અકસ્માત:બીલીમોરાના વલોટી નજીક ટ્રક અડફેટે બાઈક સવાર યુવકનું મોત

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
  • જિંગા ફેકટરીમાંથી નોકરી પતાવી ઘરે જતી વેળા બનેલી ઘટના

બીલીમોરા નજીકના તલોધ જિંગા ફેકટરીમાંથી નોકરી કરી પોતાની બાઇક પર ઘરે પરત ફરતા 25 વર્ષીય આશાસ્પદ યુવાનને વલોટી ગામે સ્વામિનારાયણ શાળા પાસેથી રોંગસાઈડે બેફામ રીતે હંકારી જતા હાઈવા ટ્રકના ચાલકે અડફેટે લેતા તેનું ઘટનાસ્થળે જ મોત નિપજયું હતું. અકસ્માત કરીને હાઈવા ટ્રકનો ચાલક ફરાર થયો હતો. પોલીસે ટ્રકના ચાલક સામે ગુનો નોંધી તેને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.

ગણદેવી તાલુકાના અંભેટાના આમલિયામાં રહેતા ચિરાગ સુરેશભાઈ પટેલ (ઉ.વ. 25) 20મીને શુક્રવારે રાત્રે 10 કલાકે બીલીમોરા નજીકના તલોધમાં આવેલી જિંગા ફેક્ટરીમાં નોકરી કરી પોતાની બાઈક યામહા એફઝી (GJ-21-AP-0184) લઈને ઘરે પરત ફરી રહ્યો હતો. દરમિયાન વલોટી સ્વામિનારાયણ સ્કૂલ પાસેથી તે પસાર થઈ રહ્યો હતો તે સમયે રોંગ સાઇડે હાઇવા ટ્રક (નં. જીજે-5-બીવી-9995)ના ચાલકે પૂરપાટ ઝડપે પોતાનું વાહન હંકારી લાવી ચિરાગની બાઈકને અડફેટે લીધી હતી. જેને પગલે ચિરાગ ફંગોળાઈ રસ્તા પર પટકાયો હતો. ચિરાગ રોડ પર પટકાતાની સાથે જ હાઈવા ટ્રક નીચે આવી કચડાઇ જતા ઘટનાસ્થળે મોત નિપજ્યું હતું.

જ્યાંથી પસાર થતા લોકો- વાહનચાલકોએ ચિરાગને તાત્કાલિક એમ્બ્યુલન્સમાં બીલીમોરાની મેંગુષી હોસ્પિટલમાં ખસેડ્યો હતો. જ્યાં ફરજ પરના ડોક્ટરે તેને મૃત જાહેર કર્યો હતો. બનાવની જાણ ચિરાગના પરિવારને થતા તેઓ પણ હોસ્પિટલમાં ધસી ગયા હતા. આ ઘટના અંગે મૃતકના કાકા હસમુખભાઈ બાવાભાઈ પટેલ (ઉ.વ. 62)એ બીલીમોરા પોલીસમાં હાઈવા ટ્રકના અજાણ્યા ચાલક સામે ગુનોં નોંધાવતા પીએસઆઈ ડી.આર.પઢેરીયાએ ટ્રકના ચાલકની શોધખોળ હાથ ધરી છે.

અન્ય સમાચારો પણ છે...