આગામી ફેબ્રુઆરી માસમાં બીલીમોરા નગરપાલિકાની ટર્મ પૂર્ણ થઈ રહી છે. જેની સંભવતઃ છેલ્લી સામાન્ય સભામાં એજન્ડા અને વધારાના મળી 76 કામો શાસકોએ બહુમતિના જોરે વિપક્ષના વિરોધ વચ્ચે મંજૂર કર્યા હતા.
બીલીમોરા પાલિકાની સામાન્ય સભા પાલિકા સભાખંડમાં પ્રમુખ વિપુલાબેન મિસ્ત્રીના અધ્યક્ષસ્થાને મળી હતી. ફેબ્રુઆરી માસના અંતમાં પાલિકાની ટર્મ પૂર્ણ થતી હોય આ સભા સંભવતઃ છેલ્લી હતી. જેમાં એજેન્ડા અને વધારાના મળી કુલ 76 કામ હાથ પર લેવાયા હતા.
શરૂઆતથીજ વિપક્ષ આક્રમક જણાયો હતો. જેમાં રખડતાં ઢોરોના મુદ્દે વિપક્ષે શાસકોને આડે હાથ લીધા હતા. પાલિકાએ હાલમાં પકડેલા 47 ઢોરોને નિભાવવા પેટે 56 હજાર ચૂકવાના આવ્યા હોય તે મંજૂર કરાયા હતા. વિપક્ષે ઢોર અંગે ચોક્કસ આયોજન કરવા જણાવ્યું હતું. પાલિકાના ઘન કચરાના નિકાલ માટે પાલિકાએ ગોચરની જમીનની માગ કરવામાં આવી હોય દેસરાના સભ્ય હરીશ પટેલે જો બધી જ ગોચરની જમીન આપી દેવામાં આવશે તો ગૌચરની જમીન રહેશે જ નહીં અને પશુ ચરસે ક્યાં એવો સવાલ કર્યો હતો.
ઇજારદાર મનોજ બારોટને સોંપાયેલ કામ ચાર વર્ષ વિતવા છતાં હજુ સુધી પૂર્ણ થયા નથી તેમ છતાં તેમને બીજા કામો કઈ રીતે સોંપવામાં આવી રહ્યા હોવાનો પ્રશ્ન વિપક્ષે કરતાં શાસક પક્ષના સભ્ય મનિષ નાયકે તેને બ્લેકલીસ્ટ કરવા જણાવ્યું હતું.
વિપક્ષના મલંગભાઈએ બીલીમોરાનું નામ વિશ્વ ફલક પર ઉજાગર કરનાર મધર ઇન્ડિયાના ડાયરેકટ મેહબુબ ખાનના નામે કોઈ રોડ, કોઈ હોલ કે કોઈ સ્થળનું નામ આપવાનો નિર્ણય કરવા જણાવ્યું હતું. જેના પ્રત્યુત્તરમાં પ્રમુખ વિપુલાબેને પક્ષ સાથે ચર્ચા વિચારણા કરી યોગ્ય નિર્ણય કરાશે એમ જણાવ્યુ હતું. દેસરા કુંભારવાડની જગ્યા ગામતળમાં બોલાતી હોય જેના કારણે તે વિસ્તારના રહીશોને નામો સરકારી ચોપડે ચઢી નહીં શકતાં હોવાનું જણાવી આ અંગે યોગ્ય કાર્યવાહી કરી નિર્ણય કરવા સુચવ્યું હતું.
રેલવે ઓવરબ્રિજ બન્યા બાદ જમીન સંપાદનની કામગીરી અંગે પણ હજુ સુધી પ્રશ્નાર્થ છે અને કામગીરી આગળ વધી રહી નહીં હોવાનું જણાવ્યુ હતું. તેમાં સરકારી ગ્રાંટમાંથી કરવાપાત્ર કામો કામો કરવા મંજૂરી અપાઈ હતી. તે સાથે બીલોના ચૂકવણાના કામો મંજૂર કરાયા હતા.
Copyright © 2022-23 DB Corp ltd., All Rights Reserved
This website follows the DNPA Code of Ethics.