અકસ્માત:શીપમાં નોકરી કરતા બીલીમોરાના યુવાનનું ટ્રેનની અડફેટે મોત

બીલીમોરાએક મહિનો પહેલા
  • કૉપી લિંક
પ્રતિકાત્મક તસવીર - Divya Bhaskar
પ્રતિકાત્મક તસવીર

બીલીમોરામાં રહેતા અને શીપમાં નોકરી કરતા યુવાનનું દેસરા પાસે ટ્રેન અડફેટે આવી જતા તેને આવેલ ગંભીર ઇજાને કારણે મોત નિપજ્યું હતું. યુવકનું અવસાન થતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. રેલવે પોલીસે પીએમ કરી મૃતદેહને પરિવારને સોંપ્યો હતો.બીલીમોરાના શ્યામનગર-2માં રહેતા જીગર ભગવાનદાસ ટંડેલ (ઉ.વ. 35) શુક્રવારે સવારના 11 વાગ્યાના અરસામાં બીલીમોરા રેલવે સ્ટેશને પશ્ચિમે દેસરા રેલવે ટ્રેક પાસેથી પસાર થઈ રહ્યાં હતા. જ્યાં સુરત તરફ ડાઉન લાઈન પરથી પસાર થતી ગુડ્સ ટ્રેનની અડફેટે આવી ગયા હતા.

ટ્રેન અડફેટે તેમને હાથ, કમર તેમજ શરીરે ગંભીર ઇજા પહોંચી હતી. તેમને પહોંચેલી ગંભીર ઇજા કારણે તેમનું મોત નિપજ્યું હતું. આ ઘટનાની જાણ ટ્રેનના ડ્રાઇવરે રેલવે પોલીસને કરી હતી. મૃતક પાસેથી મળી આવેલા મોબાઈલ ફોનના આધારે તેની ઓળખ થતા પરિવારજનો તરત જ રેલવે આઉટ પોસ્ટ ચોકી પહોંચી ગયા હતા.

પોલીસે કાર્યવાહી હાથ ધરી મૃતદેહનું પીએમ કરાવી પરિવારજનોને મૃતદેહ સોંપ્યો હતો. મૃતક જીગર ટંડેલ શિપિંગ કંપનીમાં નોકરી કરતો હતો. તેમના ઘરે તેઓ તેમની પત્ની અને માતા-પિતા સાથે રહેતા હતા. જીગરભાઈના અવસાનના કારણે પરિવાર સ્તબ્ધ બન્યો હતો અને પરિવારમાં શોકનું મોજું ફરી વળ્યું હતું.

અન્ય સમાચારો પણ છે...