જળસંગ્ર:ગણદેવી તાલુકાના દેવધા ડેમના તમામ 40 દરવાજા બંધ કરાયા

બીલીમોરા2 મહિનો પહેલા
  • કૉપી લિંક
  • વિપુલ જળસંગ્રહથી ખેતી, ઉદ્યોગ સહિત પીવાના પાણીની સમસ્યા હલ થશે

ગણદેવી તાલુકાના લોકોની પાણીની સમસ્યા હલ કરવા માટે વર્ષ 2002માં બીલીમોરા નજીકના દેવધા ગામે વહેતી અંબિકા નદી પર દેવસરોવર પરિયોજના હેઠળ 19 કરોડના ખર્ચે દેવધા ડેમ બાંધવામાં આવ્યો હતો. જે સમગ્ર ગણદેવી તાલુકાના દેવધા, મટવાડ, કલીયારી, ધનોરી, ગડત, સાલેજ, દેસાડ, વલોટી, તોરણગામ, બીલીમોરા, ગણદેવી, ધમડાછા, કછોલી, તલિયારા, દેવસર વિગેરે અનેક ગામોને પાણી પૂરું પાડે છે. સાથે અમલસાડ પંથક અને કાંઠા વિસ્તારના ગામોને પણ આ ડેમ પાણીની જરૂરિયાત પૂરી પાડે છે. આ 5 મીટર લાંબા અને 500 ફૂટ પહોળા આ ડેમમાં 6.40 મિલિયન ક્યુબીક મીટર પાણીનો સંગ્રહ થાય છે. ડેમમાં પાણી સંગ્રહ માટે એક મીટર ઊંચા અને 4 મીટર પહોળા 40 દરવાજાઓ બેસાડવામાં આવ્યા છે.

આ દરવાજા ચોમાસાની શરૂઆત ટાણે 15 મી જૂનની આસપાસના દિવસોમાં આ ડેમના દરવાજા ખોલી નાખવામાં આવે છે અને નવા પાણીની આવક બાદ ચોમાસાની વિદાય બાદ 15મી ઓક્ટોબરના આસપાસ આ ડેમના દરવાજા બંધ કરી નાખવામાં આવે છે. જેથી વર્ષભર માટે વિપુલ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થઈ શકે, આ વર્ષે ગણદેવી તાલુકામાં 2285 મીમી (91.4 ઇંચ ) વરસાદ પડ્યો છે. ડેમમાં નવા પાણીની વિપુલ આવક થઈ છે. હવે ચોમાસુ વિદાય લઈ રહ્યું છે. જેથી ડેમમાં આવેલ નવા પાણીનો સંગ્રહ માટે દેવધા ડેમના દરવાજા બંધ કરવામાં આવ્યા હતા. દરવાજા બંધ થતાં દેવધા ડેમના કેચમેન્ટ વિસ્તારમાં 6.45થી વધુ મિલિયન ક્યુબીક મીટર વિપુલ પ્રમાણમાં પાણીનો સંગ્રહ થયો છે. વિપુલ જળસંગ્રહથી તાલુકાના ખેતી, ઉદ્યોગ સહિત પીવાના પાણીની સમસ્યા હલ થશે.

ડેમના કેચમેન્ટ વિસ્તારની વેંગણિયા અને પનિહારી નદીઓમાં જળસ્તર વધશે. પરીણામે બંધારા પુલ ધોબીઘાટ પણ ફરી સજીવન બનશે. ડેમને પગલે શ્રમજીવીઓ વર્ષભર માછલી પકડીને કમાણી કરશે. ડેમના દરવાજા બંધ કરવાના કાર્ય માટે ડ્રેનેજ પેટા વિભાગના નાયબ કાર્યપાલક ઇજનેર ખુશ્બુ પટેલ, મદદનીશ ઇજનેર પ્રતીક પટેલ તેમજ સ્ટાફ એ જેસીબી મશીન, હાઈવા સાથે હાજર રહી આ સમગ્ર કાર્ય પાર પડ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...