બીલીમોરા નજીકના દરિયા કિનારાના ધોલાઈ બંદર ઉપર મંગળવારે મરીન પોલીસે બાતમી આધારે બોટમાં લઈ જવાતો જ્વલનશીલ પ્રવાહી સાથે બોટને ઝડપી લીધી હતી. બે લાખની કિંમતના 13 બેરલ પ્રવાહી મળી બોટ સહિત રૂ. 27 લાખનો મુદ્દામાલ ઝડપી પાડી 8 ઈસમની અટકાયત કરી હતી. જ્યારે એકને વોન્ટેડ જાહેર કરાયો હતો.
ધોલાઈ મરીન પોલીસને બોટમાં જ્વલનશીલ પ્રવાહી બંદર જેટીએ ઉતરવાની બાતમી મળી હતી. બાતમીને પગલે પોલીસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમીવાળી બોટ જેટી ઉપર લાંગરતા પોલીસે તેમાં તપાસ કરી હતી. પોલીસ તપાસ દરમિયાન તેમાંથી 13 બેરલમાં 2730 લિટર પ્રવાહીનો જથ્થો મળી આવ્યો હતો. પોલીસે પ્રવાહી સાથે રૂ. 25 લાખની ગજ લક્ષ્મી બોટ મળી કુલ રૂ. 27,04,750નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો.
ધોલાઈ મરીન પોલીસે અશોકભાઇ ટંડેલ (ઉ.વ. 45, રહે. કકવાડી, તા.જિ.વલસાડ), નિલેશભાઇ પાઢકર (ઉ.વ. 24) અને પ્રકાશ વાઢુ (ઉ.વ., રહે. બારડપાડા, તા.તલાસરી, જિ.પાલઘર, મહારાષ્ટ્ર), અવિનાશ પવાર (ઉ.વ. 20, રહે. મેઢકપાડા તા.તલાસરી, જિ.પાલઘર, મહારાષ્ટ્ર), વિલાસ સનવર (ઉ.વ. 25), વસંત ઢાંગડા (ઉ.વ. 32), વિજય શિવાજી કૌર (ઉ.વ. 20) અને કિશન માલજી કૌર (ઉ.વ. 20, તમામ રહે. સુત્રકાર તા.તલાસરી, જિ.પાલઘર મહારાષ્ટ્ર)ની અટક કરવામાં આવી હતી. જ્યારે રાજુભાઇ ટંડેલ (રહે. મોટી દાંતી, તા.જિ.વલસાડ)ને વોન્ટેડ જાહેર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે અચાનક જ જ્વલંતશીલ પ્રવાહી ભરેલી બોટ મળી આવતા તે કેવા ઇરાદા સાથે લવાયું હતું તે વાતને લઇ અનેક તર્કવિતર્ક શરૂ થઇ ગયા છે.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.