમાં પલટાને કારણે ભરશિયાળે એક જ દિવસમાં બે ઋતુનો અહેસાસ થઈ રહ્યો છે. ફળપાકો અને શાકભાજીમાં ફુલોનું ખરણ વધતા ખેડૂતો ચિંતિત બન્યા છે.

ડાંગમાં સતત બીજા દિવસે વરસાદી ઝાપટા
ડાંગ જિલ્લાનાં ગિરિમથક સાપુતારા, વ્યાપારી નગર વઘઇ, આહવા, સુબીર સહિતનાં પંથકોમાં સતત બીજા દિવસે કમોસમી વરસાદનાં ઝાપટા પડતા સર્વત્ર પંથકોમાં શીતલહેર વ્યાપી ગઈ હતી. ડાંગ જિલ્લાનાં ગામડાઓમાં સતત બીજા દિવસે વાતાવરણમાં પલટો આવી જતા ડાંગી ખેડૂતોનાં શિયાળુ પાકોને જંગી નુકસાન થવાની ભીતિ વર્તાવા પામી છે.

અન્ય સમાચારો પણ છે...