ભાસ્કર ગ્રાઉન્ડ રિપોર્ટ:મચ્છીમારી માટે એક સફરમાં રૂ. 4 લાખનો ખર્ચ છતાં નફો નસીબ ઉપર

બીલીમોરા24 દિવસ પહેલા
  • કૉપી લિંક
  • 12 હજાર માછીમાર પરિવારની હવે સરકાર પર આશ
  • પોષણક્ષમ ભાવો, ડિઝલની સબસીડી ન મળતા મચ્છીમારીનો ધંધો મુશ્કેલીમાં, કેટલાય માછીમારો બોટ વેચવા મજબૂર

પ્રબો ધ ભીડે
પોષણક્ષમ ભાવો તેમજ ડીઝલ સબસિડી નહીં મળવાના કારણે મુશ્કેલીનો સામનો કરતાં વલસાડ નવસારી જિલ્લાના તમામ 1000 જેટલા માછીમારોએ મચ્છીમારી બંધ કરી તેમની બોટો ધોલાઈ અને ભાઉચાધક્કામાં લાંગરી દીધી છે. માછીમારોરોએ બોટો બંધ હોવા છતાં તેમના ખલાસીઓને સાચવવા તેમને વેતન તો ચૂકવવું જ પડે છે ત્યારે વધતા ડીઝલના ભાવો સામે સબસિડી અને પોષણક્ષમ ભાવો મેળવવા માટે માછીમારો મેદાને પડ્યાં છે.

ગુજરાતમાં જમીની ખેતી બાદ સૌથી મોટો વ્યવસાય એ દરિયાઈ ખેતી છે. જે વ્યવસાય સાથે સમગ્ર ગુજરાતના હજારો લોકો જોડાયેલા છે. સમગ્ર ગુજરાતનો 1600 કિ.મી.નો દરિયાઈ કિનારો છે. જેમાં નવસારી જિલ્લાનો 53 કિ.મી. નો દરિયાઈ કિનારો આવેલો છે. દક્ષિણ ગુજરાતમાં નવસારી અને વલસાડ જિલ્લાના ઘણાં ગામો દરિયાઈ કિનારે આવેલા હોય તેઓનો મુખ્ય વ્યવસાય દરિયાઈ ખેતી છે. ગણદેવી તાલુકાના ધોલાઈ ગામના 3600 જેટલા પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જેઓ દરિયામાંથી માછલી પકડી ધોલાઈ, ભાઉચાધક્કામાં વેચવા જાય છે.

વલસાડ અને નવસારી જિલ્લાના આશરે 12000થી વધુ પરિવારો માછીમારીના વ્યવસાય સાથે સંકળાયેલા છે. જોકે હાલ તેમનો આ માછીમારીનો વ્યવસાય ખુબજ વિષમ પરિસ્થિતિનો સામનો કરી રહ્યો છે. ડીઝલના કમરતોડ ભાવ વધારા તેમજ તેમને મચ્છીના પોષણક્ષમ ભાવો નહીં મળતા તેઓએ મહત્તમવાર ખોટ ખાઈને ધંધો કરવા મજબૂર બન્યાં છે. આ બાબતે ઘણી રજૂઆત કરવા છતાં કોઈ નિરાકરણ નહીં આવતા તેમણે આ અંગે ગંભીર ચિંતા દર્શાવી માછીમારી બંધ કરી પોતાની બોટોને ધોલાઈ તેમજ ભાઉચાધક્કામાં લાંગરી દઈ આ અંગે યોગ્ય નિરાકરણ લાવવાની લાગણી વ્યક્ત કરી રહ્યાં છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ખેતી બાદ સૌથી મોટો મચ્છીમારીનો વ્યવસાય મુશ્કેલીનો સામનો કરી રહ્યો છે. નવસારી-વલસાડ જિલ્લાની ફિશિંગ બોટમાં નવ મહિનામાં ડીઝલ વપરાશ અંદાજીત 30 કરોડ લીટર એટલે કે રૂ. 3 અબજનું ડીઝલ વપરાશ છે, તેમ છતાં સબસિડીના વર્ષો જુના પ્રશ્ન અંગે સમાધાન થતું નથી. વૈશ્વિક કોરોના, કુદરતી આપતિ, વાવાઝોડા, યુક્રેન રશિયા યુદ્ધ જેવા પરિબળોને કારણે માછીમારો આર્થિક નુકસાનીમાં મુકાયો છે. માછીમારો પોતાની બોટ વેચવા મજબૂર બન્યા છે.

મુખ્ય સિઝન 4 માસની હોય છે
આમ તો માછીમારીનો વ્યવસાય ઓગસ્ટથી નવેમ્બર સુધી 4 માસ હોય છે. આ ચાર માસ દરમિયાન સારા પ્રમાણમાં માછલીઓ મળતી હોય એટલે મુખ્ય સિઝન ચાર માસની રહે છે. જે બાદ પણ મે સુધી માછલીઓ મળતી હોય ખલાસીઓને સાચવવા અને ખર્ચ કાઢવા સાગરખેડુઓ દરિયો ખેડવા જતા હોય છે. જેથી ખલસીઓનો ખર્ચ પરવડી શકે.

આવક બંધ છતાં ખર્ચ ચાલુ
હાલ બોટો કિનારે લાંગરેલી અને માછીમારી બંધ છે, તેમ છતાં ખલાસીઓ સાચવવા માટે તેમને પેમેન્ટ આપવું પડે છે અને તેમનું રોજનું ખાવાની વ્યવસ્થા પણ કરવી જ પડે છે. એટલે આવક બંધ છતાં ખર્ચ ચાલુ રહે છે. વર્ષના ચાર માસ માછીમારી બંધ હોવા છતાં ખલાસીઓ એડવાન્સ પૈસા આપવા પડે છે. તેઓ માછીમારો સાથે જોડાયેલા રહે છે. વધુ ચાર માસ તેમજ 80% બોટો બેંકની સીસી પર ચાલે છે.

માછલીનો ભાવ 30% ઓછો, ડિઝલ મોઘું
માછીમારોને પોષણક્ષમ ભાવો મળતા નથી. ડીઝલના ભાવો કૂદકે અને ભૂસકે વધી રહ્યાં છે. જ્યાં મચ્છીના ભાવ જોઈએ એટલા પ્રમાણમાં મળતા નથી. ડીઝલ અને ખર્ચ સામે વળતર મળતું નથી. પાંચ વર્ષ પહેલાં માછલી ભાવો હતા તેના કરતાં 20 થી 30 ટકા ઓછા છે. જેની સામે ડીઝલ 30 થી 40 ટકા મોંઘું થયું છે. સરકાર જેમ ખેત ઉત્પાદનના ટેકાના ભાવો જાહેર કરે છે તેમ અમારા માછલીના ભાવો પણ સરકાર નક્કી કરે તો અમને તો ફાયદો થાય એમ છે.> મથુર ટંડેલ, સભ્ય, ધોલાઈ વ્યવસ્થાપન કમિટી

સરકાર પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ લાવે
સીતારામભાઈ ટંડેલ, રમણભાઈ મેથીયા, નરેશભાઈ ટંડેલ, ભરતભાઈ ટંડેલ, હરિભાઈ ટંડેલ ગ્રુપ લીડર છે. દરિયો ખેડવા જતી બોટોમાંથી જેમાં 1 વ્યક્તિ પાસે 50 થી 60 બોટની જવાબદારી હોય છે. ધોલાઈ બંદર પ્રમુખ ઈશ્વર ટંડેલ, ઉપપ્રમુખ ઠાકોર ટંડેલ અને અગ્રણી જયંતિ ટંડેલ, આગેવાન મથુરભાઈ સહિત તમામ માછીમારો તેમના આ પ્રશ્નોનું વહેલી તકે નિરાકરણ સરકાર દ્વારા લાવવામાં આવે તેવી લાગણી વ્યક્ત કરી રહ્યાં છે. આગામી દિવસોમાં સરકાર દ્વારા માછીમારોની મુશ્કેલી અંગે વિચારણા કરી યોગ્ય નિર્ણય લેવાય તે જરૂરી જણાય રહ્યું છે.

વેપારીઓએ નાછૂટકે ઓછા ભાવે માલ વેચી દેવો પડે છે
4 લાખના ફેરા બાદ નસીબ હોય તો મબલખ પાક મળે છે. નહીં તો સાગરખેડૂઓએ પણ નિરાશાનો સામનો કરવો પડે છે. જે બાદ પણ વેપારીઓ મનફાવે તેવા ભાવ માંગે છે એટલે નફો કરતા પણ ઓછો ભાવ વેપારીઓ માંગતા હોય છે. ધોલાઈમાં કોલ્ડ સ્ટોરેજનો અભાવ હોય નાછૂટકે તેમણે વેપારીઓના ભાવે તેમનો જથ્થો વેચી દેવો પડે છે. ભાઉચા ધક્કામાં પણ તેમને પોષણક્ષમ ભાવો નહીં મળતા સાગરખેડૂઓને નિરાશા જ સાંપડે છે. જોકે વેપારીઓ આંતરરાષ્ટ્રીય માર્કેટમાં ઊંચા ભાવે વેચતા હોય છે. કોઈવાર 4 લાખના ખર્ચ સામે વધુ ભાવો મળે છે. જ્યારે ઘણી વખત આ બાબતે સરકાર જેમ ખેત પેદાશોમાં સરકાર ટેકાના ભાવો જાહેર કરતા હોય તેમ દરિયાઈ પેદાશના ભાવો પણ જાહેર કરતી હોય તો તેમણે ખોટ ખાવાનો વારોના આવે એવી લાગણી પણ સાગરખેડૂઓ વ્યક્ત કરી રહ્યાં છે.

અન્ય સમાચારો પણ છે...