ચકચાર:મેળામાં ભાડે અપાતા પ્લોટમાં ગેરરીતિના આક્ષેપથી ચકચાર

બીલીમોરા21 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • બીલીમોરા સોમનાથ મંદિરના પ્લોટનો મુદ્દો ગાજ્યો
  • ​​​​​​​પાલિકાના આ. સમિતિ ​​​​​​​ચેરમેનની પ્રા. કમિશ્નરને ફરિયાદ

બીલીમોરા શ્રાવણ માસમાં પાલિકાના રિઝર્વ પ્લોટને જાહેર હરાજીમાં પ્લોટની ભાડાની કિંમત રૂ. 15 લાખ ઉપરાંતની મળે તેમ હોવા છતાં ન્યૂનતમ કિંમતથી હરાજી પૂરી કરી દઈ આ જગ્યા માત્ર 6 લાખમાં જ આપી દીધી હોવાનુ જણાવી એકબીજાના મેળાપીપણામાં પાલિકાને મોટુ આર્થિક નુકસાન પહોંચાડયું હોવાના આક્ષેપો સાથે પ્રાદેશિક કમિશ્નરને આરોગ્ય સમિતિના ચેરમેન દ્વારા ફરિયાદ કરવામાં આવી હતી.

બીલીમોરા નગરપાલિકા આરોગ્ય સમિતિના ચેરમેન નરેશ બી. પટેલે પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ અરજી કરી શ્રાવણ માસમાં પાલિકાના રિઝર્વ પ્લોટને જાહેર હરાજી ગેરરીતિ થઈ હોવાના આક્ષેપો કરી તપાસની માંગણી કરી છે. તેમણે જણાવ્યું છે કે, શ્રાવણ માસમાં બીલીમોરા સોમનાથ મંદિર ખાતે મેળાનું આયોજન કરવામા આવે છે. નગરપાલિકા દ્વારા સોમનાથ મંદિર સાથે આવેલ ટી.પી. રીઝર્વ પ્લોટ (3264 ચો.મી.) સહિતના પ્લોટોની કારોબારી સમિતિ ઠરાવ કરી અપસેટ કિંમત નકકી કરી હરાજી યોજી હતી.

જેમાં સોમનાથ મંદિર સાથેના 3264 ચો.મી.ના પ્લોટની અપસેટ કિંમત રૂ. 6 લાખ નકકી કરવામાં આવી હતી. આ પ્લોટમાં વર્ષોથી સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ શ્રાવણ માસના દુકાનોની ફાળવણી કરતું આવ્યું છે. જ્યાં ટી.પી. સ્કિમ મંજૂર થયા બાદ પણ આ પ્લોટનો કબજો નગરપાલિકાને સોંપ્યો નહીં હોવાના આક્ષેપ કર્યા છે. સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટ દ્વારા પાલિકાને અરજી આપીને આ જગ્યા સોમનાથ મહાદેવ મંદિર ટ્રસ્ટને ફાળવવા લેખિત અરજી કરી હતી. જ્યાં ટ્રસ્ટી રૂબરૂ હાજર રહી હરાજીમાં ભાગ લઈ રહેલાને પ્રભાવિત કરીને નીતિનિયમ મુજબ જાહેર હરાજીની પ્રક્રિયાને પ્રભાવિત કરી હોવાનું જણાવ્યું છે.

જાહેર હરાજીમાં આ જગ્યાની કિંમત રૂ. 15 લાખ કરતા વધુ મળે તેમ હોવા છતાં ન્યૂનતમ કિંમતથી હરાજી પૂરી કરી દીધી હોવાનો આક્ષેપ કરી એકબીજાના મેળાણીપણામાં નગરપાલિકાની આવકને મોટુ નુકસાન પહોચાડ્યું હોવાનું જણાવી આ અગે સ્થળ તપાસ અને સાધનિક રેકર્ડ સહિત વિગતવાર તપાસ કરવા નગરપાલિકાના પ્રાદેશિક કમિશ્નરને ફરિયાદ કરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, બીલીમોરા સોમનાથ મહાદેવ મંદિરનું મહત્વ અનેકગણું હોય લોકો મોટી સંખ્યામાં શ્રાવણ માસમાં અહીં દર્શન કરવા આવતા હોય છે.

અન્ય સમાચારો પણ છે...